મંદસૌર: 7 વર્ષની બાળકી પર બર્બરતાની તમામ હદો પાર, જીવન-મરણ વચ્ચે ઝોલા ખાય માસૂમ
મધ્ય પ્રદેશના મંદસૌરથી એક હચમચાવી નાખે તેવા અહેવાલ આવ્યાં છે. 7 વર્ષની માસૂમ બાળકીનું અપહરણ અને રેપની ઘટના બાદ પ્રદેશમાં માહોલ ખુબ તણાવભર્યો છે. બાળકી સાથે થયેલી નિર્દયતાના કારણે લોકો ઘટનાને નિર્ભયાકાંડ જેવી ગણાવી રહ્યાં છે.
મંદસૌર/ભોપાલ: મધ્ય પ્રદેશના મંદસૌરથી એક હચમચાવી નાખે તેવા અહેવાલ આવ્યાં છે. 7 વર્ષની માસૂમ બાળકીનું અપહરણ અને રેપની ઘટના બાદ પ્રદેશમાં માહોલ ખુબ તણાવભર્યો છે. બાળકી સાથે થયેલી નિર્દયતાના કારણે લોકો ઘટનાને નિર્ભયાકાંડ જેવી ગણાવી રહ્યાં છે. લોકોએ આરોપીને ફાંસી આપવાની માંગણી કરતા બંધના એલાનની પણ જાહેરાત કરી. બાળકી સાથે દુષ્કર્મ કરનારા આરોપીને પોલીસે બુધવારે રાતે જ પકડી લીધો હતો. લોકોએ તો એવી પણ જાહેરાત કરી કે આરોપીને ફાંસીને સજા આપ્યા બાદ તેના મૃતદેહને જિલ્લાના કબ્રસ્તાનમાં પણ જગ્યા નહીં અપાય. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આરોપીની ધરપકડ કરીને તેને પાંચ દિવસના રિમાન્ડમાં મોકલ્યો છે.
અત્રે જણાવવાનું કે 7 વર્ષની માસૂમ બાળકીનું મંગળવારે શાળાથી અપહરણ કરાયું અને ત્યારબાદ આરોપીએ બાળકી પર ખુબ જ અત્યાચાર ગુજાર્યાં. બાળકીની હાલત જોઈને ડોક્ટરો પણ થથરી ગયા હતાં. તેના પ્રાઈવેટ પાર્ટને ખુબ નુકસાન પહોંચાડ્યું. આ સાથે જ ગળુ ચીરીને તેની હત્યા કરવાની પણ કોશિશ કરી. મીડિયા રિપોર્ટ્સ મુજબ માસૂમ બાળકીના શરીર પર ઠેર ઠેર દાંતના નિશાન જોવા મળ્યા છે. બાળકીના ઘા એટલા ઊંડા છે કે ડોક્ટરોએ નેસોગેસ્ટ્રિક ટ્યૂબ લગાવવી પડી. ડોક્ટરોએ બાળકીનું ઓપરેશન કરવું પડ્યું અને આંતરડા કાપીને બહાર એક રસ્તો બનાવી પ્રાઈવેટ પાર્ટ્સને ઓપરેટ કરવામાં આવ્યા. માસૂમ સાથે હેવાનિયતની તમામ હદો પાર કરીને તેના નાજુક અંગોને ખુબ જ ખરાબ રીતે નુકસાન પહોંચાડાયું છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ એ હદે બર્બરતા આચરવામાં આવી છે કે બાળકીનું મળાશય સુદ્ધા ફાટી ગયું છે. પ્રાઈવેટ પાર્ટમાં તીક્ષ્ણ હથિયારથી વાર કરવામાં આવ્યો છે.
ઊંડી ઈજાઓના કારણે બે વાર સર્જરી કરવી પડી. બાળકીની ગરદન પર ઊંડો ઘા છે જેને હેવાન ઈરફાને ચાકૂથી કાપીને હત્યા કરવાની દાનતથી કર્યો હતો. શહેરની જનતા ઘટનાક્રમ બાદ આક્રોશિત છે અને સતત શાંતિપૂર્ણ પ્રદર્શન કરી રહી છે. ગુરુવારે પણ અનેક મહિલા સંગઠનોએ પ્રદર્શન કર્યા હતાં અને ગ્રામીણ વિસ્તારોમાં તથા પાડોશના જિલ્લા નીમચમાં આ ઘટનાના વિરોધમાં બંધનું આહ્વાન કરવામાં આવ્યું. પોલીસે ભરોસો અપાવ્યો છે કે 15 દિવસમાં સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમની મદદથી પોલીસ ડાયરી કોર્ટમાં રજુ કરશે અને ત્યારબાદ ફાસ્ટ ટ્રેક કોર્ટ જલદી આરોપીને સજા સંભળાવશે.
મુસ્લિમ સમુદાયે કર્યો આરોપીનો બહિષ્કાર
ઘટનાના વિરોધમાં અનેક મુસ્લિમ સમુદાય ગુરુવારે રસ્તાઓ પર જોવા મળ્યાં. વક્ફ અંજુમન ઈસ્લામ કમિટીના સભ્ય મોહમ્મદ યૂનુસ શેખે મંદસૌરના એસપી મનોજ સિંહ સમક્ષ આવેદન સોંપવા માટે શિષ્ટમંડળનું નેતૃત્વ કર્યું. તેમણે કહ્યું કે સમુદાયમાં આ પ્રકારના જઘન્ય અપરાધી માટે કોઈ જગ્યા નથી. અમે એવો નિર્ણય લીધો છે કે આ અપરાધીના શરીરને જિલ્લાના કોઈ પણ કબ્રસ્તાનમાં દફન થવા દઈશું નહીં.
વકીલોએ કેસ લડવાનો કર્યો ઈન્કાર
મંદસૌરના વકીલોએ પણ આરોપીનો કેસ લડવાનો ઈન્કાર કર્યો છે. મંદસૌર બાર એસોસિએશને ઈરફાનો બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો છે અને કહ્યું છે કે 100 વકીલોનું દળ પીડિતાના પક્ષમાં રહેશે.
શું છે મામલો?
મંદસૌરમાં મંગળવારે એક શાળાના 7 વર્ષની બાળકી ગૂમ થઈ અને ત્યારબાદ તેની સાથે દુષ્કર્મ થયું હોવાની પુષ્ટિ થઈ. પોલીસને પીડિત બાળકી 12 વાગ્યાની આસપાસ મંદસૌર બસ સ્ટેન્ડની પાછળ લક્ષ્મણ દરવાજા પાસે ઝાડીમાં નાળા નજીક ખરાબ અવસ્થામાં મળી આવી હતી. ત્યારબાદ બાળકી હાલત જોતા પોલીસે પહેલા તો બાળકીને જિલ્લા હોસ્પિટલમાં પહોંચાડી જ્યાં બાળકીની ગંભીર હાલતને ધ્યાનમાં લેતા ઈન્દોરની જિલ્લા હોસ્પિટલ રેફર કરાઈ.