કેન્દ્ર સરકારના કર્મચારીઓમાં આઠમા પગાર પંચની રચનાને લઈને ડિમાન્ડ વધી રહી છે. સાતમા પગાર પંચને લાગૂ થયે લગભગ 9 વર્ષ થઈ ચૂક્યા છે અને હવે નવા પગાર પંચની રચનાની ચર્ચાઓ જોર પકડી રહી છે. સાતમા પગાર પંચની રચના ફેબ્રુઆરી 2014માં તત્કાલિન મનમોહન સિંહ સરકારે કરી હતી જેની ભલામણો જાન્યુઆરી 2016માં લાગૂ થઈ હતી. આ પગાર પંચ જાન્યુઆરી 2026માં 10 વર્ષ પૂરા કરશે. જો ગત વર્ષનો રેકોર્ડ જોઈએ તો દર 10 વર્ષે એક નવા પગાર પંચની રચના થાય છે. જો કે આઠમા પગાર પંચની રચનામાં વિલંબ થઈ રહ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નવા પગાર પંચથી શું ફાયદો?
પગાર પંચ સરકારી કર્મચારીઓના પગાર અને પેન્શનમાં સુધાર કરવા માટે જવાબદાર હોય છે. તે તમામ પક્ષો સાથે ચર્ચા કરીને પોતાની ભલામણો સરકારને સોંપે છે. આઠમા પગાર પંચને લઈને મીડિયા રિપોર્ટ્સનું એવું કહેવું છે કે તેની રચના જલદી થઈ શકે છે. 


ફિટમેન્ટ ફેક્ટરની મહત્વની ભૂમિકા
કર્મચારીઓના પગારમાં વધારા માટે ફિટમેન્ટ ફેક્ટરનો ઉપયોગ થાય છે. સાતમા પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર 2.57 રાખવામાં આવ્યું હતું. જેનાથી ન્યૂનતમ પગાર 7,000 રૂપિયાથી વધીને 18,000 રૂપિયા થયો હતો. આઠમા પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર 2.86 થવાની આશા છે. જો તે લાગૂ થશે તો લઘુત્તમ પગાર 18,000 રૂપિયાથી વધીને 51,480 રૂપિયા થઈ શકે છે. આ રીતે પેન્શન પણ 9,000 રૂપિયાથી વધીને 25,740 રૂપિયા થઈ શકે છે. 


કર્મચારી સંગઠનોની માંગણી
નેશનલ કાઉન્સિલ ઓફ જોઈન્ટ કન્સ્ટેટિવ મશીનરી (NC-JCM)એ નાણા સચિવ તુહિન કાંત પાંડે સાથે મુલાકાત કરીને આઠમા પગાર પંચની ઝડપથી રચના કરવાની માંગણી કરી. આ સંસ્થાએ બે મેમોરેન્ડમ સોંપ્યા છે. પહેલું મેમોરેન્ડમ જુલાઈ 2024માં તત્કાલિન કેબિનેટ સચિવ રાજીવ ગૌબાને અને બીજુ ઓગસ્ટ 2024માં તેમના ઉત્તરાધિકારી ટીવી સોમનાથનને સોંપવામાં આવ્યું. 


સરકારની જાહેરાતની રાહ જોવાય છે
2024-25ના કેન્દ્રીય બજેટ પહેલા એવી અટકળો લગાવવામાં આવી રહી હતી કે સરકાર આઠમા પગાર પંચની જાહેરાત કરી શકે છે. પરંતુ હજુ સુધી તેના પર કોઈ અધિકૃત જાહેરાત થઈ નથી. 


શું છે કર્મચારીઓની આશા
જો આઠમા પગાર પંચની રચના થાય તો લાખો સરકારી કર્મચારીઓ અને પેન્શનર્સને લાભ થશે. વધેલા પેન્શન અને પગારથી તેમને મોંઘવારીને પહોંચી વળવામાં મદદ મળશે. હવે બધા સરકારની અધિકૃત જાહેરાતની રાહ જોઈ રહ્યા છે.