Monsoon Session: લોકસભામાં માત્ર 21 કલાક કામ થઈ શક્યું, 74 કલાક થયા બરબાદ
સંસદનું 19 જુલાઈથી શરૂ થયેલું ચોમાસુ સત્ર તેના પૂર્વ નિર્ધારિત સમય કરતા 2 દિવસ પહેલા બુધવારે જ અનિશ્ચિતકાળ માટે સ્થગિત કરી દેવાયું.
નવી દિલ્હી: સંસદનું 19 જુલાઈથી શરૂ થયેલું ચોમાસુ સત્ર તેના પૂર્વ નિર્ધારિત સમય કરતા 2 દિવસ પહેલા બુધવારે જ અનિશ્ચિતકાળ માટે સ્થગિત કરી દેવાયું. પેગાસસ જાસૂસી મુદ્દો અને ત્રણ કૃષિ કાયદા સહિત વિભિન્ન મુદ્દાઓ પર વિપક્ષી દળોના હોબાળાના કારણે લોકસભામાં 22 ટકા અને રાજ્યસભામાં માત્ર 28 ટકા જ કામકાજ થઈ શક્યું.
74 કલાક કામકાજ થઈ શક્યું નહીં
સંસદમાં સમગ્ર સત્ર દરમિયાન ગતિરોધ રહ્યો જો કે રાજ્યોને અ્ય પછાત વર્ગની સૂચિ બનાવવાનો અધિકાર આપવા સંબંધિત બંધારણ સંશોધન બિલ પર બંને સદનોમાં તમામ વિપક્ષી દળોએ ચર્ચામાં ભાગ લીધો. લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ સવારે કાર્યવાહી શરૂ થવા પર જણાવ્યું કે 17મી લોકસભાની છઠ્ઠી બેઠક 19 જુલાઈ 2021ના રોજ શરૂ થઈ અને આ દરમિયાન 17 બેઠકોમાં 21 કલાક 14 મિનિટ કામકાજ થયું. તેમણે કહ્યું કે સદનમાં કામકાજ અપેક્ષા મુજબ ન રહ્યું. બિરલાએ જણાવ્યું કે 96 કલાકમાં લગભગ 74 કલાક કામકાજ થઈ શક્યું નહીં. લોકસભા અધ્યક્ષે કહ્યું કે સતત હંગામાના કારણે માત્ર 22 ટકા કામ જ થઈ શક્યું.
20 બિલ પાસ થયા
લોકસભા અધ્યક્ષે કહ્યું કે સત્ર દરમિયાન બંધારણ (127મું) સંશોધન બિલ સહિત કુલ 20 બિલ પાસ થયા. ચાર નવા સભ્યોએ શપથ લીધા. બિરલાએ જણાવ્યું કે ચોમાસુ સત્ર દરમિયાન 66 તારાંકિત પ્રશ્નોના જવાબ અપાયા અને સભ્યોએ નિયમ 377 હેઠળ 331 મુદ્દા ઉઠાવ્યા. તેમણે કહ્યું કે આ દરમિયાન તમામ સ્થાયી સમિતિઓએ 60 રિપોર્ટ રજુ કર્યા, 22 મંત્રીઓએ નિવેદન આપ્યા અને ઘણી સંખ્યામાં પત્ર સભાપટલ પર રજુ કરાયા. તેમણે જણાવ્યું કે સત્ર દરમિયાન અનેક નાણાકીય અને અન્ય કાર્યો પતાવવામાં આવ્યા. આ અગાઉ બિરલાએ સદનને ચાર પૂર્વ સભ્યોના નિધનની જાણકારી આપી અને તેમને શ્રદ્ધાંજલિ અપાઈ.
આજે લગભગ 6 કલાક સુધી ચાલી ચર્ચા
સદનમાં આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ સહિત અનેક કેન્દ્રીય મંત્રી અને કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી તથા અન્ય સભ્ય હાજર રહ્યા. ચોમાસુ સત્ર દરમિાયન લોકસભાએ વર્ષ 2021-22ની સપ્લીમેન્ટ્રી ડિમાન્ડ ફોર ગ્રાન્ટ્સ-ફર્સ્ટ સેક્શન અને વર્ષ 2017-18ની ગ્રાન્ટની વધારાની માગણી તથા તેના સંબંધિત વિનિયોગ બિલને મંજૂરી આપી. રાજ્યસભામાં આજે સદનને અનિશ્ચિતકાળ માટે સ્થગિત કરતા પહેલા લગભગ છ કલાક સુધી ચર્ચા કરીને ઓબીસી સંબંધિત બંધારણ (127મું) સંશોધન બિલ પાસ કરવામાં આવ્યું.
હંગામા વચ્ચે 3 વધુ બિલ પાસ
જો કે ત્યારબાદ વિપક્ષી સભ્યોએ વિભિન્ન મુદ્દાઓ પર હંગામો શરૂ કરી દીધો. હંગામા વચ્ચે ત્રણ વધુ બિલ પાસ કરવામાં આવ્યા. ત્યારબાદ ઉપસભાપતિ હરિવંશે સદનને અનિશ્ચિતકાળ માટે સ્થગિત કરવાની જાહેરાત કરી. રાજ્યસભામાં તે પહેલા કોવિડની સ્થિતિને લઈને થયેલી ચર્ચામાં તમામ પક્ષોએ ભાગ લીધો હતો અને તે દરમિયાન સદનમાં સામાન્ય ઢબે કામકાજ થયું.
OBC Bill: લોકસભા બાદ હવે રાજ્યસભામાં પણ ઓબીસી અનામત સંશોધન બિલ પાસ થઈ ગયું, સમગ્ર વિપક્ષે આપ્યો સાથ
રાજ્યસભાના 76 કલાક 26 મિનિટ બરબાદ થયા
પેગાસસ મામલે સદનમાં નિવેદન આપી રહેલા આઈટી મંત્રી અશ્ચિની વૈષ્ણવના હાથમાંથી તેમનું નિવેદન છીનવી લેવા અને તેને ફાડી નાખવાના કારણે તૃણમૂલ કોંગ્રેસના સભ્ય શાંતનુ સેનને આખા સત્ર માટે સસ્પેન્ડ કરી દેવાયા હતા. રાજ્યસભા સચિવાલય દ્વારા ઉપલબ્ધ કરાવાયેલા આંકડા મુજબ વર્તમાન સત્રમાં માત્ર 28 ટકા કામકાજ થયું. આ દરમિયાન સદનમાં 28 કલાક 21 મિનિટ કામકાજ થયું અને હંગામાના કારણે 76 કલાક 26 મિનિટનું કામકાજ અટકી પડ્યું. સત્ર દરમિયાન 19 બિલ પાસ થયા અને પાંચ બિલને રજુ કરાયા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube