ભવ્ય રામ મંદિરનું નિર્માણ થતાં જ અયોધ્યાના રઘુવંશી ક્ષત્રિયોની 9 પેઢીઓની બાધા થઈ પૂર્ણ
અયોધ્યામાં ભગવામ રામનું ભવ્ય મંદિર બને તે માટે અત્યાર સુધી અનેક રામ ભક્તોએ અત્યાર સુધી ઘણો સંઘર્ષ કર્યો છે. રામ મંદિર બને તે માટે ઘણા લોકોએ વર્ષોથી બાધાઓ પણ રાખી હતી. હવે રઘુકુળના રાજવંશજોની બાધા પૂર્ણ થઈ રહી છે.
અયોધ્યાઃ અયોધ્યામાં જ્યાં સુધી ભગવાન શ્રી રામનું ભવ્ય મંદિર નહીં બને ત્યાં સુધી માથા પર ના પહેરી પાઘડી. રઘુકુળના રાજવંશજો હોવા છતાં માથા પર ના ઓઢી છત્રી અને નવ-નવ પેઢીઓએ પોતાના લગ્ન પ્રસંગોમાં ક્યારેય ના બંધાવ્યો મંડપ. એટલું જ નહીં 500 વર્ષ સુધી રઘુકુળના આ વારસદારોએ પગમાં ચામડાના જૂતાં નહીં પહેરવાની પણ લીધી હતી બાધા. એ બાધા છેક નવમી પેઢીએ પૂરી થઈ છે ત્યારે રઘુવંશી ક્ષત્રિય રાજાઓના આ વારસદારો કેટલા ખુશ હશે તેની આ કહાની છે.
ભગવાન શ્રી રામ પણ રઘુકુળ વંશના રાજા હતા. અને પોતાના રાજા જ્યારે અયોધ્યા નગરીમાં મંદિર વિહોણા થયા ત્યારે તેમના વંશજોએ આક્રમણકારી બાબરના સેનાપતિ મીર બાકીને હંફાવવા માટે કેવી લડાઈ લડી હશે કે જેની કહાની આજે પણ સાંભળીએ તો રૂવાડાં ઊભાં થઈ જાય છે. આક્રમણકારી બાબરનો સેનાપતિ મીર બાકી લાખો સૈનિકો સાથે અયોધ્યા આવ્યો હતો. તેની સામે લડવા અયોધ્યા પંથકના સૂર્યવંશી ક્ષત્રીયોના પૂર્વજ ઠાકુર ગજરાજસિંહે 2 દિવસમાં 115 ગામના 90 હજાર સૂર્યવંશી ક્ષત્રિયોને ભેગા કરીને કસમ ખાધી હતી કે મીર બાકીને નહીં હરાવે તો તેઓ માથા પર પાઘડી નહીં પહેરે. માથા પર છતર નહીં ઓઢે અને પગમાં મોજડી નહીં પહેરે. સતત 7 દિવસ સુધી મુગલોની સેના સામે ઠાકુર ગજરાજસિંહની આગેવાનીમાં રાજપૂતો લડ્યા. લડતાં લડતાં શહીદી વહોરી પણ રામલલા માટે તેમણે લીધેલો સંકલ્પ ન તોડ્યો.
ભગવાન શ્રી રામ હવે પોતાના ભવ્ય મંદિરમાં બિરાજવા જઈ રહ્યા છે ત્યારે સમગ્ર દેશમાં ખુશીનો માહોલ છે. અયોધ્યામાં દિવાળીની જેમ દીવા પ્રગટાવાઈ રહ્યા છે. કરોડો હિંદુઓની આસ્થા સમાન રામ મંદિરમાં રામલલા બિરાજશે. ત્યારે સૌથી વધુ ખુશી છે રઘુકુળ વંશના આ વારસદારોને જેમની નવમી પેઢીને 500 વર્ષ અગાઉ લીધેલો સંકલ્પ પૂર્ણ કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે.
રઘુકુલ રીત સદા ચલી આઈ,,, પ્રાણ જાયે પર વચન ન જાઈ. આ રઘુકુળ વંશના રાજપૂતોની નવ-નવ પેઢીઓએ એક એવા સંકલ્પને પૂરો કરવા માટે ભગવાન શ્રી રામની તપસ્યા કરી છે કે તેનો જોટો નહીં જડે. કેમ કે, છેક 500 વર્ષ પછી રઘુપતિ રાઘવના વારસદારોની બાધા પૂરી થઈ છે. અને આ બાધા પૂરી કરવામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો જે સિંહફાળો છે તેને આવનારી અનેક સદીઓ અને પેઢીઓ યાદ રાખશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube