ગુજરાત સહિત 6 ભાજપ શાસિત રાજ્યોએ ઘટાડ્યો VAT, જાણો ક્યાં કેટલી મળશે છુટ
પેટ્રોલ- ડીઝલનાં સતત વધી રહેલા ભાવનાં પગલે કેન્દ્ર સરકાર લાંબા સમયથી દબાણમાં હતી, ઉપરાંત આ મુદ્દે વિવિધ પક્ષોએ રાજનીતિ પણ ચાલુ કરી દીધી હતી
નવી દિલ્હી : કેન્દ્રીય નાણામંત્રી અરૂણ જેટલીએ ગુરૂવારે પેટ્રોલ - ડિઝલ (Petrol-Diesel Price)ની કિંમતમાં 2.50 રૂપિયા પ્રતિ લિટરના ઘટાડાની જાહેરાત કરી છે. સાથે જ તેમણે રાજ્યોને પણ વેટ ઘટાડવા માટેની અપીલ કરી હતી. જેના પગલે અત્યાર સુધી 6 ભાજપ શાસિત રાજ્યો દ્વારા તેનો સ્વિકાર કરાતા 2.5નો ઘટાડો કરી દીધો છે.
નાણામંત્રી જેટલીની જાહેરાત બાદ ગુજરાત અને મહારાષ્ટ્રનાં મુખ્યમંત્રી દ્વારા પોતાની તરફથી 2.50 રૂપિયા પ્રતિ લિટરનો ઘટાડો કર્યો હોવાની જાહેરાત કરી છે. આ રાજ્યોમાં પેટ્રોલ- ડિઝલ કુલ 5 રૂપિયા પ્રતિ લીટર સસ્તું થયું છે. ત્યાર બાદ ઉત્તરપ્રદેશ, છત્તીસગઢ, ઝારખંડ અને ત્રિપુરાએ પણ વેટમાં ઘટાડો કરી દીધો. આ પ્રકારે અત્યાર સુધીમાં 6 રાજ્યોમાં પેટ્રોલ- ડીઝલની કિંમતમાં 5 રૂપિયા જેટલો ઘટાડો થઇ ચુક્યો છે.
ભાજપ શાસિત રાજ્યોમાંથી મહારાષ્ટ્રે માત્ર પેટ્રોલ પર જ 2.5 રૂપિયાની રાહત આપવાનો નિર્ણય લીધો, જ્યારે ઝારખંડે માત્ર ડીઝલ પર જ આ રાહત આપવાની જાહેરાત કરી હતી. ડીઝલમાં રાહત નહી આપવા પાછળનું કારણ ડીઝલની કિંમતમાં ઘટાડા અંગેવાતચીત ચાલી રહી હોવાની અને તે અંગે ઝડપથી નિર્ણય લેવામાં આવશે તેમ જણાવ્યું હતું.
કેરળે સ્પષ્ટ મનાઇ કરી, બિહારે બહાનું કાઢ્યું. કેરળનાં નાણામંત્રી થોમસ ઇસાકે કહ્યું કે, રાજ્ય હાલ એવા ઘટાડા કરવાની સ્થિતીમાં નથી. અમે થોડા દિવસો પહેલા જ એવું કર્યું હતું.
તેલની કિંમતમાં ઘટાડો કરવા અંગે જેટલીએ સલાહ અંગે બિહારના ઉપમુખ્યમંત્રી સુશીલ કુમાર મોદીએ કહ્યું કે, અમે જેટલીજી પાસેથી કોઇ પત્ર પ્રાપ્ત નથી થયો. અમે પહેલા આદેશ જોઇશું પછી પેટ્રોલ - ડીઝલની કિંમતો અંગેનિર્ણય લઇશું. દરેક રાજ્યની પોત પોતાની સ્થિતી હોય છે માટે અમે પત્રની રાહ જોઇ રહ્યા છીએ.