કોને અપાય છે 21 તોપની સલામી? ક્યારે અને કઈ રીતે શરૂ થઈ આ પરંપરા? જાણો શું છે મહત્ત્વ
નવી દિલ્હીઃ સ્વતંત્રતા દિવસ હોય કે અન્ય મહત્વપૂર્ણ રાષ્ટ્રીય દિવસ 21 તોપની સલામીથી ભારતમાં આ દિવસની શરૂઆત થાય છે. આવો તમને જણાવી દઈએ કે 21 તોપ કોને અને ક્યારે આપવામાં આવે છે, રાજકીય સન્માન શું હોય છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ભારતના રાષ્ટ્રપતિ બન્યા ત્યારે પહેલીવાર રાષ્ટ્રપતિ ભવનમાં 21 તોપોની સલામી આપવામાં આવી હતી. ભારતમાં સ્વતંત્ર દિવસ હોય પ્રજાસત્તાક દિવસ હોય કે મહત્વપૂર્ણ રાષ્ટ્રીય દિવસ હોય તે દિવસની શરૂઆત 21 તોપોની સલામીથી કરવામાં આવે છે. પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના નિધન પર રાજ્ય સન્માન આપવામાં આવ્યું હતું.
15 ઓગસ્ટ 1947ના દિવસે દેશને આઝાદી મળી અને ત્યારબાદ 26 જાન્યુઆરી 1950ના દિવસે ભારત પ્રજાસત્તાક રાષ્ટ્ર બન્યું. આપણા પાસે આ જાણકારી છે, પ્રજાસત્તાક દિવસ પર રાષ્ટ્રપતિ રાષ્ટ્રધ્વજ ફરકાવે છે અને જ્યારે 21 તોપોની સલામી અપાય છે ત્યારે સોનામાં સુગંધ ભળી જાય છે. 21 તોપની સલામી કેમ અપાય છે?, રાજકીય સન્માન શું છે તેના વિશે અહીં સમજીએ...
રાજકીય સન્માન શું હોય છે?
રાજકીય સન્માનમાં મૃતદેહને તિરંગાથી લપેટવામાં આવે છે. જે વ્યક્તિને રાજકીય સન્માન આપવાનું નક્કી કરવામાં આવે તેની અંતિમ યાત્રાની સમગ્ર વ્યવસ્થા રાજ્ય કે કેન્દ્ર સરકાર કરતી હોય છે. આ ઉપરાંત બંદૂકો સાથે સલામી પણ આપવામાં આવે છે.તમને જણાવી દઈએ કે અંતિમ સંસ્કાર દરમિયાન રાજકીય સન્માન પહેલા માત્ર વર્તમાન અને પૂર્વ રાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી, કેન્દ્રીય મંત્રી અને રાજ્યના મુખ્યમંત્રીઓને જ આપવામાં આવતું હતું. પરંતુ હવે આ કાયદામાં બદલાવ લાવવામાં આવ્યો છે.કોને રાજકીય સન્માન આપવું જોઈએ તે હવે રાજ્ય સરકાર નક્કી કરી શકે છે. હવે રાજકારણીઓ સહિત સાહિત્ય, કાયદો, વિજ્ઞાન અને કલા ક્ષેત્રે યોગદાન આપનાર વ્યક્તિઓના નિધન પર રાજકીય સન્માન આપવામાં આવે છે. રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવા માટેની તમામ વ્યવસ્થા રાજ્ય સરકાર કરતી હોય છે.
દિવંગતને અંતિમ સંસ્કાર દરમિયાન રાજકીય સન્માન આપવામાં આવે છે, તે દિવસને રાષ્ટ્રીય શોક તરીકે જાહેર કરવામાં આવે છે અને ભારતીય ધ્વજ સંહિતા મુજબ રાષ્ટ્રીય ધ્વજને અડધી કાઠીએ ઝુકાવી દેવામાં આવે છે અને આ દરમિયાન જાહેર રજાનો અમલ કરવામાં આવે છે. પાર્થિવ દેહને રાષ્ટ્રધ્વજથી ઢાંકવામાં આવે છે અને બંદૂકની સલામી આપવામાં આવે છે.
21 તોપની સલામીનો શું છે ઈતિહાસ?
શું તમે જાણો છો કે USA, UK, જર્મની, ફ્રાન્સ, ચીન, ભારત, પાકિસ્તાન અને કેનેડા સહિત વિશ્વના લગભગ તમામ દેશોમાં મહત્વપૂર્ણ રાષ્ટ્રીય અને સરકારી દિવસોની શરૂઆતમાં 21 તોપોની સલામી આપવામાં આવે છે. પરંતુ શું તમે વિચાર્યું છે કે સલામી માટે 21 તોપનો જ કેમ ઉપયોગ કરાય છે. તોપોનો ઈતિહાસ મધ્યકાલીન યુગની સદીઓથી શરૂ થયો હતો, તે સમયે માત્ર સૈન્ય જ નહીં પરંતુ વેપારીઓ પણ તોપનો ઉપયોગ કરતા હતા. તમને જણાવી દઈએ કે 14મી સદીમાં પહેલીવાર તોપ ચલાવવાની પરંપરા શરૂ થઈ જ્યારે કોઈ સેના દરિયાઈ માર્ગે બીજા દેશમાં જતી અને જ્યારે તેઓ દરિયાકિનારે પહોંચે ત્યારે તેઓ તોપ ચલાવતા અને કહેતા કે તેમનો હેતુ યુદ્ધ કરવાનો નથી. જ્યારે વેપારીઓએ સેનાની આ પરંપરા જોઈ તો તેમણે પણ એક દેશથી બીજા દેશમાં જતા સમયે તોપ ચલાવવાનું કામ શરૂ કર્યું. ત્યારે પરંપરા બની ગઈ કે જ્યારે પણ કોઈ વેપારી બીજા દેશમાં પહોંચે કે સેના બીજા દેશના કિનારે પહોંચે ત્યારે તોપ ચલાવીને સંદેશો આપવામાં આવતો કે તેમનો હેતુ લડાઈ કરવાનો નથી.
તે સમયે સેના અને વેપારીઓ તરફથી 7 તોપના ગોળા છોડવામાં આવતા હતા, પરંતુ માત્ર 7 જ તોપના ગોળા કેમ છોડવામાં આવતા હતા તે માટેનું કોઈ કારણ સ્પષ્ટ નથી. સમય પસાર થતા વિકાસ પણ સતત વધતો રહ્યો, દરિયાઈ જહાજો પણ મોટા થયા અને ફાયર કરી શકાય તેવી તોપોની સંખ્યા પણ વધી. 17મી સદીમાં પહેલીવાર બ્રિટિશ સેનાએ સરકારી સ્તરે તોપો ચલાવવાનું કામ શરૂ કર્યું અને પછી તેમની સંખ્યા 21 થઈ ગઈ. પહેલા રાજવી પરિવારનું સન્માન કરતાં તોપો ચલાવાઈ હતી અને ત્યારબાદ દુનિયાભરમાં સરકારી ઉજવણીના કાર્યક્રમોમાં 21 તોપોની સલામી આપવામાં આવતી હતી.18મી સદીમાં અમેરિકાએ સત્તાવાર રીતે તેનો અમલ કર્યો હતો. વર્ષ 1842માં પ્રથમ વખત અમેરિકામાં 21 બંદૂકોની સલામી ફરજિયાત બનાવવામાં આવી હતી અને લગભગ 40 વર્ષ પછી આ સલામી સત્તાવાર રીતે રાષ્ટ્રીય સલામી તરીકે લાગુ કરવામાં આવી હતી. 18મી અને 19મી સદીમાં અમેરિકા અને બ્રિટન એકબીજાના પ્રતિનિધિ મંડળને તોપોની સલામી આપતા હતા. ત્યારે તોપોની સલામીને સરકારી માન્યતા મળી ગઈ.
ભારતમાં બ્રિટનના શાસન દરમિયાન આ પરંપરાની શરૂઆત થઈ હતી-
કોને કેટલા તોપોની સલામી આપવી તેનો નિયમ હતો. ઉદાહરણ તરીકે, બ્રિટિશ રાજાને 101 બંદૂકની સલામી આપવામાં આવી હતી જ્યારે અન્ય રાજાઓને 21 અથવા 31 બંદૂકની સલામી આપવામાં આવી હતી. પરંતુ પછી બ્રિટને નિર્ણય કર્યો કે આંતરરાષ્ટ્રીય સલામી 21 તોપોની જ હોવી જોઈએ. આઝાદી પહેલા ભારતમાં રાજાઓ અને જમ્મુ-કાશ્મીરના પ્રમુખોને 17 કે 19 ટોપોની સલામી અપાતી હતી. ભારતમાં 26મી જાન્યુઆરીના દિવસે પ્રજાસત્તાક દિવસની પર્વ પર દર વર્ષે 21 તોપોને 2.25 સેકન્ડના અંતર વચ્ચે ફાયર કરવામાં આવે છે. આ પદ્ધતિના કારણે 52 સેકન્ડના રાષ્ટ્રીય ગીતમાં દરેક ત્રણ રાઉન્ડમાં 7 તોપોને ફાયર કરવામાં આવી શકે.
કોને કોને અપાય છે તોપોની સલામી?
ભારતના રાષ્ટ્રપતિ, સૈન્ય અને વરિષ્ઠ નેતાઓના અંતિમ સંસ્કાર દરમિયાન 21 તોપોની સલામી અનેક પ્રસંગોએ આપવામાં આવે છે. તો ઉચ્ચ રેન્કિંગ જનરલ (નેવલ ઓપરેશન્સ ચીફ અને આર્મી અને એર ફોર્સના ચીફ ઓફ સ્ટાફ)ને 17 તોપોની સલામી આપવાની પ્રથા છે. માર્શલ અર્જન સિંહ ભારતીય વાયુસેનાના ઉચ્ચ અધિકારી રહી ચૂક્યા હતા. પરંપરા મુજબ તેમને 17 તોપોની સલામી આપવામાં આવી હતી. જ્યારે વિદેશના પ્રમુખ ભારતમાં આવે તો રાષ્ટ્રપતિ ભવનમાં તેમનું ઔપચારિક સ્વાગત કરવામાં આવતું હોય છે.