એન્ટીગુઆમાં નાગરિકતા માટે ચોક્સી ઉપરાંત બીજા 28 ભારતીયોની અરજી, થયો મોટો ઘટસ્ફોટ
ભારતના ભાગેડુ કારોબારી મેહુલ ચોક્સીએ એન્ટીગુઆ અને બારમુડાની નાગરિકતા મેળવી હોવાના અહેવાલ બાદ હવે આ કેરેબિયન દેશમાં તો જાણે ભૂકંપ સર્જાઈ ગયો છે.
નવી દિલ્હી: ભારતના ભાગેડુ કારોબારી મેહુલ ચોક્સીએ એન્ટીગુઆ અને બારમુડાની નાગરિકતા મેળવી હોવાના અહેવાલ બાદ હવે આ કેરેબિયન દેશમાં તો જાણે ભૂકંપ સર્જાઈ ગયો છે. અહીંની વિપક્ષી પાર્ટીઓએ આ મુદ્દે વડાપ્રધાન ગેસ્ટન બ્રાઉન પાસે જવાબ માંગ્યો છે. અત્રે જણાવવાનું કે એન્ટીગુઆથી વિવયન રિચર્ડ્સ અને એન્ડી રોબર્ટ્સ જેવા મશહૂર ખેલાડીઓ આવેલા છે.
ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના એક અહેવાલ મુજબ 2014થી અત્યાર સુધીના ડેટા વિશ્લેષણ બાદ જાણવા મળ્યું છે કે 28 જેટલા અન્ય ભારતીય નાગરિકોએ પણ એન્ટીગુઆની નાગરિકતા માટે અરજી કરેલી છે. સરકારી સૂત્રોનું કહેવું છે કે આ અંગે તપાસ કરવામાં આવશે કે આખરે આ 28 જેટલા લોકો કોણ છે. આ 28 લોકોમાંથી 7 લોકોને 1 જાન્યુઆરીથી 30 જૂન 2017 વચ્ચે એન્ટીગુઆની નાગરિકતા મળેલી છે. આ તમામ લોકોએ આ કેરેબિયન દેશમાં 2 લાખ ડોલરનું રોકાણ કર્યું છે.
એન્ટીગુઆની મિનિસ્ટ્રી ઓફ ફાઈનાન્સ એન્ડ કોર્પોરેટ ગવર્નન્સ હેઠળ આવનારા સિટિઝન બાય ઈન્વેસ્ટમેન્ટ યુનિટના એક છમાસિક રિપોર્ટમાં 7 ભારતીયોને નાગરિકતા આપવાની વાત સામે આવી છે. જો કે આ રિપોર્ટમાં નાગરિકતા માટે અરજી કરનારા ભારતીય નાગરિકો અંગે કોઈ માહિતી અપાઈ નથી. આ રિપોર્ટ એન્ટીગુઆ એન્ડ બારમુડા સરકારની અધિકૃત વેબસાઈટ પર મૂકાઈ છે.
રિપોર્ટમાં જણાવાયું છે કે એન્ટીગુઆમાં નાગરિકતા આપવાના કાર્યક્રમની શરૂઆત બદા 1121 નાગરિકોની અરજી આવી છે. આ અરજીમાં 2.5 ટકા લોકો ભારતીય નાગરિકો છે. આ લિસ્ટમાં સૌથી વધુ 478 લોકો ચીનના નાગરિકો છે. ચોક્સીને પણ એન્ટીગુઆની નાગરિકતા નવેમ્બર 2017માં મળી હતી. રિપોર્ટમાં અન્ય ભારતીયોના કે અન્ય અરજીકર્તાઓનો કોઈ ઉલ્લેખ નથી.
અત્રે જણાવવાનું કે એન્ટીગુઆ કોઈ પણ વિદેશી નાગરિકને બેવડી નાગરિકતા આપે છે. આ માટે વિદેશી નાગરિકે અહીં નેશનલ ડેવલપમેન્ટ ફંડ (એનડીએફ)માં સરકાર દ્વારા એપ્રુવ કરવામાં આવેલા રિયલ એસ્ટેટ કે કોઈ પણ પહેલેથી એપ્રુવ બિઝનેસમાં રોકાણ કરવાનું હોય છે. એકવાર એન્ટીગુઆનો પાસપોર્ટ મળ્યા બાદ આ વ્યક્તિ 132 દેશોમાં વિઝા વગર મુસાફરી કરી શકે છે અને તેનું પ્રત્યાર્પણ થઈ શકતુ નથી.
મેહુલ ચોક્સી જેવા ભાગેડુ અપરાધીએ એન્ટીગુઆની નાગરિકતા લીધી એટલે સ્વાભાવિક પણે હોબાળો મચે. એન્ટીગુઆમાં વિપક્ષી દળો સરકાર પર હાવી થયા છે. જો કે વડાપ્રધાન બ્રાઉનના કાર્યાલયના ચીફ ઓફ સ્ટાફ લિયોનેલ મેક્સે સ્થાનિક મીડિયાને જણાવ્યું છે કે ભારત અને એન્ટીગુઆ વચ્ચે કોઈ પ્રત્યાર્પણ સંધિ નથી પરંતુ તેઓ ભારત સરકારના કોઈ પણ કાયદેસરના અનુરોધ પર કાયદાકીય મર્યાદાની અંદર વિચાર કરશે. એવા પણ અહેવાલ છે કે એન્ટીગુઆની કેબિનેટ મીટિંગમાં ચોક્સી પર ચર્ચા થઈ છે.