Election લડવા માટે 4 વર્ષમાં કોંગ્રેસના 170 ધારાસભ્યોએ પાર્ટી બદલી, જાણો ભાજપમાં કેટલા ગયા?
એસોસિયેશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સના રિપોર્ટ પ્રમાણે 2016-2020ની વચ્ચે થયેલ ચૂંટણી દરમિયાન 170થી વધારે ધારાસભ્યોએ કોંગ્રેસ પાર્ટી છોડી, જ્યારે માત્ર 18 ભાજપના ધારાસભ્યોએ પાર્ટી છોડી છે.
નવી દિલ્લી: 2014માં મોદી સરકાર આવ્યા પછી કોંગ્રેસના નેતાઓના પલાયનનો સિલસિલો ચાલુ જ છે. એસોસિયેશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સના રિપોર્ટ પ્રમાણે 2016-2020ની વચ્ચેની ચૂંટણી દરમિયાન 170થી વધારે ધારાસભ્યોએ કોંગ્રેસ પાર્ટીને બાય બાય કરી દીધું. જ્યારે માત્ર 18 જ ભાજપના ધારાસભ્યોએ પક્ષ છોડ્યો છે.
ભાજપને સૌથી વધારે ફાયદો:
ADRના રિપોર્ટ પ્રમાણે 2016-2020ની વચ્ચે ફરીથી ચૂંટણી લડનારા 405 ધારાસભ્યોમાં 182એ પક્ષ બદલ્યો અને ભારતીય જનતા પાર્ટી જોઈન કરી લીધી. તે સિવાય 38 ધારાસભ્યોએ કોંગ્રેસ જોઈન કરી અને 25 ધારાસભ્ય તેલંગાણા રાષ્ટ્ર સમિતિમાં જોડાયા.
કોંગ્રેસને સૌથી વધારે નુકસાન:
2016-2020ની વચ્ચે થયેલી ચૂંટણી દરમિયાન 170થી વધારે ધારાસભ્યોએ અન્ય પક્ષોમાં જોડાવા માટે કોંગ્રેસ પાર્ટી છોડી દીધી. જ્યારે આ સમયમાં ચૂંટણી લડવા માટે માત્ર 18 ધારાસભ્યોએ બીજી પાર્ટીમાં જોડાવા માટે ભાજપ છોડી દીધી.
5 રાજ્યમાં સરકાર પડી ગઈ:
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ધારાસભ્યોના પલાયનના કારણે મધ્ય પ્રદેશ, મણિપુર, ગોવા, અરુણાચલ પ્રદેશ અને કર્ણાટક વિધાનસભામાં ચાલુ સરકાર પડી ગઈ. જ્યારે 2016-2020ની વચ્ચે 16 રાજ્યસભા સાંસદોએ પક્ષ બદલ્યો. જેમાં 10 ભાજપમાં જોડાયા.
2019ની લોકસભા ચૂંટણી દરમિયાન 12 સાંસદોએ પક્ષ બદલ્યો. જેમાં 5 કોંગ્રેસમાં જોડાઈ ગયા. નેશનલ ઈલેક્શન વોચ અને ADRએ 433 સાંસદો અને ધારાસભ્યોના શપથ પત્રનું વિશ્લેષણ કર્યું છે. જેમણે છેલ્લાં 5 વર્ષમાં પાર્ટીઓ બદલી અને ફરીથી ચૂંટણીમાં ઝંપલાવ્યું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube