નવી દિલ્હી : પાકિસ્તાનમાં જ્યાં ઇમરાન ખાનની તાજપોશીની તૈયારીઓ ચાલી રહી છે ત્યાં બીજી તરફ કાશ્મીર સરહદે ભારત અને પાકિસ્તાન સીમા પર મોટી સંખ્યામાં આતંકીઓની હલચલ જોવા મળી હોવાનું સામે આવ્યું છે. ગુપ્ત એજન્સીઓના એક રિપોર્ટ અનુસાર લાઇન ઓફ કંટ્રોલ એટલે કે એલઓસીથી લઇને જમ્મુથી જોડાયેલા સરહદ પર અંદાજે 600 જેટલા આતંકીઓ ઘૂસણખોરીની ફિરાકમાં બેઠા હોવાનું જાણવા મળી રહ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગૃહ મંત્રાલયના એક ઉચ્ચ અધિકારીના જણાવ્યા અનુસાર, આ આતંકીઓને પાકિસ્તાની સેના બધી મદદ કરી રહી છે અને એમને ભારતની સરહદમાં પ્રવેશ કરાવવા માટે બધી મદદ કરી રહી છે. ઘણા આતંકીઓના ગ્રુપમાં પાકિસ્તાની સેનાના જવાનો પણ છે જે આપણા જવાનો સામે BAT એકશનની તૈયારીમાં છે. 


ગુપ્ત એજન્સીના અનુસાર, જ્યારથી ભારતીય સેનાએ પીઓકેમાં સર્જિકલ સ્ટ્રાઇક કરી છે ત્યારથી લઇને અત્યાર સુધી આ પહેલી વાર છે કે આટલી મોટી સંખ્યામાં આતંકીઓ જોવા મળ્યા છે. ગુપ્ત એજન્સીના આ રિપોર્ટથી ફરી એકવાર જાહેર થઇ થઇ ગયું છે કે પાકિસ્તાનનું બોલવું અને કરવું એમાં કેટલો ફરક છે. પાક સેનાની મદદથી વડાપ્રધાનની ખુરશી સુધી પહોંચનાર ઇમરાન ખાને કેટલાક દિવસો પહેલા કહ્યું હતું કે તે ભારત સાથે સારા સંબંધ ઇચ્છે છે. 


ઝી મીડિયા પાસે ગુપ્ત એજન્સીના રિપોર્ટની તમામ વિગતો છે. અહીં અમે તમને એ તમામ વિગતોથી ઉજાગર કરી રહ્યા છીએ...
1. ગુરેજ સેક્ટર : ગુરેજ સેક્ટર નજીકના લોન્ચિંગ પેડ પર 67 આતંકીઓની હલચલ જોવા મળી છે. જે પાક પોસ્ટ બરબાદ, સરદારી, લોસર કોમ્પલેક્ષમાં હાજર છે. 


2. માછિલ સેક્ટર : અહીંથી નજીકના લોન્ચિંગ પેડ પર 96 આતંકીઓની મૂવમેન્ટ જોવા મળી છે. જે લશદત, કતવારી, સુલ્બી, સરદારી તિનગરી કોમ્પલેક્ષ અને બુરી નાલાના લોન્ચિંગ પેડમાં હાજર છે. 


3. કેરન સેક્ટર : અહીંથી નજીકના લોન્ચિંગ પેડ પર 112 આતંકીની હલચલ જોવા મળી છે જે દુધનિયાલ, ગેહલ, ઠન્ડાપાની, અથમુકામના લોન્ચિંગ પેડ પર છે. 


4. તંગધાર સેક્ટર : નજીકના લોન્ચિંગ પેડ પર 79 આતંકીઓની મૂવમેન્ટ જોવા મળી છે. આ ગ્રુપમાં લશ્કર અને જૈશના આતંકીઓ છે. જે પાક પોસ્ટ મંદાકુલી, લીપા, જમ્મુઆ, છેજુઆ અને જીઅરતમાં છે. 


5. નૌગામ સેક્ટર : અહીંથી નજીકના લોન્ચિંગ પેડ પર 52 આતંકીની હલચલ દેખાઇ જે પાકિસ્તાની સેના સાથે ફરતા જોવા મળ્યા હતા. 


6. ઉરી સેક્ટર : અહીં 26 આતંકીઓની હલચલ જોવા મળી. આ ગ્રુપમાં લશ્કર, જૈશ અને હિઝબુલના આતંકીઓ છે. જે ભારતીય સેના પર બદલો લેવાની ફિરાકમાં છે. 


7. રામપુર સેક્ટર : અહીં 26 આતંકીઓની હલચલ દેખાઇ. અહીં વિવિધ આતંકી ગ્રુપના આતંકીઓ દેખાયા છે જે હાજીપીર, મોહરાદોરીના લોન્ચિંગ પેડમાં છે. 


8. પૂંછ સેક્ટર : અહીં 43 જેટલા આતંકીઓની હલચલ જોવા મળી. આ ગ્રુપમાં લશ્કર, હિઝબુલ, અલ બદરના આતંકીઓ ધોક અને કાલૂના લોન્ચિંગ પેડ દેખાયા છે. 


9. કૃષ્ણાઘાટી સેક્ટર : અહીં 21 આતંકીઓ દેખાયા જે ધર્મશાલ, ઝાવર, બેનજીરના લોન્ચિંગ પેડ પર પાક સેના સાથે ફિરાકમાં છે. 


10. ભિમ્બર ગલી : અહીં 40 જેટલા આતંકીઓની હલચલ દેખાઇ, જે તાર્કુદી, દતોતે, લંજોત લોન્ચિંગ પેડ પર છે. અહીં પાક સેના પણ છે. 


11. નૌશેરા સેક્ટર : અહીં 6 આતંકીઓ દેખાયા છે. તમામ આતંકીઓ લશ્કર અને જૈશના છે. 


12. સુંદેરબાની સેક્ટર : અહીં આ વિસ્તારમાં 16 આતંકીઓ જોવા મળ્યા હતા. 


ઘૂસણખોરીની ફિરાકમાં
ગુપ્ત એજન્સીના રિપોર્ટ અનુસાર, જુલાઇ મહીને આતંકીઓ 47 વખત ઘૂસણખોરીનો પ્રયાસ કરી ચૂક્યા છે. જેમાં 28 વખત આતંકીઓ ભારતની સીમાં પ્રવેશમાં સફળ થયા છે. આતંકીઓ સૌથી વધુ માછિલ અને કેરન સેક્ટરથી કાશ્મીરમાં ઘૂસવાની ફિરાકમાં છે.