VIDEO મહારાષ્ટ્ર: કૂવામાં ન્હાવા પડેલા દલિત બાળકોને નિર્વસ્ત્ર કરી ગામમાં ફેરવ્યાં, બેલ્ટથી માર્યા
મહારાષ્ટ્રના જલગાંવ જિલ્લાના વાકાડી ગામમાં એક શરમજનક ઘટના સામે આવી છે.
નવી દિલ્હી/મુંબઈ: મહારાષ્ટ્રના જલગાંવ જિલ્લાના વાકાડી ગામમાં એક શરમજનક ઘટના સામે આવી છે. અહીં 3 દલિત છોકરાઓની ગામના કૂવામાં ન્હાવા બદલ ગામવાળાઓ દ્વારા પીટાઈ કરવામાં આવી અને તેમને નિર્વસ્ત્ર કરીને ગામમાં ફેરવવામાં આવ્યાં. આ ઘટના ગત રવિવાર એટલે કે 10 જૂનની છે. પરંતુ તેની જાણકારી એક વીડિયો વાઈરલ થયા બાદ સામે આવી. મહારાષ્ટ્રના સામાજિક ન્યાય મંત્રી દિલીપ કાંબલેએ આ અંગે કહ્યું કે અત્યાર સુધી બે લોકોની ધરપકડ કરાઈ છે અને મામલાની તપાસ કરવામાં આવી રહી છે.
બીજી બાજુ મહેસૂલ મંત્રી ચંદ્રકાંત પાટિલે કહ્યું કે આ મામલે એસસી/એસસી એક્ટ હેઠળ કડક પગલાં લેવામાં આવશે. આ પ્રકારના મામલાઓને બર્દાશ્ત કરવામાં આવશે નહીં. ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ 3 દલિત બાળકો ભીષણ ગરમીના કારણે કૂવામાં તરવા ગયા હતાં. પરંતુ કેટલાક ગ્રામીણોએ તેમને જોઈ લીધા અને તેમને કૂવામાંથી બહાર કાઢ્યાં. ત્યારબાદ ગ્રામીણોએ મળીને તેમને ચામડાના બેલ્ટથી માર્યા અને નિર્વસ્ત્ર કરીને ગામમાં ફેરવ્યાં. ત્યારબાદ આ બાળકોના પરિજનોએ પોલીસમાં ફરિયાદ નોંધાવી.
નોંધનીય છે કે આ ઘટના 10 જૂનની છે પરંતુ સોશિયલ મીડિયા પર આ બાળકોનો વીડિયો વાઈરલ થયા બાદ સામે આવી. વીડિયોમાં જોઈ શકાય છે કે કઈ રીતે એક વ્યક્તિ બાળકોને નિર્વસ્ત્ર કરીને તેમને ધધડાવી રહ્યો છે અને મારી રહ્યો છે. નિર્દયતાથી બાળકોની મારપીટની ઘટના બાદ માતાપિતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. આ મામલો સામે આવ્યાં બાદ અનેક નેતાઓ પણ આ ઘટનાની આકરી ટીકા કરી રહ્યાં છે.
આ અંગે કેન્દ્રીય સમાજ કલ્યાણ મંત્રી રામદાસ આઠવલેએ કહ્યું કે સરકારે આ પ્રકારના મામલાઓમાં આકરી કાર્યવાહી કરવી જોઈએ. જે લોકોએ છોકરાઓ સાથે આવું વર્તન કર્યુ છે તેમની સામે કડક પગલાં લેવા જોઈએ. ભાજપના નેતા એકનાથ ખડસે, ગુજરાત દલિત નેતા જિગ્નેશ મેવાણી, મહારાષ્ટ્ર કોંગ્રેસના પ્રમુખ અશોક ચૌહાણ અને પૂર્વ રાજ્ય મંત્રી લક્ષ્મણ ઢોબાલેએ પણ ઘટનાની આકરી ટીકા કરી અને આરોપીઓ સામે કડક કાર્યવાહીની માગણી કરી.