હનુમાનગઢઃ રાજસ્થાનના હનુમાનગઢની એક સરકારી સ્કૂલમાં તૈનાત ફિઝિકલ ટ્રેનિંગ ઈન્સ્ટ્રક્ટર દ્વારા આત્મહત્યા કરવાના 18 દિવસ બાદ સ્યુસાઈડ નોટ વાયરલ થઈ છે. કેસની તપાસ કરી રહેલી પોલિસને સ્યુસાઈડ નોટ મળી છે, જેને તેના પરિવારના સભ્યોએ વાયરલ કરી હતી. આ સ્યુસાઈડ નોટમાં લખ્યું હતું કે, બૂથ લેવલ અધિકારીની મળેલી ચૂંટણી ડ્યુટીમાંથી રાહત ન મળતાં તેણે આત્મહત્યા કરી છે. જોકે, પોલિસે સ્યુસાઈડ નોટને રેકોર્ડમાં લઈને વધુ તપાસ હાથ ધરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હનુમાન જંક્શનના સેક્ટર-6માં રહેતા એક ફિઝિકલ ટ્રેનિંગ ઈન્સ્ટ્રક્ટર (પીટીઆઈ) સોહન સિંહે 9 નવેમ્બરના રોજ હનુમાન જંક્શનમાં પોતાના ઘરમાં જ આત્મહત્યા કરી લીધી હતી. પોલીસે આત્મહત્યાનો કેસ નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી. 


જોકે, આત્મહત્યાના 18 દિવસ બાદ તેના પરિજનોના હાથમાં એક સ્યુસાઈડ નોટ આવી છે, જેને તેમણે પોલિસને આપી છે. પોલિસ સૂત્રો અનુસાર, સ્યુસાઈડ નોટમાં લખ્યું છે કે, તેને ચૂંટણી ડ્યુટી મળવાને કારણે તે તણાવમાં હતો અને આ કારણે જ તે આત્મહત્યા કરી રહ્યો છે. 


જોકે, મૃતકના પરિજનોનો દાવો કંઈક અલગ છે. તેઓ હનુમાનગઢના એસપી અનિલ કયાલને પણ મળ્યા છે. તેમણે ચૂંટણી શાખામાં તૈનાત એક કર્મચારી પર મૃતક સોહન સિંહને માનસિક રીતે હેરાન કરવાનો આરોપ લગાવ્યો છે. 


પરિજનોએ એસપીને મળીને આરોપી કર્મચારી સામે કાર્યવાહી કરવાની માગણી કરી છે. ઉલ્લેખનીય છે કે, રાજસ્થાનમાં 200 વિધાનસભા સીટ માટે 7 ડિસેમ્બરના રોજ મતદાન યોજાશે.