જમ્મુ : જમ્મુ કાશ્મીરના ઉધમપુર જિલ્લામાં બુધવારે સીઆરપીએફનાં એક જવાન અને કોસ્ટ ગાર્ડ પર આતંકવાદીઓએ હૂમલો કર્યો હતો. આતંકવાદી હૂમલો કરીને કકરિયાલનાં જંગલોમાં ફરાર થઇ ગયા. સેના દ્વારા ચલાવાયેલા સર્ચ ઓપરેશનમાં ગુરૂવારે 3 આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યા હતા. આતંકવાદીઓ અને સેના વચ્ચે થયેલા ઘર્ષણમાં સેનાનાં 12 જવાનો પણ ઘાયલ થયા છે. ઘાયલોમાં એક પોલીસ અધિકારીનો પણ સમાવેશ થાય છે. અન્ય આતંકવાદીઓને શોધવા માટે હાલ સર્ચ ઓપરેશન ચલાવાઇ રહ્યું છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અત્રે ઉલ્લેખનીય છે કે બુધવારે એક ટ્રકમાં બેસીને આવેલા આતંકવાદીઓએ ઉધમપુરમાં જઝ્ર કોટલીમાં પોલીસ નાકા પર હૂમલો કરીને સીઆરપીએફ જવાનો અને ફોરેસ્ટ ગાર્ડને ઘાયલ કર્યા હતા. હૂમલા બાદ આતંકવાદીઓ ટ્રક છોડીને જંગલમાં ગાયબ થઇ ગયા હતા. 



ખુબ જ ગીચ જંગલ અને આસપાસનાં વિસ્તારમાં આતંકવાદીઓને ગતિવિધિની ભાળ મેળવવા માટે સેના, પોલીસ અને સીઆરપીએફએ ડ્રોન, હેલિકોપ્ટર અને અન્ય ગેજેટનો ઉપયોગ કર્યો હતો. જેથી પેટ્રોલિંગ દ્વારા આતંકવાદીઓની ભાળ મેળવી શકાય.

ગુરૂવારે સેનાએ માતા વૈષ્ણો દેવી યુનિવર્સિટી પાસેનાં કકરિયાલ વિસ્તારમાં એક ઘરમાં ત્રણ આતંકવાદીઓ છુપાયેલા હોવાની માહિતી મળી હતી. પોલીસે કસ્ટડીમાં લેવાયેલા ટ્રક ચાલક અને સહાયકની પાસેથી એકે 47 રાઇફલ અને ત્રણ મેગેઝીન પણ જપ્ત કર્યા હતા. 



આતંકવાદીઓની ધરપકડ માટે સેનાએ આસપાસનાં વિસ્તારને ખાલી કરવ્યો છે. સેનાએ જણાવ્યું કે, એક ગ્રામીણએ તેમને માહિતી આપી હતી કે બુધવારે મોડી રાત્રે 10 વાગ્યે હથિયારબંધ આતંકવાદીઓ ખાવા- પીવાની વસ્તુઓનાં થેલા સાથે તેના ઘરમાં ઘુસી ગયા હતા. 


આતંકવાદીઓએ ઘરમાં પોતાના કપડા બદલ્યા, ખાવાનું ખાધુ અને પાણી પીધા બાદ ત્યાંથી જતા રહ્યા હતા. આ માહિતી બાદ સેનાએ નગરોટા-ઝઝઝર્ કોટલીની વચ્ચેનો હાઇવેને બંધ કરી દીધો હતો અને તે વિસ્તારની શાળાઓમાં પણ રજા જાહેર કરી હતી.