જમ્મુ : જમ્મુ-કાશ્મીરના રાજૌરી જિલ્લામાં એલઓસીની નજીક શનિવારે પાકિસ્તાની સ્નાઈપરની ગોળી લાગવાથી એક સૈનિક શહીદ થયો હતો, જ્યારે કે, સીમાપારથી થયેલ ગોળીબારીમાં બીએસએફના બે જવાન ઘાયલ થયા હતા. અધિકારીઓએ આ જાણકારી આપી હતી. અધિકારીઓએ જણાવ્યું કે, શહીદ સૈનિક રાઈફલમેન વરુમ કત્તલ (ઉંમર 21 વર્ષ) જમ્મુ-કાશ્મીરના સાંબા જિલ્લાના માવા રાજપુરા ક્ષેત્રનો નિવાસી હતી. સુંદરબની સેક્ટરમાં સીમાપારથી એક સ્નાઈપર દ્વારા ચલાવવામાં આવેલ ગોળીથી તેમનું મોત થયું હતું, જેના બાદ બંને તરફથી ગોળીબારી શરૂ થઈ હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જમ્મુ-કાશ્મીરમાં નિયંત્રણ રેખાની નજીક ગત બે દિવસોમાં બીજીવાર સ્નાઈપર હુમલો કરવામાં આવ્યો છે. શુક્રવારે જમ્મુના અખનૂર સેક્ટરમાં આ રીતે થયેલા હુમલામાં સેનાના એક પોર્ટરનું મોત થયું હતું. એક રક્ષા પ્રવક્તાએ જણાવ્યું કે, સવારે અંદાજે પોણા દસ વાગ્યે સુંદરબની સેક્ટરમાં પાકિસ્તાને સંઘર્ષવિરામનું ઉલ્લંઘન કર્યું હતું. સીમાપારથી સ્નાઈપરે એક સૈનિક પર ગોળી વરસાવી હતી અને ઘાયલ સૈનિકનું સવારે 11.10 કલાકે મોત થયું હતું.


તેમણે કહ્યું કે, રાઈફલમેન કત્તલ બહાદુર અને નિષ્ઠાવાન સૈનિક હતા. રાષ્ટ્ર માટે સર્વોચ્ચ બલિદાન માટે દેશ હંમેશા તેમનો ઋણી રહેશે. તેમના પરિવારમાં માતા પિંકી રાની અને પિતા અચલસિંહ છે. તેમણે કહ્યું કે, ભારતીય સેનાએ જવાબ કાર્યવાહી કરી હતી અને પાકિસ્તાની ચોકીઓને યોગ્ય જવાબ આપવામાં આવ્યો હતો. અધિકારીઓએ જણાવ્યું કે, સુંદરબની સેક્ટરમાં એક સીમા ચોકી પર તૈનાત બીએસએફના બે કર્મચારી સાંજે પાકિસ્તાની ગોળીબારમાં ઘાયલ થયા હતા. તેઓને હોસ્પિટલમાં દાખલ કરાયા છે. 


ઉલ્લેખનીય છે કે, 21 ઓક્ટોબરના રોજ જમ્મુ-કાશ્મીર લાઈટ ઈન્ફેન્ટ્રી રેજિમેન્ટના ત્રણ સૈનિક અને હથિયારથી સજ્જ બે ઘૂસણખોરો માર્યા ગયા હતા. માનવામાં આવે છે કે, ઘૂસણખોરો પાકિસ્તાન સેનાની બોર્ડર એક્શન ટીમના સદસ્યો હતા. 6 નવેમ્બરના રોજ રાજૌરીના નૌશેરામાં કલાલ સીમામાં બીજી તરફથી સ્નાઈપર હુમલામાં એક સૈનિક ઘાયલ થયો હતો. પુંછ સેક્ટરના મંજાકોટમાં એલઓસી પાસે શુક્રવારે ગોળીબારીની અન્ય એક ઘટનામાં બીએસએફનો જવાન ઘાયલ થયો હતો. 


ગત 8-10 વર્ષ દરમિયાન આ વર્ષે પાકિસ્તાન તરફથી સંઘર્ષ વિરામ ઉલ્લંઘનની ઘટનાઓ સૌથી વધુ થઈ છે. ગૃહ મંત્રાલયે એક આરટીઆઈના જવાબમાં જણાવ્યું કે, આ વર્ષે પહેલા સાત મહિનામાં પ્રદેશમાં 1435 વાર સંઘર્ષવિરામનું ઉલ્લંઘન કરાયું છે. જેમાં 52 લોકો માર્યા ગયા છે, અને 232 લોકો ઘાયલ થયા છે.