સરકાર તરફથી તાજેતરમાં આઠમાં પગાર પંચની રચના અંગે મહત્વની જાહેરાત થઈ. પંચ આ વર્ષના અંત સુધીમાં પોતાનો રિપોર્ટ સોંપશે. આઠમાં પગાર પંચની જાહેરાત થયા બાદથી સરકારી કર્મચારીઓ વચ્ચે પગાર વધારા અંગે ચર્ચાઓ થઈ રહી છે. જ્યારે પગાર પંચની રચના કરવાની વાત સામે આવી તો કહેવાયું કે તેનાથી કર્મચારીઓના પગારમાં 186 ટકા સુધીનો વધારો થઈ શકે છે. પરંતુ હાલના રિપોર્ટ મુજબ કેન્દ્રીય કર્મચારીઓના પગારમાં 10% થી 30% સુધીનો વધારો થઈ શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જુલાઈ 2024ના આધાર પર કર્મચારીઓનું ડીએ 53%
 પગાર વધારા અંગે વાતીચત દરમિયાન ભારતના પૂર્વ નાણા સચિવ સુભાષ ચંદ્ર ગર્ગે એક ઈન્ટરવ્યુમાં કહ્યું કે ફિટમેન્ટ ફેક્ટરનું નિર્ધારણ 1 જાન્યુઆરી 2026ના રોજ લાગૂ બેઝિક પગાર અને મોંઘવારી ભથ્થા (ડીએ)ના આધારે કરાશે. અત્રે જણાવવાનું કે ફિટમેન્ટ ફેક્ટર એ મલ્ટીપ્લાયર હોય છે જેનાથી હાલની બેઝિક સેલરીને ગુણીને નવો પગાર નક્કી કરવામાં આવે છે. 1 જુલાઈ 2024ના આધાર પર કર્મચારીઓનું ડીએ 53% છે. જાન્યુઆરી 2026 સુધી તેમાં બે પછીના ડીએ (જાન્યુઆરી 2025 અને જુલાઈ 2025)ને જોડવામાં આવશે. જો બંને વખતમાં થઈને 7% વધારો માની લઈએ તો જાન્યુઆરી 2026 સુધીમાં ડીએ વધીને લગભગ 60% થઈ શકે છે. 


પગારમાં આટલો વધારો શક્ય
સુભાષ ચંદ્ર ગર્ગના જણાવ્યાં મુજબ 1.6ના શરૂઆતી ફેક્ટરથી આગળ વધતા પગારમાં 10% થી 30% સુધીનો વધારો શક્ય છે. 
20% વધારા પ્રમાણે ફિટમેન્ટ ફેક્ટર: 1.92 અને 30% વધારા પ્રમાણે ફિટમેન્ટ ફેક્ટર 2.06 હશે. સાતમાં પગાર પંચ હેઠળ ફિટમેન્ટ ફેક્ટર 2.57 હતું. તેને લાગૂ કર્યા બાદ લઘુત્તમ બેઝિક પગાર 7,000 રૂપિયાથી વધીને 18,000 રૂપિયા થઈ ગયું હતું. 


શું ફિટમેન્ટ ફેક્ટર 2.86 થશે?
કેટલાક રિપોર્ટ્સમાં ફિટમેન્ટ ફેક્ટર 2.86 સુધી વધવાની સંભાવના જતાવવામાં આવી રહી છે. તેનાથી લઘુત્તમ બેઝિક પગાર વધીને 51,480 રૂપિયા થઈ શકે તેમ હતો. જો કે જાણકારોનું માનવું છે કે પગારમાં આટલો વધારો થાય તે સંભવ નથી. આઠમાં પગાર પંચની  ભલામણોને 1 જાન્યુઆરી 2026થી લાગૂ કરાશે. કારણ કે સાતમાં પગાર પંચનો કાર્યકાળ 31 ડિસેમ્બર 2025ના રોજ પૂરો થઈ રહ્યો છે. 


પેન્શનર્સને પણ થશે ફાયદો
સરકારના આ નિર્ણયથી કેન્દ્રીય સરકારી પેન્શનર્સને પણ  ફાયદો થશે અને જાન્યુઆરી 2026થી તેમના પેન્શનમાં પણ વધારો થશે. અત્રે જણાવવાનું કે નવા પગાર પંચને દર 10 વર્ષે લાગૂ કરાય છે. છઠ્ઠું પગાર પંચ 1 જાન્યુઆરી 2006ના રોજ અને સાતમું પગાર પંચ 1 જાન્યુઆરી 2016ના રોજ લાગૂ કરાયું હતું. એ જ રીતે આઠમું પગાર પંચ 1 જાન્યુઆરી 2026ના રોજ લાગૂ થવાની શક્યતા વ્યક્ત કરાઈ રહી છે.