નવી દિલ્હીઃ આગામી વર્ષે દેશમાં યોજાનારી સામાન્ય ચૂંટણી પહેલા, 14 સીટો પર યોજાયેલી પેટાચૂંટણીમાં સંયુક્ત વિપક્ષે ભાજપને પછળાટ આપી. ગુરૂવારે દેશના ઘણા રાજ્યોમાંથી આવેલા પરિણામોએ સ્પષ્ટ સંકેત આપ્યો કે જો વિપક્ષ આ રીતે ભેગો થયો તો ભાજપ માટે 2019ના માર્ગ સરળ નથી. ભાજપે ઉત્તર પ્રદેશના મહત્વપૂર્ણ કૈરાના અને મહારાષ્ટ્રની ભંડારા-ગોંડિયા સીટો પર હારનો સામનો કરવો પડ્યો. પાર્ટીને મહારાષ્ટ્રની પાલઘર લોકસભા સીટ પર જીત મળી. દસ રાજ્યોની વિધાનસભાની પેટાચૂંટણીમાં યોજાયેલા મતદાનમાં પાર્ટીને માત્ર એક સીટ હાથ લાગી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભાજપ માટે પડકારો ઓછા થયા નથી
ભાજપ માટે હજુ પડકારો ઓછા થયા નથી, કારણ કે 2019 પહેલા 4 લોકસભા સીટો પર પેટાચૂંટણી યોજાવાની છે. તેમાં કર્ણાટકની ત્રણ અને જમ્મૂ-કાશ્મીરની એક સીટ સામેલ છે. કર્ણાટક વિધાનસભા ચૂંટણી બાદ બીએસ યેદિયુરપ્પા અને બી. શ્રીરામુલુએ લોકસભમાંથી રાજીનામું આપી દીધું છે. યેદિયુરપ્પા શિવમોગા લોકસભા સીટથી સાંસદ હતા જ્યારે શ્રીરામુલુએ લોકસભામાંથી રાજીનામું આપી દીધું છે. આ બંન્નેના રાજીનામાં બાદ અહીં ચૂંટણી યોજાવાની છે. જેડીએસના સાંસદ સીએસ પટ્ટારાજૂ માંડ્યાએ લોકસભા સીટ પરથી રાજીનામું આપી દીધું છે. હવે આ સીટો પર યોજાનારી પેટાચૂંટણીમાં જ્યાં વિપક્ષ મજબૂત થયો છે, બીજીતરફ ભાજપ પર દબાણ વધી ગયું છે. 


2014 બાદ ભાજપે ગુમાવી 9 સીટો
2014માં ભાજપને 282 સીટો સાથે પૂર્ણ બહુમત મળ્યો હતો. પરંતુ છેલ્લા ચાર વર્ષમાં અત્યાર સુધી પેટાચૂંટણીમાં પાર્ટી 9 સીટો પર હારી છે. ગુરૂવારે પાર્ટીએ બે લોકસભા સીટ હારી અને એક જીતી. આમ પાર્ટી પાસે હવે લોકસભામાં 272 સાંસદ બચ્યા છે. ભાજપે લોકસભા સીટોની પેટાચૂંટણીમાં ગુરૂવારે ઉત્તરપ્રદેશમાં મહત્વપૂર્ણ કૈરાના સીટ અને મહારાષ્ટ્રમાં ભંડારા-ગોંડિયા સીટ ગુમાવી. પાર્ટીએ પાલઘર સંસદીય સીટને બરકરાર રાખી છે. જ્યારે સહયોગી નાગાલેન્ડ ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ પાર્ટી નાગાલેન્ડ સીટ જીતવામાં સફળ રહી. ભાજપે આ પહેલા આ વર્ષે ઉત્તર પ્રદેશમાં ગોરખપુર અને ફૂલપુર સંસદીય સીટો અને રાજસ્થાનમાં અજમેર અને અલવર સંસદીય સીટો ગુમાવી હતી. 


ભાજપ સત્તામાં આવ્યા બાદ પેટાચૂંટણીમાં ભાજપ ચાર સીટો પર હારી જે કોંગ્રેસના ખાતામાં ગઈ. ભાજપની બે સીટો સમાજવાદી પાર્ટી પાસે ગઈ અને એક સીટ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી, રાષ્ટ્રીય લોકદળ અને રાષ્ટ્રીય જનતા દળના ખાતામાં ગઈ. આરએલડીએ લોકસભામાં પોતાનું ખાતુ વિપક્ષી પાર્ટીઓ દ્વારા સમર્થિત પોતાની ઉમેદવાર તબસ્સુમ હસનની જીતથી ખોલ્યું જેણે કૈરાનામાં ભાજપની ઉમેદવાર મૃગાંકા સિંહને હરાવી હતી.