નવી દિલ્હીઃ મોતીનગરની ફેક્ટરીમાં સિલિન્ટર ફાટવાથી છત તુટી પડી, 7નાં મોત
DCP પશ્ચિમ મોનિકા ભારદ્વાજે દુર્ઘટનાની પુષ્ટિ કરતા જણાવ્યું કે, પોલિસ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને રાહત-બચાવ કાર્ય શરૂ કરાયું છે
નવી દિલ્હીઃ રાષ્ટ્રીય રાજધાની નવી દિલ્હીના મોતીનગર વિસ્તારમાં ગુરૂવારે મોડી રાત્રે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. અહીં એક પેઈન્ટ કોટિંગ બનાવતી ફેક્ટરીમાં સિલિન્ડરમાં વિસ્ફોટ થતાં ગ્રાઉન્ડ ફ્લોર અને ફર્સ્ટ ફ્લોરની એક બિંલ્ડિંગ ધરાશાયી થઈ ગઈ હતી. આ દુર્ઘટનામાં અનેક લોકો દબાઈ ગયા હોવાની આશંકા છે. પ્રાથમિક માહિતી મુજબ હાલ 7 લોકોનાં મોત થયા છે.
DCP પશ્ચિમ મોનિકા ભારદ્વાજે જણાવ્યું કે, નવી દિલ્હીના મોતીનગરમાં એક બિલ્ડિંગ તુટી પડતાં 7 લોકોનાં મોત થયા છે. દુર્ઘટના બાદ રાહત અને બચાવ કાર્ય શરૂ કરી દેવાયું છે. ફાયરબ્રિગેડની 6 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. દુર્ઘટનામાં દબાઈ ગયેલા લોકોને બહાર કાઢવાનું કામ પૂરજોશમાં ચાલુ છે. કુલ 11 લોકો દટાઈ ગયા હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે.
પોલિસે જણાવ્યું કે, ફાયર બ્રિગેડને આ અંગે રાત્રે 8.48 કલાકે સુચના મળી હતી અને ફાયરબ્રિગેડની 8 ગાડીઓ અને એમ્બ્યુલન્સને ઘટનાસ્થળે તાત્કાલિક રવાના કરાઈ હતી. નાયબ પોલિસ કમિશનર મોનિકા ભારદ્વાજે જણાવ્યું કે, "એલપીજી સિલિન્ડરમાં વિસ્ફોટની આ ઘટના મોતીનગરના સુદર્શન પાર્ક વિસ્તારમાં થઈ છે. આ ઘટનામાં 6 લોકોનાં મોત થયા છે, જ્યારે 8 લોકોને બચાવી લેવાયા છે. ઘાયલોને તાત્કાલિક ધોરણે નજીકની હોસ્પિટલમાં લઈ જવાયા છે. આ બિલ્ડિંગમાં ગ્રાઉન્ડ ફ્લોર અને પ્રથમ માળ હતો. બંનેની છત તુટી પડી હતી."