માત્ર મોદી જ નહીં આ કારણથી પણ ચૂંટણી હારી રહી છે કોંગ્રેસ? ઘરે ઘરે જઈને દૂર કરશે સમસ્યા
લોકસભા ચૂંટણીને લગભગ 6 મહિના જેટલો સમય બચ્યો છે. ભાજપે શનિવારે જાહેરાત કરી કે તે અમિત શાહના નેતૃત્વમાં જ ચૂંટણી લડશે. પાર્ટીએ 2014ની લોકસભા ચૂંટણી કરતા પણ વધુ બેઠકો કબ્જે કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે.
નવી દિલ્હી: લોકસભા ચૂંટણીને લગભગ 6 મહિના જેટલો સમય બચ્યો છે. ભાજપે શનિવારે જાહેરાત કરી કે તે અમિત શાહના નેતૃત્વમાં જ ચૂંટણી લડશે. પાર્ટીએ 2014ની લોકસભા ચૂંટણી કરતા પણ વધુ બેઠકો કબ્જે કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે. બીજી બાજુ કોંગ્રેસ ગઠબંધન સાથે ચૂંટણી લડવા જઈ રહી છે. મીડિયામાં લાંબા સમયથી એવા અહેવાલ ચાલી રહ્યાં છે કે ભારતની સૌથી જૂની પાર્ટી પાસે પૈસા નથી અને તે ફંડની કમી સામે ઝઝૂમી રહી છે. રાજનીતિક પંડિતોનું માનવું છે કે કેટલાક રાજ્યોમાં સરકાર ન બની શકવા પાછળ આ એક કારણ પણ છે. કોંગ્રેસે ફંડ ભેગુ કરવા માટે હવે ઘરે ઘરે જવાનો પ્લાન નક્કી કર્યો છે. એટલે કે કોંગ્રેસ ઘરે ઘરે જઈને મત તો માંગશે જ પણ સાથે સાથે ફાળો પણ માંગશે જેથી કરીને ચૂંટણી લડવા માટે જરૂરી નાણાકીય ભંડોળ ભેગુ કરી શકે.
કોંગ્રેસના રણનીતિકારોનું માનવું છે કે પાર્ટીએ એ સ્વીકારવામાં પાછીપાની ન કરવી જોઈએ કે તેને કોર્પોરેટ સમૂહો પાસેથી ફંડ મળી રહ્યું નથી અને તે જનતાની મદદથી ચૂંટણી લડવા માંગે છે. પાર્ટીના કાર્યકર્તાઓ આગામી દિવસોમાં ઘરે ઘરે જઈને મતની સાથે ફાળો પણ માંગશે. પાર્ટીના કોષાધ્યક્ષ એહમદ પટેલ અને સંગઠનના મહાસચિવ અશોક ગેહલોતે શનિવારે કોંગ્રેસ મહાસચિવો, પ્રભારીઓ, પ્રદેશ પ્રમુખો અને કોષાધ્યક્ષો સાથે બેઠક કરી. જેમાં અન્ય અનેક મુદ્દાઓ સાથે આગામી ચૂંટણી માટે નાણાકીય વ્યવસ્થા અંગે પણ ચર્ચા થઈ.
બેઠકમાં હાજર કોંગ્રેસના વરિષ્ઠ નેતાએ જણાવ્યું કે 'બેઠકમાં ડોર ટુ ડોર પ્રચાર અભિયાન, બૂથ સ્તર પર સંગઠનને મજબુત કરવા માટે અને સીધુ જનતા પાસે ફંડ માંગવાની વાત કરવામાં આવી. જનતા પાસે સીધે સીધો ફાળો માંગવો એ સારી યોજના છે. તેનાથી પાર્ટી લોકો સાથે જોડાશે.' પાર્ટીની આ બેઠકમાં સામેલ અન્ય એક નેતાએ કહ્યું કે 'બધાને ખબર છે કે કોર્પોરેટ જગત સત્તારૂઢ પાર્ટી સાથે છે. કોંગ્રેસ હંમેશાથી ગરીબો અને સામાન્ય જનતાની પાર્ટી રહી છે. જો અમે મતની સાથે ફાળો માંગવા માટે પણ સીધા જનતા સુધી પહોંચીશુ તો તેમાં કશું ખોટું નથી.' તેમણે કહ્યું કે 'આ પગલાંથી જનતામાં પણ સંદેશ જશે કે અમે ચૂંટણી ફંડને લઈને ઈમાનદાર છીએ અને જીત્યા બાદ અમે લોકો માટે જ કામ કરીશું.'
નોંધનીય છે કે વર્ષ 2016-17માં પાંચ રાષ્ટ્રીય પાર્ટીઓને જેટલો ફાળો મળ્યો તેની સમગ્ર રકમના નવ ગણા જેટલો ફાળો એકલા ભાજપને મળ્યો હતો. એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR) અને નેશનલ ઈલેક્શન વોચના રિપોર્ટથી આ વાત સામે આવી છે. 20000 રૂપિયાથી વધુ ફંડ મેળવનારી સાત રાષ્ટ્રીય પાર્ટીઓ દ્વારા જાહેર ફંડની કુલ રકમ 589.38 કરોડ રૂપિયા છે. રાજકીય ફાળાની આ ભારે ભરખમ રકમ 2123 ખાનગી અને કોર્પોરેટ પરિવારો દ્વારા અપાયો છે.
એડીઆરના રિપોર્ટ મુજબ ભાજપે 1,194 ફંડ દ્વારા 532.27 કરોડ રૂપિયાની જાહેરાત કરી હતી. જ્યારે કોંગ્રેસે 599 ફંડ દ્વારા 41.90 કરોડ રૂપિયાની જાહેરાત કરી. રિપોર્ટ મુજબ એક જ સમયમાં ભાજપ દ્વારા જાહેર ફાળો કોંગ્રેસ, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી, માર્ક્સવાદી કોમ્યુનિસ્ટ પાર્ટી, ભારતીય કોમ્યુનિસ્ટ પાર્ટી, અને તૃણમૂલ કોંગ્રેસ દ્વારા મળીને જાહેર કરાયેલા ફાળા કરતા 9 ગણો વધારે છે.
(અહેવાલ સાભાર-ઈન્ડિયા ડોટ કોમ)