વિશાખાપટ્ટનમ: આંધ્ર પ્રદેશમાં એલજી પોલિમર્સ ઈન્ડસ્ટ્રીમાં કેમિકલ ગેસ લીકેજ થવાના કારણે 7લોકોના દર્દનાક મોત થયા છે. મૃતકોમાં એક બાળક પણ સામેલ છે. આ ઘટના વિશાખાપટ્ટનમના આરઆર વેંકટપુરમ ગામની છે. કલાકોની મહેનત બાદ ગેસ લીકેજ પર કાબુ મેળવી શકાયો છે. આ સાથે જ ફેક્ટરીની આજુબાજુના 3 હજાર લોકોને રેસ્ક્યુ પણ કરાયા છે. સીએમ જગન મોહન રેડ્ડી વિશાખાપટ્ટનમ જવા માટે રવાના થઈ ગયા છે. અત્યાર સુધી 7 લોકોના મોત થયા છે અને 120 લોકો હોસ્પિટલમાં દાખલ છે. પીએમ મોદીએ આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી સાથે ફોન પર વાત કરી અને તમામ મદદ અને સહકાર આપવાની ખાતરી આપી. 



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ ઘટનાના કારણએ સમગ્ર શહેરમાં તણાવનો માહોલ છે. ઘટના આજે સવારે ઘટી. હાલાત હજુ નિયંત્રણમાં નથી. સ્થાનિક પ્રશાસન અને નેવીએ ફેક્ટરીની આજુબાજુના ગામડાઓ ખાલી કરાવી લીધા છે. લોકોમાં અફરાતફરીનો માહોલ જોવા મળી રહ્યો છે. 


હોસ્પિટલમાં દાખલ થયેલા લોકોમાં 20 લોકોની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. જેમાં મોટાભાગના વૃદ્ધ લોકો અને બાળકો છે. વિશાખાપટ્ટનમ નગર નિગમના કમિશનર શ્રીજના ગુમ્મલ્લાએ જણાવ્યું કે પ્રાથમિક તપાસ મુજબ પીવીસી કે સ્ટેરેને ગેસ લીકેજ થયો છે. ગેસ લીકેજની શરૂઆત વહેલી સવારે 2.30 વાગ્યાની આસપાસ થઈ જેની ઝપેટમાં આસપાસના અનેક લોકો આવ્યાં અને કેટલાક બેહોશ થઈ ગયાં. કેટલાક લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે.



મળતી માહિતી મુજબ આરઆર વેંકટપુરમ સ્થિત વિશાખા એલજી પોલીમર કંપનીમાંથી ખતરનાક ઝેરીલો ગેસ લીક થયો. આ ઝેરીલા ગેસના કારણે ફેક્ટરીની આજુબાજુનો 3 કિમીનો વિસ્તાર પ્રભાવિત છે. સેંકડો લોકો માથામાં દુખાવા, આંખમાં બળતરા, ઉલટી અને શ્વાસ લેવામાં તકલીફની ફરિયાદો સાથે હોસ્પિટલ પહોંચી રહ્યાં છે. 


જો કે ગેસ લીકેજ કયા કારણસર થયો તે હજુ જાણી શકાયું નથી. વિશાખાપટ્ટનમના જિલ્લાધિકારી વી વિનય ચંદ પણ ઘટનાસ્થળે પહોંચ્યા છે અને હાલાત પર નજર રાખી રહ્યાં છે. તેમનું કહેવું છે કે બે કલાકની અંદર સ્થિતિ નિયંત્રણમાં લેવાઈ છે. કેટલાક લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી તેમને ઓક્સીજન સપોર્ટ આપવામાં આવી રહ્યો છે. 


ઘટના સ્થળે એડીઆરએફ અને એસડીઆરએફની ટુકડીઓ પણ કામે લાગી છે. અત્રે જણાવવાનું કે એલજી પોલિમર્સ ઈન્ડસ્ટ્રીની સ્થાપના 1961માં થઈ હિન્દુસ્તાન પોલિમર્સ તરીકે થઈ હતી. કંપની પોલિસ્ટાઈરેને અને તેના કો-પોલિમર્સનું નિર્માણ કરે છે. 1978માં યુપી ગ્રુપના મેક્ડોવેલ એન્ડ કંપની લિમિટેડમાં હિન્દુસ્તાન પોલિમર્સનો વિલય થયો હતો અને ત્યાર બાદ તે એલજી પોલિમર્સ ઈન્ડસ્ટ્રી થઈ .