Monkeypox Case in Delhi: શું હવે મંકીપોક્સ બનશે ખતરો? દિલ્હીમાં વધુ એક સંક્રમિત, દેશમાં કુલ 8 કેસ
Monkeypox Case in Delhi: દિલ્હીમાં વધુ એક નાઈજીરિયન વ્યક્તિનો મંકીપોક્સનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ સાથે દિલ્હીમાં સંક્રમિતોની સંખ્યા ત્રણ થઈ ગઈ છે.
નવી દિલ્હીઃ દિલ્હીમાં મંકીપોક્સના વધુ એક કેસની પુષ્ટિ થઈ છે. નાઇજીરિયાના 35 વર્ષીય વ્યક્તિનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. સૂત્રોએ જણાવ્યું કે હાલમાં તેણે કોઈ યાત્રા કરી નથી. દિલ્હીમાં મંકીપોક્સના પોઝિટિવ કેસોની સંખ્યા ત્રણ થઈ ગઈ છે. તો દેશમાં અત્યાર સુધી કુલ 8 કેસ સામે આવ્યા છે.
એક દર્દીને હોસ્પિટલમાંથી રજા મળી
લોક નાયક જયપ્રકાશ હોસ્પિટલમાં દાખલ દિલ્હીના મંકીપોક્સના પ્રથમ દર્દીને સોમવારે રજા આપી દેવામાં આવી હતી. પશ્ચિમી દિલ્હીનો આ નિવાસી પાછલા મહિને મંકીપોક્સથી સંક્રમિત થયો હતો. અધિકારીઓએ જણાવ્યું કે તેના સંપર્કમાં આવેલા ડોક્ટર સહિત 14 લોકોને અલગ કરવામાં આવ્યા, પરંતુ તેમાં કોઈ લક્ષણ જોવા મળ્યા નહીં. તેમણે કહ્યું કે દર્દીને સોમવારે રાત્રે રજા આપી દેવામાં આવી છે.
કેરલમાં અત્યાર સુધી પાંચ કેસ નોંધાયા
દેશમાં અત્યાર સુધી મંકીપોક્સના આઠ કેસની પુષ્ટિ થઈ છે. આજે કેરલમાં યુએઈથી આવેલો 30 વર્ષનો વ્યક્તિ મંકીપોક્સથી સંક્રમિત થયો છે. આ સાથે રાજ્યમાં વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા પાંચ થઈ ગઈ છે.
આ પણ વાંચોઃ નેશનલ હેરાલ્ડ ઓફિસ સહિત 12 ઠેકાણા પર ED ના દરોડા, સોનિયા-રાહુલની પૂછપરછ બાદ કાર્યવાહી
રાજ્યના સ્વાસ્થ્ય મંત્રી વીના જોર્જે મંગળવારે કહ્યું કે વ્યક્તિ 27 જુલાઈએ કાલીકટ એરપોર્ટ પર ઉતર્યો હતો અને મલપ્પુરમ જિલ્લાની એક હોસ્પિટલમાં તેની સારવાર ચાલી રહી છે. મંત્રીએ કહ્યું કે તેની હાલત સ્થિર છે. વ્યક્તિના માતા-પિતા અને તેના સંપર્કમાં આવેલા અન્ય લોકો પર નજર રાખવામાં આવી રહી છે.
મંકીપોક્સનો પ્રથમ કેસ 14 જુલાઈએ કોલ્લમ જિલ્લામાં સામે આવ્યો હતો અને દર્દીને પાછલા સપ્તાહે હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી હતી. સંક્રમણનો બીજો કેસ 18 જુલાઈએ કન્નૂર જિલ્લામાં અને ત્રીજો કેસ મલપ્પુરમમાં 22 જુલાઈએ સામે આવ્યો હતો. આ બધા વિદેશથી પરત ફર્યા હતા.
કેરલ સરકારે સોમવારે કહ્યું હતું કે 30 જુલાઈએ જે 22 વર્ષીય વ્યક્તિનું મોત થયું હતું, તેના મંકીપોક્સથી સંક્રમિત થવાની પુષ્ટિ થઈ છે. આ દેશમાં મંકીપોક્સથી પ્રથમ મોત છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube