Congress ને આ રાજ્યમાં જબરદસ્ત મોટો ઝટકો, 18માંથી 12 ધારાસભ્ય TMC માં જોડાઈ ગયા
દેશમાં ભાજપ સામે પોતાને સૌથી મોટી વિપક્ષી પાર્ટી બનાવવાની કવાયતમાં લાગેલી તૃણમૂલ કોંગ્રેસ (TMC) એ કોંગ્રેસને મોટો ઝટકો આપ્યો છે.
શિલોંગ: દેશમાં ભાજપ સામે પોતાને સૌથી મોટી વિપક્ષી પાર્ટી બનાવવાની કવાયતમાં લાગેલી તૃણમૂલ કોંગ્રેસ (TMC) એ કોંગ્રેસને મોટો ઝટકો આપ્યો છે. TMC એ મેઘાલયમાં પૂર્વ સીએમ મુકુલ સંગમા સહિત 12 ધારાસભ્યોને પોતાની પાર્ટીમાં સામેલ કરી લીધા. રાજ્યમાં કોંગ્રેસના 18 ધારાસભ્યો હતા અને હવે ફક્ત 6 જ ધારાસભ્યો કોંગ્રેસમાં બચ્યા.
ચૂંટણી લડ્યા વગર જ બની ગઈ પ્રમુખ વિપક્ષી પાર્ટી
મેઘાલયમાં અચાનક ઘટેલા આ ઘટનાક્રમ બાદ હવે ટીએમસી ચૂંટણી લડ્યા વગર જ રાજ્યની સૌથી મોટી વિપક્ષી પાર્ટી બની ગઈ છે. ચૂંટણી આયોગના નિયમ મુજબ પક્ષપલટો કરવા માટે બે તૃતિયાંશનો આંકડો પૂરો કરવો જરૂરી હોય છે. આવામાં ટીએમસી જોઈન કરનારા મુકુલ સંગમા સહિતના ધારાસભ્યો પર કોઈ કાર્યવાહીનું જોખમ પણ નહીં હોય.
કોંગ્રેસથી નારાજ હતા મુકુલ સંગમા
સૂત્રોના જણાવ્યાં મુજબ મેઘાલયના પૂર્વ સીએમ રહી ચૂકેલા મુકુલ સંગમા છેલ્લા કેટલાક દિવસથી પાર્ટી હાઈ કમાનથી નારાજ હતા. તેમની નારાજગીનું મુખ્ય કારણ એ હતું કે હાઈ કમાને કોઈ પણ ચર્ચા કર્યા વગર વિન્સેન્ટ એચ. પાલાને મેઘાલય કોંગ્રેસ કમિટીના નવા પ્રમુખ બનાવી દીધા. આ મુદ્દે રાહુલ ગાંધીએ ઓક્ટોબરમાં મુકુલ અને વિન્સેન્ટ એચ પાલા સાથે મુલાકાત કરી હતી. ત્યારે એવું મનાતું હતું કે હવે વિવાદનો ઉકેલ આવી ગયોછે પરંતુ એક મહિના બાદ મુકુલ સહિત 12 ધારાસભ્યોએ કોંગ્રેસ છોડી દેતા પાર્ટીમાં સન્નાટો મચી ગયો છે.
કોંગ્રેસનો વિકલ્પ બનવામાં લાગી TMC
અત્રે જણાવવાનું કે હવે TMC પાર્ટીનો સમગ્ર દેશમાં વિસ્તાર કરવામાં લાગી છે. તેણે ગોવામાં પૂર્વ સીએમ અને કોંગ્રેસ નેતા લુઈઝેન ફ્લેરિયોને પાર્ટીમાં સામેલ કર્યા. જ્યારે હરિયાણામાં કોંગ્રેસ નેતા અશોક તંવર, ભાજપના બાગી રહી ચૂકેલા કિર્તી આઝાદને પણ પોતાની સાથે જોડ્યા. ટીએમસીએ આસામ અને ત્રિપુરામાં પણ પોતાનો વિસ્તાર કર્યો છે.
Video: જેની આશંકા હતી એ જ થઈ રહ્યું છે! લાંબુ ખેંચાશે ખેડૂત આંદોલન, જાણો કઈ રીતે
એવું કહેવાય છે કે પાર્ટી પ્રમુખ મમતા બેનર્જીની નજર વર્ષ 2024માં થનારી સંસદીય ચૂંટણી પર છે. પાર્ટી વિસ્તાર દ્વારા મમતા બેનર્જી વર્ષ 2024ની ચૂંટણીમાં કોંગ્રેસની જગ્યાએ પોતાને ભાજપના સૌથી મોટા હરિફ બતાવવા માંગે છે. આથી પાર્ટી વિભિન્ન રાજ્યોમાં મોટા નેતાઓને પોતાની સાથે કરવામાં લાગી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube