UP:ડ્રાઈવરની ઝડપની મજાનો ભોગ નિર્દોષ લોકો બન્યાં, ગમખ્વાર અકસ્માતમાં 17ના મોત, 35થી વધુ ઘાયલ
દુર્ઘટનાની ભયાનકતા જોઈને મૃત્યુઆંક વધી શકે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
નવી દિલ્હી: ઉત્તર પ્રદેશના મૈનપુરી વિસ્તારમાં આજે સવારે એક ગમખ્વાર રોડ અકસ્માતમાં 17 લોકોના દર્દનાક મોત નિપજ્યા છે. જ્યારે 35થી વધુ ઘાયલ થયા છે. મળતી માહિતી મુજબ જયપુરથી ફર્રુખાબાદ જઈ રહેલી ડબલ ડેકર મુસાફર બસના ડ્રાઈવરે સ્ટિયરિંગ પર કાબુ ગુમાવતા બસ બેકાબુ બનીને ડિવાઈડર સાથે ટકરાઈને પલટી ખાઈ ગઈ. મીડિયા રિપોર્ટ્સ મુજબ આ અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને સૈફઈ મિની પીજીઆઈ રેફર કરવામાં આવેલા છે. જ્યાં 3 લોકોની હાલત ગંભીર છે.
ઘટના અંગે મળતી માહિતી મુજબ યુપીના મૈનપુરી વિસ્તારમાં આ દુર્ઘટના આજે સવારે ઘટી. રિપોર્ટ્સ મુજબ અકસ્માત ગ્રસ્ત બસ એક પ્રાઈવેટ બસ હતી. બસ ડ્રાઈવર ખુબ ઝડપથી બસ ચલાવી રહ્યો હતો. અચાનક તેણે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવ્યો અને બસ અનિયંત્રિત થઈને ડિવાઈડર સાથે ટકરાઈ હતી. ટકરાયા બાદ બસ પલટી ખાઈ ગઈ.
દુર્ઘટનાની ભયાનકતા જોઈને મૃત્યુઆંક વધી શકે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. પોલીસ હાલ ઘટનાસ્થળ પર હાજર છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આ દુર્ઘટના પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે.