અયોધ્યાઃ દેશભરમાંથી મોકલવામાં આવતી ભેટ અયોધ્યા પહોંચી રહી છે. અમદાવાદમાંથી મોકલવામાં આવેલા નગારા બાદ વડોદરાથી મોકલાયેલો મહાકાય દીવો પણ અયોધ્યા પહોંચી ગયો છે. આ તમામ ભેટ રામ મંદિર પરિસરની શોભા વધારશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દેશભરમાં ઘણી જગ્યાએ રામ મંદિર માટે ભેટો તૈયાર કરવામાં આવી છે, આમાંથી એક ભેટ છે વડોદરામાં તૈયાર કરાયેલો મહાકાય દીવો. 8મી જાન્યુઆરીએ વડોદરાથી રવાના કરવામાં આવેલો આ દીવો પાંચ દિવસ બાદ અયોધ્યા પહોચી ગયો છે.  


1100 કિલો વજન, સવા નવ ફૂટ ઉંચાઈ અને 8 ફૂટ પહોળાઈ ધરાવતો આ દીવો અયોધ્યામાં આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. દીવો તૈયાર કરાવનાર ભાયલીના અરવિંદ પટેલ પણ દીવાની સાથે અયોધ્યા પહોંચ્યા છે. તેઓ હવે મંદિરના ટ્રસ્ટીઓને દીવો અર્પણ કરશે.


અમદાવાદના દરિયાપુર વિસ્તારના ડબગરવાડમાં બનેલું મહાકાય નગારું પણ અયોધ્યા પહોંચી ચૂક્યું છે. નગારું તૈયાર કરનાર કારીગરોએ રામ મંદિર ટ્રસ્ટના વહીવટદારોને નગારું સુપરત કર્યું હતું. અખિલ ભારતીય ડબગર સમાજે બનાવેલું આ નગારું પોતાનામાં ખાસ છે...56 ઈંચ પહોળું અને 450 કિલો વજન ધરાવતું નગારું જોઈને મંદિરના ટ્રસ્ટીઓ પણ અચરજ પામ્યા હતા. રામ મંદિર માટે તૈયાર કરવામાં આવેલા આ નગારામાં સોના અને ચાંદીનો ઉપયોગ કરવામાં આવ્યો છે.


વડોદરાના જ એક રામભક્તે તૈયાર કરેલી 108 ફૂટ લાંબી અને 3600 કિલો વજનની અગરબત્તી પણ અયોધ્યા પહોંચી ચૂકી છે..110 ફૂટથી લાંબા કન્ટેનરમાં અગરબત્તીને અયોધ્યા લઈ જવામાં આવી હતી. કન્ટેઈનર જ્યાંથી પસાર થયું ત્યાં લોકોએ તેનું સ્વાગત કર્યું. 6 મહિનામાં તૈયાર થયેલી આ અગરબત્તીને જ્યારે સળગાવવામાં આવશે, ત્યારે તે સતત 47 દિવસ સુધી સુવાસ આપશે. જે પોતાનામાં એક રેકોર્ડ હશે. અગરબત્તીને મૂકવા માટે પણ વિશાળ જગ્યા શોધવી જરૂરી છે.


આ તમામ ભેટ ગુજરાત તરફથી મોકલવામાં આવી છે. ત્યારે રામ મંદિરના દર્શન માટે આવતા દેશવિદેશના શ્રદ્ધાળુઓ આ ભવ્ય ભેટા સાક્ષી બનશે..