લાલ જ નહીં ગોલ્ડન પણ હોય છે લોહી! કેમ પોતે જ પોતાના માટે લોહી ડોનેટ કરે છે આ લોકો? દુનિયાના સૌથી દુર્લભ લોહી વિશે જાણો
આજે વિશ્વ રક્તદાન દિવસ પર જાણો લોહી વિશેની રોચક વાતો. શું તમે જાણો છો કે, માત્ર લાલ રંગનું જ નહીં પણ ગોલ્ડન પણ હોય છે માણસનું લોહી. બોમ્બે બ્લડ ગ્રૂપ વિશે તમે જાણો છો? આ રોચક વાતો જાણીને તમને નવાઈ લાગશે.
ઝી બ્યૂરો, અમદાવાદઃ દુનિયાભરમાં દર 14 જૂનના દિવસે બલ્ડ ડોનેશન એટલેકે, વિશ્વ રક્તદાન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ત્યારે શું તમે જાણો છોકે, કુલ કેટલાં પ્રકારના લોહી હોય છે? કયું લોહી કોને કામ લાગે છે? દુનિયામાં એવાં પણ લોકો છે જેમણે પોતે જ પોતાના માટે લોહી ડોનેટ કરીને બચાવી રાખવું પડે છે. તો વળી કેટલાં લોકોએ પોતાના માટે લોહી શોધવા માટે લાખો લોકોને મળવું પડે છે. સૌથી પહેલાં જાણીશું કે લોહીના કુલ કેટલાં પ્રકાર હોય છે. અને તે કઈ રીતે કામ કરે છે.
લોહીના પ્રકારઃ
બધાના લોહીનો રંગ લાલ હોય છે. એક હેલ્ધી વ્યક્તિના શરીરમાં પાંચથી છ લિટર જેટલું લોહી હોય છે ને આપણા શરીરના કુલ વજનમાંથી સાત ટકા વજન લોહીનું હોય છે. જોકે મુખ્યત્વે લોહી ચાર પ્રકારના હોય છે. A, B, AB અને O જેવા ચાર પ્રકારો પડે છે. આ સિવાય પણ એવા કેટલાક બ્લડ છે જે દુનિયામાં રેર ઓફ ધ રેર છે. કેટલાક કિસ્સાઓમાં આ પ્રકારના લોહીની કમીથી માણસનું મૃત્યુ પણ થઈ શકે છે. વ્યક્તિનું બ્લડગ્રુપ જુદી-જુદી ઍન્ટિજન અને ઍન્ટિબૉડીઝની ગોઠવણને આધારે લોહીનું ગ્રુપ નક્કી થતું હોય છે. આને ABO સિસ્ટમ કહે છે.
દુનિયાનું સૌથી દુર્લભ બ્લડ:
દુનિયાનું સૌથી દુર્લભ બ્લડ છે ‘ગોલ્ડન બ્લડ’. આ બલ્ડ ધરાવતા વ્યક્તિ માટે જોખમ નોતરી શકે છે. કારણકે દુનિયામાં માત્ર 43 વ્યક્તિ જ ગોલ્ડન બ્લડ ધરાવે છે. જેને કારણે કેટલાક કિસ્સાઓમાં જરૂર પડ્યે ગોલ્ડન બ્લડ લાખ પ્રયત્ન કરવા છતા નથી મળતુ. છેવટે પરિણામ દુઃખદાયી આવે છે. ગોલ્ડન બ્લડ એ લોકોના શરીરમાં હોય છે, જેનું Rh ફેક્ટર null હોય છે. એટલે Rh-null. આ પ્રકારના લોહી વાળા લોકોના Rh સિસ્ટમમાં 61 સંભવિત એન્ટિજનની કમી હોય છે.
ક્યારે થઈ ગોલ્ડન બ્લડની શોધ?
વિશ્વમાં સૌ પ્રથમવાર 1961માં આ બ્લડ વિશે માહિતી મળી હતી. જ્યારે એક ઓસ્ટ્રેલિયન ગર્ભવતીના બ્લડની તપાસ કરવામાં આવી. ડોક્ટરોનું માનવું હતું કે તેના ગર્ભમાં ઉછરી રહેલું બાળક Rh-null હોવાને કારણે પેટની અંદર જ મરી જશે.
ગોલ્ડન બ્લડની શું જરૂર છે?
બિગથિંકના રિપોર્ટ મુજબ વર્ષ 2018 સુધીમાં વર્ષ 2018 સુધી આ ગોલ્ડન બ્લડ માત્ર 43 લોકોમાં જોવા મળ્યું. બ્રાઝિલ, કોલંબિયા, જાપાન, આયર્લેન્ડ અને અમેરિકાના લોકોમાં જોવા મળે છે ગોલ્ડન બ્લડ. ગોલ્ડન બ્લડથી ધરાવતી વ્યક્તિ માટે જીવન બેધારી તલવાર પર ચાલવા જેવુ હોય છે પરંતુ મેડિકલ સાયન્સ માટે આ બ્લડ ખૂબ જ મહત્વનું છે. જો Rh-null ધરાવતા વ્યક્તિને લોહીની જરૂર હોય, તો દાતા શોધવાનું મુશ્કેલ છે. ઉપરાંત, આ રક્ત એવું છે કે આંતરરાષ્ટ્રીય સ્તરે પરિવહન કરવું મુશ્કેલ છે. તેથી જ આ રક્ત સાથે જીવતા લોકો સમયાંતરે તેમનું રક્તદાન કરતા રહે છે. જેથી તે બેંકમાં જમા રહે. તે બીજા કોઈને આપવામાં આવતું નથી. જ્યારે જરૂર પડે ત્યારે તેને આ લોહી આપવામાં આવે છે.
બૉમ્બે બ્લડ-ગ્રુપ:
કેટલાક લોકોનું બ્લડ-ગ્રુપ ચકાસો તો એ O પૉઝિટિવ કે O નેગેટિવ બતાવે છે, પણ એ ખરેખર આ બેમાંથી કોઈ ગ્રુપનું નથી હોતું. આ પ્રકારનું લોહી ૧૯૫૨માં મુંબઈમાં પહેલી વાર જોવા મળ્યું હતું એટલે એ ગ્રુપનું નામ બૉમ્બે બ્લડ-ગ્રુપ પાડવામાં આવ્યું છે. આ સૌથી રેર ગણાતું બ્લડ-ગ્રુપ છે. ભારતમાં દર દસ લાખ લોકોએ એક વ્યક્તિ બૉમ્બે બ્લડ-ગ્રુપ ધરાવે છે ને ઈસ્ટ એશિયાના અમુક દેશોમાં દર દસ લાખે ચાર વ્યક્તિ આ બ્લડ-ગ્રુપ ધરાવે છે. આ બ્લડ-ગ્રુપ ધરાવનારા લોકો પણ નૉર્મલ સ્વાસ્થ્ય ધરાવતા હોય છે, પરંતુ તેમને ઍક્સિડન્ટ, ડિલિવરી કે મેજર સર્જરી દરમ્યાન લોહી ચડાવવાની જરૂર ઊભી થાય તો કટોકટી પેદા થઈ શકે છે, કેમ કે તેમને માત્ર અને માત્ર બૉમ્બે બ્લડ-ગ્રુપ ધરાવનારાઓનું જ લોહી ચડી શકે છે.
ABO સિસ્ટમ પ્રમાણે બ્લડ-ગ્રુપ:
A : જે વ્યક્તિના લોહીમાં રક્તકણોની સપાટી પર A ઍન્ટિજન આવેલા હોય અને B પ્રકારના ઍન્ટિબૉડીઝ બ્લડ-પ્લાઝમામાં હોય એ વ્યક્તિનું બ્લડ-ગ્રુપ A છે એમ કહેવાય.
B : જે વ્યક્તિના લોહીમાં રક્તકણોની સપાટી પર B ઍન્ટિજન આવેલા હોય અને B પ્રકારના ઍન્ટિબૉડીઝ બ્લડ-પ્લાઝમામાં હોય એ વ્યક્તિનું બ્લડ-ગ્રુપ B છે એમ કહેવાય.
AB : જે વ્યક્તિના લોહીમાં રક્તકણોની સપાટી પર A અને B બન્ને ઍન્ટિજન આવેલા હોય અને બન્ને પ્રકારના ઍન્ટિબૉડીઝ બ્લડ-પ્લાઝમામાં હોય એ વ્યક્તિનું બ્લડ-ગ્રુપ AB છે એમ કહેવાય.
O : જે વ્યક્તિના લોહીમાં રક્તકણોની સપાટી પર A અથવા B કોઈ પણ પ્રકારના ઍન્ટિજન આવેલા ન હોય અને બન્ને પ્રકારના ઍન્ટિબૉડીઝ બ્લડ-પ્લાઝમામાં હોય તો એ વ્યક્તિનું બ્લડ-ગ્રુપ O છે એમ કહેવાય.
પૉઝિટિવ અને નેગેટિવ:
Rh (Rhesus) ફૅક્ટર તરીકે ઓળખાતા ઍન્ટિજન અને ઍન્ટિબૉડીઝની હાજરી કે ગેરહાજરી પરથી આ બે ગ્રુપ જુદાં પડે છે.
પૉઝિટિવ : જે વ્યક્તિમાં ઉપરોક્ત ઍન્ટિજન ઉપરાંત લાલ રક્તકણોની સપાટી પર Rh ઍન્ટિજન પણ હાજર હોય એ બ્લડ Rh પૉઝિટિવ ગણાય છે.
નેગેટિવ : જે વ્યક્તિમાં લાલ રક્તકણોની સપાટી પર Rh ઍન્ટિજન હાજર ન હોય એને Rh નેગેટિવ બ્લડ કહેવાય છે. આ બ્લડના પ્લાઝમામાં Rh ઍન્ટિબૉડીઝ નૅચરલી નથી હોતા, પરંતુ જો આ બ્લડની સાથે Rh પૉઝિટિવ બ્લડ ભેળવવામાં આવે તો એ Rh ઍન્ટિબૉડીઝ પેદા કરી શકે છે.