NDA અને UPAના `આધાર`માં શું છે ફર્ક? નાગરિકોના હકોનો હવાલો આપી રાહુલે આપ્યું નિવેદન
આધારની ડિટેલની ગોપનિયતાને લઈને ઉઠી રહેલા સવાલો વચ્ચે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ વર્તમાન મોદી સરકાર પર પ્રહારો કર્યા છે.
નવી દિલ્હી: આધારની ડિટેલની ગોપનિયતાને લઈને ઉઠી રહેલા સવાલો વચ્ચે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ વર્તમાન મોદી સરકાર પર પ્રહારો કર્યા છે. રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને સમજાવ્યું કે UPA અને NDAના કાર્યકાળમાં બનેલા આધાર કાર્ડમાં શું અંતર છે અને તેના ધોરણો કેવી રીતે બદલાયા છે. તેમણે ટ્વિટ કરીને લખ્યું કે યુપીએનો આધાર એટલે નાગરિકોને સશક્ત બનાવવા માટેનું એક સ્વૈચ્છિક સાધન જ્યારે એનડીએનો આધાર એટલે નાગરિકોને નિશાન બનાવનારું અનિવાર્ય હથિયાર. સરકારી કલ્યાણકારી યોજનાઓના લાભ મેળવવા માટે આધારને અનિવાર્ય બનાવવાના કેન્દ્ર સરકારના વલણનો કોંગ્રેસ વિરોધ કરી રહી છે. અત્રે જણાવવાનું કે કોંગ્રેસ સરકારના સમયમાં આધાર યોજનાની શરૂઆત થઈ હતી.
આધારની ગોપનીયતા પર સરકારનું અજીબ નિવેદન
આધાર ડેટાના લીક થવા અંગે અંગે કેન્દ્ર સરકારે આ વર્ષની 11 તારીખે કહ્યું હતું કે દેશમાં ડિજિટલ ક્રાંતિ હેઠળ વિકાસ થઈ રહ્યો છે અને તેને પ્રાઈવસીની આડમાં ખતમ કરવો જોઈએ નહીં. બીજી બાજુ આધાર યોજનાનું અમલીકરણ કરાવનારા નંદન નીલેકણીએ કહ્યું કે આ યોજનાને બદનામ કરવાની આ સુનિયોજિત મુહિમ છે.
કાયદા મંત્રી રવિશંકર પ્રસાદે 12 અંકોના આધારનો મજબુતાઈથી બચાવ કરતા કહ્યું હતું કે આધાર સિસ્ટમમાં સ્ટોર કરાયેલો ફિંગર પ્રિન્ટ અને આંખોના સ્કેનિંગનો ડેટા સુરક્ષિત છે તથા તમામ કોશિશો બાદ પણ તે લીક થઈ શકે નહીં.
આધાર ડેટા લીક થયાનો અહેવાલ અખબારમાં છપાયો હતો
હાલમાં જ એક અખબારે આધાર ડેટા લીક થયો હોવાનો દાવો કર્યો હતો. ત્યારબાદ સમગ્ર આધાર યોજનાને લઈને ચર્ચા શરૂ થઈ ગઈ. સંબંધિત અખબાર ધ ટ્રિબ્યુન તથા તેના રિપોર્ટર વિરુદ્ધ યુઆઈડીએઆઈની ફરિયાદ પર પોલીસે એફઆઈઆર દાખલ કરી હતી. તેમણે એવી અપીલ કરી કે પ્રાઈવેટ ડેટામાં કથિત રીતે લીક થવાના મુદ્દે બહુ હોબાળો ન મચાવો જોઈએ. પ્રસાદ છઠ્ઠા વાર્ષિક આંતરરાષ્ટ્રીય વાણિજ્ય સંમેલનના ઉદ્ધાટન પ્રસંગે બોલી રહ્યા હતાં.
તેમણે કહ્યું કે 1980 અને 90ના દાયકામાં ભારત લાઈસન્સ રાજના કારણે ઔદ્યોગિત અને ઉદ્યમી ક્રાંતિઓથી ચૂકી ગયું હતું. તેમણે ન્યાયમૂર્તિ શ્રીકૃષ્ણા સમિતિનો ઉલ્લેખ કરતા કહ્યું કે પરંતુ હવે ભારતે ડિજિટલ ક્રાંતિથી ચૂકવું જોઈએ નહીં. તેમણે કહ્યું કે પ્રવાસ કરવો તે તમારો અંગત મામલો છે પરંતુ જો તમે ઉડાણ જેવી સાર્વજનિક પરિવહન સેવાનો ઉપયોગ કરો છો તો બધુ રેકોર્ડ થાય છે. તમે શું ખાઓ છો તે તમારો અંગત મામલો છે પરંતુ રેસ્ટોરામાં ખાઓ છો તે બિલના માધ્યમથી રેકોર્ડ થશે આથી પ્રાઈવસી મામલે બહુ હો હા મચાવી જોઈએ નહીં.