ભાજપ માટે કોંગ્રેસના 52 સાંસદ પુરતા છે, અમે ઈંચ-ઈંચની લડાઈ લડીશું: રાહુલ ગાંધી
કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીએ શનિવારે જણાવ્યું કે, પાર્ટીના પરાજય પછી દરેક કાર્યકર્તાએ એ યાદ રાખવું જોઈએ કે તે બંધારણ અને દેશના દરેક નાગરિક માટે લડી રહ્યો છે
નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી 2019માં મળેલી કારમી હાર પછી કોંગ્રેસની ચૂંટાયેલા સાંસદોની શનિવારે બેઠક મળી હતી. આ બેઠકમાં કોંગ્રેસના ચૂંટાયેલા તમામ 52 સાંસદ અને રાજ્યસભાના સાંસદ પણ હાજર રહ્યા હતા. કોંગ્રેસની સંસદીય દળની આ બેઠકમાં સોનિયા ગાંધીને લોકસભામાં પાર્ટીના નેતા તરીકે ચૂંટવામાં આવ્યા છે. કોંગ્રેસ અધ્યક્ષ આ પ્રસંગે ભાજપ પર પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે, આપણે 52 સાંસદ છીએ, હું તમને ગેરંટી આપવા માગું છું કે, 52 સાંસદ ભાજપ સામે ઈંચ-ઈંચની લડાઈ લડવા માટે પુરતા છે. આપણે ભાજપને દરરોજ કાંટાની ટક્કર આપીશું.
કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીએ શનિવારે જણાવ્યું કે, પાર્ટીના પરાજય પછી દરેક કાર્યકર્તાએ એ યાદ રાખવું જોઈએ કે તે બંધારણ અને દેશના દરેક નાગરિક માટે લડી રહ્યો છે. રાહુલ ગાંધીએ લોકસભા ચૂંટણીમાં મહેનત માટે પાર્ટીના કાર્યકર્તાઓને આભાર પણ માન્યો હતો.
આ અગાઉ, 25 મેના રોજ મળેલી કોંગ્રેસ કાર્યસમિતિની બેઠકમાં રાહુલે અધ્યક્ષ પદેથી રાજીનામું આપવાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. કોંગ્રેસની કાર્યસમિતી તેમના રાજીનામાના પ્રસ્તાવને ફગાવી ચૂકી દીધો હતો અને સર્વસંમતિથી એક પ્રસ્તાવ પસાર કરીને પાર્ટીમાં દરેક સ્તરે માળખાગત ફેરફાર કરવા માટેની સત્તા સોંપી હતી.
જાણો નવી સરકારનું બજેટ ક્યારે આવશે, મોદી કેબિનેટે નક્કી કરી સંસદના સત્રની તારીખો
કોંગ્રેસ માટે કર્ણાટકથી સારા સમાચાર
કોંગ્રેસ માટે લોકસભા ચૂંટણીમાં કારમા પરાજય પછી કર્ણાટકથી એક સારા સમાચાર આવ્યા છે. અહીં રાજ્યમાં યોજાયેલી સ્થાનિક નિગમની ચૂંટણીમાં શુક્રવારે કોંગ્રેસ સૌથી વધુ બેઠકો જીતી છે. રાજ્ય ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, રાજ્યના 56 નિગમોમાં કુલ 1221 વોર્ડમાંથી કોંગ્રેસ 509 વોર્ડમાં વિજય મેળવ્યો છે, જ્યારે ભાજપને 366 વોર્ડમાં વિજય મળ્યો છે. જનતા દળને 174 વોર્ડ પર વિજય મળ્યો છે. આ ઉપરાંત, 160 વોર્ડમાં અપક્ષ ઉમેદવાર જીત્યા છે.
ચૂંટણી પંચ દ્વારા સાત નગર પરિષદના 217 વોર્ડ, 30 નગરપાલિકા પરિષદના 714 વોર્ડ અને 19 નગર પંચાયતોના 290 વોર્ડના પરિણામ જાહેર કરાયા હતા.
જૂઓ LIVE TV...