દિલ્હી પોલીસની મોટી સફળતા, ISJKના 2 આતંકવાદીઓ ઝડપાયા
ધરપકડ કરાયેલા આતંકવાદીઓ જમ્મુ - કાશ્મીરના ઇસ્લામીક ગ્રુપના હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે
નવી દિલ્હી : દિલ્હી પોલીસની સ્પેશ્યલ સેલ દ્વારા મોટી કાર્યવાહી કરતા બે શંકાસ્પદ આતંકવાદીઓની ધરપકડ કરી લેવાઇ છે. ધરપકડ કરાયેલા આતંકવાદીઓ જમ્મુ કાશ્મીરનાં રહેવાસી છે અને ઇસ્લામિક સ્ટેટ ઓફ જમ્મુ કાશ્મીર (SJK)ના હોવાનું જણાવાઇ રહ્યું છે. પીટીઆઇના અનુસાર એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ શુક્રવારે જણાવ્યું કે કાશ્મીરના રહેવાસી બંન્ને શંકાસ્પદને ગુરૂવારે મોડી રાત્રે લાલ કિલ્લા પાસે જામા મસ્જિદ બસ સ્ટોપ પરથી ધરપકડ કરવામાં આવી છે. આતંકવાદીઓ પાસેથી 2 બંદુક, 10 કારતુસ અને ચાર મોબાઇલ ફોન જપ્ત કરવામાં આવ્યા છે. આ આતંકવાદીઓ ઉત્તરપ્રદેશથી હથિયાર લઇને કાશ્મીર જઇ રહ્યા હતા.
ડીસીપી પ્રમોદ સિંહ કુશવાહાના અનુસાર બંન્ને આરોપી શોપિયાના રંગપુરા ગામના રહેવાસી છે. શંકાસ્પદોનું નામ જમશીદ (19) અને પરવેઝ અહેમદ (24) તરીકે થઇ છે. જમશીદ ફાઇનલ યર ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગનો વિદ્યાર્થી છે, જ્યારે પરવેઝે ડીએનએસ કોલેજમાંથી બીટેક સુધી અભ્યાસ કર્યો છે. બંન્ને ઉત્તરપ્રદેશના બિજનોરથી હથિયાર લઇને કાશ્મીર જઇ રહ્યા હતા.
પોલીસ પાસેથી મળતી માહિતી અનુસાર આ બંન્ને પૈકી એક ગત્ત વર્ષે જ હિઝબુલ મુજાહિદ્દીન સાથે જોડાયો હતો. જો કે ડિસેમ્બરમાં તેણે ઇસ્લામીટ સ્ટેટ ઓફ જમ્મુ કાશ્મીર જોઇન કર્યું હતું. મળતી માહિતી અનુસાર આતંકવાદીઓ પાસેથી મળી આવેલી બંદુક વિદેશી છે. પોલીસના અનુસાર આ હથિયાર જમ્મુ કાશ્મીરમાં આતંક ફેલાવવાના ઇરાદાથી લઇ જવાઇ રહ્યા હતા. હથિયારોનું ફંડીક ઉમરા નજીરે કર્યું છે.