રવિ અગ્રવાલ, વડોદરા: હિમાચલ પ્રદેશમાં આકાશી આફતે ભારે કહેર મચાવ્યો છે. જૂન 24થી લઈને 13 જુલાઈ સુધીમાં હિમાચલ પ્રદેશમાં 91 લોકોએ જીવ ગુમાવ્યા છે. જેમાંથી 34 લોકોના મોત લેન્ડસ્લાઈડ, વાદળ ફાટવાના, ફ્લેશ ફ્લર્ડના કારણે થયા છે. છેલ્લા કેટલાક દિવસથી જે રીતે વરસાદ આકાશી આફત બનીને વરસ્યો તેમાં રાજ્યમાં હજારો કરોડનું નુકસાન થયું છે. અનેક લોકોના જીવ ગયા છે. વરસાદ, પૂર અને ભૂસ્ખલનના કારણે હિમાચલ ફરવા આવેલા અનેક લોકો પણ ત્યાં ફસાઈ ગયા હતા જેમાં ગુજરાતના પણ 35 જેટલા લોકો સામેલ હતા. આ લોકો હેમખેમ હવે માદરે વતન પહોંચી ગયા છે. જેના કારણે તેમના પરિજનોને પણ હાશકારો થયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હિમાચલ પ્રદેશના સ્થાનિક તંત્ર અને પોલીસ બચાવ કરીને તેમને સલામત રેલવે સ્ટેશન સુધી પહોંચાડ્યા હતા. હિમાચલ પ્રદેશના મંડીના વરસાદથી પૂરગ્રસ્ત અને ભૂસ્ખલનવાળા વિસ્તારોમાંથી વિદ્યાર્થીઓની ટુકડી પાછી ફરતા વાલીઓએ રાહત અુભવી હતી. એમએસ યુનીવર્સિટીના બે વિદ્યાર્થીઓ સહિત ગુજરાતના 35 લોકો ફસાયા હતા. તમામ લોકો ટ્રેન મારફતે ગુજરાત પરત ફર્યા. મોતના મોઢામાંથી પાછા ફરેલા આ લોકોએ પોતાની જે ભયાનક દાસ્તાન વર્ણવી તે જાણીને તમારા રૂવાડાં ઊભા થઈ જશે. કેટલાક લોકોએ બસમાં મુશ્કેલીભર્યો સમય પસાર કર્યો તો એક પરિવારે 52 કલાક સુધી કારમાં આ ભયાનક સમય પસાર કર્યો. તેમના અનુભવો જાણીને તમને થશે કે આ મોતના સામનાથી જરાય કમ ન કહી શકાય. 



52 કલાક સુધી કારમાં જ રહ્યા
વડોદરાના મકરપૂરામાં રહેતો પરિવાર હિમાચલ પ્રદેશના મનાલી ફરવા ગયો હતો. વરસાદ અને ભૂસ્ખલનના કારણે જે પરિસ્થિતિ ઊભી થઈ તેના કારણે આ પરિવારે 52 કલાક સુધી કારમાં જ સમય વિતાવવો પડ્યો હતો. નેટવર્ક કમ્યુનિકેશનના પણ વાંધા હતા. પરિવારના હેડ એવા ગર્ગ પરિવારના અમોલ ગર્ગે કહ્યું કે ઓડ ગામ પાસે અડધા કિલોમીટર જેટલા વિસ્તારમાં 400 કાર ફસાયેલી હતી. રાહ જોઈને બેઠા હતા કે રસ્તો ક્યારે ક્લિયર થશે. તેમની સાથે તેમના પત્ની, પુત્ર અને પુત્રી હતા. એમા પણ પુત્રીની હાલ જ સારવાર પૂરી થઈ હતી અને આ પરિસ્થિતિ ઊભી થતા પરિવાર ચિંતામાં મૂકાયો હતો. કારમાં એ 52 કલાક એવા હતા કે ન તો સૂઈ શકતા હતા કે ન તો કારની બહાર નીકળી શકાય તેમ હતું. 




વિદ્યાર્થીઓ પરત ફર્યા
વડોદરાના જે વિદ્યાર્થીઓ ત્યાં ફસાયેલા હતા એ પણ હેમખેમ પરત ફરતા પરિજનોએ હાશકારો અનુભવ્યો. જીયા નામની વિદ્યાર્થીનીએ કહ્યું કે તેઓ મનાલીથી નીકળી રહ્યા હતા અને ત્યારે લેન્ડસ્લાઈડ થઈ રહ્યું હતું. પાણીનું સ્તર વધી રહ્યું હતું. પરિવાર સાથે સંપર્ક તૂટી ગયો હતો. અન્ય એક વિદ્યાર્થી જૈમિને કહ્યું કે બે દિવસ ફસાયેલા રહ્યા હતા. ખાવાનું નહતું પીવા માટે પાણી પણ નહતું. જેટલું બને એટલું સ્થાનિકો પાસેથી મદદ લઈ રહ્યા હતા. બસમાં સૂતા રહ્યા. ઠંડી પણ લાગતી, વરસાદ પણ હતો.