પટનાઃ બિહારના મુંગેરમાં મંગળવારે બપોરે 100 ફુટ ઉંડા બોરવેલમાં પડેલી 3 વર્ષની બાળકીને 24 કલાક સુધી ચાલેલા રેસ્ક્યૂ ઓપરેશન બાદ સુરક્ષિત બહાર કાઢી લેવામાં આવી છે. બાળકીને પ્રાથમિક સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. બાળકીની સ્થિતિ ખતરાથી બહાર છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મુંગેર જિલ્લાના કોતવાલી વિસ્તાર અંતર્ગત મુર્ગીયાચક મોહલ્લામાં મંગળવારે 3 વર્ષની બાળકી ઘણના આંગણમાં ખોદેલા બોરવેલમાં પડી ગઈ હતી. મુર્ગીયાચક નિવાસી ઉમેશ નંદન પ્રસાદ સાવના ઘરમાં સબમર્સિબલ માટે કરેલા બોરિંગમાં મંગળવારે તેમની ભાણેજ સન્નો લપસીને પડી ગઈ. બાળકી અંદર પડતા જ પરિવારમાં હડકંપ મચી ગયો. તમામ લોકો બાળકીને બહાર કાઢવામાં લાગી ગયા. પરિવારજનો જ્યારે બાળકીને બહાર કાઢવામાં અસફળ રહ્યાં તો તેની જાણ પોલીસને કરવામાં આવી હતી. 


ઘટનાસ્થળે પહોંચેલી પોલીસ અને ફાયર બ્રિગેડે પોતાના સ્તર પર બાળકીને બચાવવાનો પ્રયત્ન કર્યો પરંતુ તેમને કોઇ સફળતા નહીં મળે તેવું લાગતા એનડીઆરએફ અને એસડીઆફએફને ઘટના વિશે જાણ કરવામાં આવી. મંગળવારની રાત્રે એનડીઆરએફની ટીમે રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કર્યું હતું. 


એનડીઆરએફે પાઇપની મદદથી બાળકીને ઓક્સીજન આપવાનું શરૂ કર્યું અને બોરવેલની સાથે એક ખાડો ખોદવાનું શરૂ કર્યું. એનડીઆરએફ હાઇ ફ્રિક્વન્સી માઇક દ્વારા બાળકીનો સંપર્ક કર્યો અને તેની વાત તેના માતા-પિતા સાથે કરાવી. 


ઘટનાની ગંભીરતાને જોતા મુંગેરના કમિશ્નર પંકજ કુમાર પાલ અને ડીઆઈજી જિતેન્દ્ર મિશ્ર પણ ત્યાં રહીને રેસ્ક્યૂ ઓપરેશનની માહિતી લેતા હતા. બીજીતરફ આસપાસના વિસ્તારમાં બાળકીના પડવાની જાણ થતા લોકો ભેગા થઈ ગયા હતા. આખરે તમામ મહેનત બાદ બાળકીને સુરક્ષિત બહાર કાઢી લેવામાં આવી છે.