26/11નો કાવત્રાખોર તહવ્વુર રાણાને અમેરિકાથી ભારત લવાશે: સુત્ર
ભારતીય સરકાર ટ્રમ્પ તંત્રના સંપુર્ણ સહયોગ સાથે પાકિસ્તાની કેનેડિયન નાગરિકના પ્રત્યાર્પણ માટે જરૂરી કાયદેસરની કાર્યવાહી પુર્ણ કરી રહ્યા છે
વોશિંગ્ટન : મુંબઇમાં 2008માં થયેલા આતંકવાદી હૂમલાના કાવત્રા મુદ્દે અમેરિકામાં 14 વર્ષની સજા ભોગવી રહેલ તહવ્વુર રાણાને ભારત મોકલવાની પ્રબળ સંભાવના છે. એક સુત્ર દ્વારા આ અંગે માહિતી આપવામાં આવી હતી. ભારતીય સરકાર ટ્રમ્પ તંત્રના સંપુર્ણ સહયોગ સાથે પાકિસ્તાની કેનેડિયન નાગરિકનાં પ્રત્યાર્પણ માટે જરૂરી કાગળની કાર્યવાહીની સંપુર્ણ કાર્યવાહી કરી રહી છે. રાણાની જેલની સજા ડિસેમ્બર, 2021માં પુરી થવાની છે. મુંબઇ 26/11ના હૂમલાનું કાવત્રુ રચવાનાં મુદ્દે રાણાને 2009માં ધરપકડ કરવામાં આવી હતી.
પાકિસ્તાન ખાતે લશ્કર એ તોયબાનાં 10 આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલા હૂમલામાં અમેરિકી નાગરિકો સહિત આશરે 166 લોકોનાં જીવ ગયા હતા. પોલીસે નવ આતંકવાદીઓને ઘટના સ્થળે જ ઠાર માર્યા હતા અને જીવતા ધરપકડ કરાયેલા આતંકવાદીઓ અજમલ કસાબને ત્યાર બાદ ફાંસીએ લટકાવી દેવામાં આવ્યો. રાણાને 2013માં 14 વર્ષની સજા ફટકારવામાં આવી હતી. અમેરિકન અધિકારીઓનાં અનુસાર તેને ડિસેમ્બર 2021માં સજા મુક્ત કરવામાં આવશે.
આ મુદ્દે માહિતી ધરાવતા એક સુત્રએ કહ્યું કે, અહીં સજા પુરી થયા બાદ રાણાને ભારત મોકલવાની પ્રબળ સંભાવના છે. સુત્રએ કહ્યું કે, આ દરમિયાન જરૂરી કાયદેસરની કાર્યવાહી અને જટિલ પ્રક્રિયાને પુર્ણ કરવી એક પડકાર છે. ભારતનું વિદેશ મંત્રાલય, ગૃહમંત્રાલય તથા કાયદા વિભાગ અને અમેરિકી વિદેશ મંત્રાલય અને ન્યાય મંત્રાલય તમામ પોતાના પ્રત્યાર્પણની પ્રક્રિયા કરી રહ્યા છે.