ઐતિહાસિક કાર્યક્રમની ભવ્ય તૈયારી, નેપાળના જનકપુરથી ભગવાન રામ માટે ભેટસોગાદો આવી
અયોધ્યામાં 22 જાન્યુઆરીએ ભગવાન શ્રીરામના ભવ્ય મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવાનો છે. આ માટે ભવ્ય તૈયારીઓ કરવામાં આવી રહી છે. રામ મંદિરને લઈને માત્ર ભારત જ નહીં નેપાળમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
અયોધ્યાઃ અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા માટેની તૈયારીઓ હવે અંતિમ તબક્કામાં પહોંચી રહી છે. જયપુરથી ભગવાન રામની પ્રતિમા આવ્યા બાદ હવે નેપાળથી ભગવાન માટે ભેટસોગાદો પણ અયોધ્યા આવી ચૂકી છે. આ માટે જનકપુરથી ધામધૂમથી ભાર યાત્રા રામનગરી આવી પહોંચી હતી...આ સાથે જ 15મી જાન્યુઆરીથી શરૂ થનારા કાર્યક્રમોની વિગતો પણ સામે આવી ગઈ છે. કેવો હશે એક સપ્તાહનો કાર્યક્રમ, જોઈએ આ અહેવાલમાં.
રામ મંદિરની પ્રતિષ્ઠાને આડે હવે બે સપ્તાહનો સમય બાકી છે. એક તરફ જ્યાં મંદિરનું નિર્માણ કાર્ય પૂરજોરમાં ચાલી રહ્યું છે, ત્યાં બીજી તરફ પ્રાણ પ્રતિષ્ઠા માટેની તૈયારીઓ પણ આગળ વધી રહી છે.
માતા સીતાનું વતન નેપાળનું જનકપુર હતું, ત્યારે જનકપુરના જમાઈ ભગવાન રામ માટે ખાસ ભેટ અયોધ્યા મોકલવામાં આવી છે. જનકપુરથી ભગવાન રામ માટે વસ્ત્રો, ફળો, મેવા અને ચાંદીના આભૂષણો સહિતની ભેટ શનિવારે અયોધ્યા પહોંચી હતી. ભેટના 1100 સજેલા થાળ સાથે નીકળેલી ભાર યાત્રામાં મોટી સંખ્યામાં સ્થાનિકો અને સાધુ સંતો જોડાયા હતા.
આ પણ વાંચોઃ ગુજરાતભરમાં ચર્ચાનો વિષય! સુરતમાં આ બેંકને RBI એ ફટકાર્યો 50 હજારનો દંડ, જાણો કેમ
રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા ભલે 22મી જાન્યુઆરીએ થશે, પણ આ માટેના કાર્યક્રમોની શરૂઆત એક સપ્તાહ પહેલા એટલે કે 15મી જાન્યુઆરીથી જ થઈ જશે. આ કાર્યક્રમો પર નજર કરીએ તો 15મીએ મંદિરના ગર્ભગૃહમાં ભગવાન રામના બાળ સ્વરૂપની પ્રતિમા સ્થાપિત કરવામાં આવશે. તેના બીજા દિવસે 16મીએ ભગવાનની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા માટેનું અનુષ્ઠાન શરૂ થશે. 17મીએ જૂલુસમાં ભગવાન રામની મૂર્તિને નગરચર્યાએ લઈ જવાશે. 18મીએ પ્રાણ પ્રતિષ્ઠા સમરોહ શરૂ થશે, જેમાં મંડપ પ્રવેશ પૂજા, વાસ્તુ પૂજા, વરુણ પૂજા, વિઘ્નહર્તા ગણેશ પૂજા અને માર્તિકા પૂજા જેવા અનુષ્ઠાન થશે. 19મી જાન્યુઆરીએ રામ મંદિરમાં યજ્ઞ અગ્નિકુંડની સ્થાપના થશે અને વિશેષ અનુષ્ઠાન હેઠળ પવિત્ર અગ્નિ પ્રજવલિત કરવામાં આવશે. 20મીએ રામ મંદિરના ગર્ભગૃહને 81 કળશથી પવિત્ર કરવામાં આવશે, જેમાં જુદી જુદી નદીઓના જળ હશે, આ જ દિવસે વાસ્તુ શાંતિ અનુષ્ઠાન પણ કરવામાં આવશે. 21મી જાન્યુઆરીએ યજ્ઞ સમારોહ દરમિયાન વિશેષ પૂજા અને હવન સાથે ભગવાન રામને 125 કળશ સાથે દિવ્ય સ્નાન કરાવવામાં આવશે. 22મી જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠાનો મુખ્ય કાર્યક્રમ યોજાશે. બપોરે મૃગશિરા નક્ષત્રમાં ભગવાન રામની ભવ્ય પૂજા થશે.
શુક્રવારે જ જયપુરથી ભગવાન રામની મૂર્તિ અયોધ્યા લાવવામાં આવી છે. સફેદ માર્બલમાંથી તૈયાર કરવામાં આવેલી મૂર્તિની સૌથી મોટી ખાસિયત એ છે કે તેમાં ભગવાન રામ અને વિષ્ણુનું મિશ્રણ છે. મૂર્તિમાં ભગવાનના બાળ સ્વરૂપના દર્શન કરી શકાય છે. હાલ અસ્થાયી મંદિરમાં જે રીતે ભગવાન રામની પૂજા કરવામાં આવે છે, ભવ્ય મંદિરમાં તે જ રીતે પૂજા કરવામાં આવશે.
આ પણ વાંચોઃ તમારો હોય કે પડોશીનો પણ કૂતરો કરડી જશે તો તમને થશે સજા, આ છે નવો કાયદો
22મી જાન્યુઆરીએ રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ ભલે કલાકો સુધી ચાલશે, પણ મંદિરમાં મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા ફક્ત 84 સેકન્ડમાં થશે. આ માટે ખાસ મુહૂર્તને અનુસરવામાં આવશે. મૂર્તિની પ્રતિષ્ઠાનો સમય બપોરે 12 વાગીને 29 મિનિટ અને 8 સેકન્ડ પર શરૂ થશે અને 12 વાગીને 30 મિનિટ અને 32 સેકન્ડ સુધી ચાલશે.
આ સાથે જ અયોધ્યામાં ભગવાન રામને 500 વર્ષ બાદ પાક્કું અને કાયમી સ્થાન મળશે. મંદિરમાં ભગવાન રામના દર્શન થઈ શકશે, સાથે સાથે મંદિર પરિસરમાં નિર્માણ કાર્ય પણ ચાલતું રહેશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube