પ.બંગાળથી જમ્મુ જઈ રહેલી આર્મીની સ્પેશિયલ ટ્રેનથી BSFના 10 જવાનો ગૂમ થયા
આર્મી સ્પેશિયલ ટ્રેનથી જમ્મુ જઈ રહેલા બીએસએફના 10 જવાનો અધરસ્તે જ ગાયબ થઈ ગયા છે.
નવી દિલ્હી: આર્મી સ્પેશિયલ ટ્રેનથી જમ્મુ જઈ રહેલા બીએસએફના 10 જવાનો અધરસ્તે જ ગાયબ થઈ ગયા છે. બોર્ડર સિક્યોરિટી ફોર્સ (બીએસએફ)ના આ 10 જવાનો વર્ધમાન અને ધનબાદ સ્ટેશનની વચ્ચેથી ગૂમ થયા છે. રિપોર્ટ્સ મુજબ 27 જૂનના રોજ બપોરે 3 વાગે જ્યારે આર્મી સ્પેશિયલ ટ્રેન મુગલસરાય રેલવે સ્ટેશન પહોંચી તો ખબર પડી કે સેનાના 10 જવાન ગાયબ છે. અધિકારીઓના કહેવા પર તમામ ગાયબ જવાનો અંગે એફઆઈઆર દાખલ કરવામાં આવી છે.
પશ્ચિમ બંગાળના મુર્શીદાબાદથી 83મી બંગાળ બટાલિયનના બીએસએફ જવાનોને લઈને આર્મી સ્પેશિયલ ટ્રેન જમ્મુ માટે રવાના થઈ હતી. અનેક બીજા સ્ટેશનની જેમ વર્ધમાન અને ધનબાદ સ્ટેશન ઉપર પણ થોડા સમય માટે ટ્રેન રોકાઈ હતી. પરંતુ આ બંને સ્ટેશનથી આગળ વધ્યા બાદ જવાનોની ગણતરી કરાઈ તો માલુમ પડ્યું કે બીએસએફના 10 જવાનો ગાયબ છે. જવાનોના ગાયબ હોવાની જાણકારી બીજા અધિકારીઓને કરવામાં આવી અને શોધ ચાલુ છે.
આ મામલે મુગલસરાયના સબ ઈન્સ્પેક્ટર જે કે યાદવે એએનઆઈને જણાવ્યું કે આર્મી સ્પેશિયલ ટ્રેનથી જમ્મુ જતી વખતે ગાયબ થયેલા 10 બીએસએફના જવાનોની મિસિંગ રિપોરક્ટ તેમના કમાન્ડર દ્વારા નોંધાઈ છે. અમે આ મામલે તપાસ કરી રહ્યાં છીએ.