દિલ્હીમાં દોઢ દાયકો સરકાર ચલાવી ચૂકેલ કોંગ્રેસ અને ગત સાડા ત્રણ વર્ષથી દિલ્હી પર હૂકુમત કરી રહેલ આમ આદમી પાર્ટીના કાર્યકર્તા આજથી શહેરમાં ઘરે ઘરે જઈને ફાળો ઉઘરાવશે. બંને દળોની દલીલ છે કે, તેમનો ખજાનો ખાલી છે, તેથી જનતા અને કાર્યકર્તાઓના સહયોગથી જ આગામી લોકસભા ઈલેક્શનની તૈયારી કરવામાં આવશે. પ્રદેશ કોંગ્રેસ તરફથી લોકસંપર્ક અભિયાન શરૂ કરાયાની જાહેરાતના તરત બાદ આપએ પણ અભિયાનની જાહેરાત કરી દીધી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના નિર્દેશ પર પાર્ટીએ 2 ઓક્ટોબરથી જ તેનું લોકસંપર્ક અભિયાન શરૂ કરી દીધું હતું. દિલ્હીમાં તેની શરૂઆત 9 ઓક્ટોબરના રોજ થવાની હતી, પરંતુ હવે સોમવારથી આ અભિયાનનું અમલીકરણ કરી દેવાયું છે. પાર્ટી નેતાઓએ રવિવારે જ તેની જાહેરાત કરી દીધી હતી. 


પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અજય માકન કરોલ બાગથી તેની શરૂઆત કરશે. કોંગ્રેસ કાર્યકર્તા ઘર-ઘર જશે અને લોકોને કેન્દ્રની બીજેપી તથા દિલ્હીની આપ સરકારની અસફળતાઓની માહિતી આપશે. પાર્ટીએ બે અલગ-અલગ બૂકલેટ પણ બનાવી છે. 


કાર્યકર્તાઓને ફાળાની સ્લીપ પણ આપવામાં આવી છે. પાર્ટીના તમામ પૂર્વ સાંસદો, ધારાસભ્યો, કાર્યકર્તાઓ, જિલ્લાધ્યક્ષો તેમજ બ્લોક અધ્યક્ષો સહિત તમામ આનુષંગિક સંગઠનોના પદાધિકારીઓને આ અભિયાનમાં ભાગ લેવાની અપીલ કરવામાં આવી છે. દિલ્હી કોંગ્રેસની મુખ્ય પ્રવક્તા શર્મિષ્ઠા મુખરજી તેમજ પાર્ટી નેતા ચતર સિંહે રવિવારે પ્રદેશ કોંગ્રેસ ઓફિસમાં નવા અભિયાનની જાહેરાત કરી હતી. પાર્ટીના દિલ્હીના પ્રભારી પીસી ચાકોને પણ કહેવાયું છે કે, તમામ નેતાઓને પોતપોતાના વિસ્તારોમાં લોકસંપર્ક અભિયાનમાં ભાગ લેવાનો રહેશે. આ અભિયાન 19 નવેમ્બર સુધી ચલાવવામાં આવશે. 


આમ આદમી પાર્ટીની હાલત પણ ખરાબ
બીજી તરફ, આમ આદમી પાર્ટીના દિલ્હીના સંયોજક ગોપાલ રાયે રવિવારે કાર્યકર્તાઓને કહ્યું કે, પાર્ટીની પાસે રૂપિયાની ઘણી તંગી છે. આ આર્થિક તંગની ધ્યાનમાં રાખીને સોમવારે તાલકટોરા સ્ટેડિયમમાં પાર્ટી કાર્યકર્તાઓનું એક સંમેલન બોલવવામાં આવ્યું છે. આ સંમેલનમાં માસિક ફાળા માટે ‘તમારું દાન રાષ્ટ્ર નિર્માણ’ નામથી રાષ્ટ્રીય અભિયાનની શરૂઆત કરવામાં આવશે. જે અંતર્ગત પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ આ અભિયાનની શરૂઆત કરાવશે. આ અંતર્ગત પાર્ટી એક હેલ્પલાઈન નંબર પણ જાહેર કરશે. તેના પર મિસ્ડ કોલ આપીને નાગરિકો મદદ કરી શકશે. પાર્ટી આ અભિયાનને સોશિયલ મીડિયા પર પણ લઈ જશે. પાર્ટીએ સ્પષ્ટ કર્યું છે કે, 2000 રૂપિયાછી વધુનો ફાળો નહિ લેવામાં આવે. 


તો બીજી તરફ ભાજપની વાત કરીએ તો ભાજપની ફાળાની રકમ સતત વધતી જાય છે. તાજેતરમાં આવેલ રિપોર્ટ અનુસાર, ભારતીય જનતા પાર્ટીના ફાળામાં 81 ટકાનો વધારો થયો હતો. જ્યારે કે કોંગ્રેસ પાર્ટીનું ફંડ 14 ટકા ઘટ્યું હતું. ઈલેક્શન વોચડોગ એસોસિયેશન ઓફ ડેમોક્રેટિક રિફોર્મ્સના રિપોર્ટ અનુસાર, સત્તારૂઢ ભાજપની આવક 2015-16માં 570.86 કરોડથી વધીને 2016-17માં 1034 કરોડ થઈ ગઈ છે. જ્યારે કે કોંગ્રેસની આવક 2015-16માં 261.56 કરોડથી ઘટીને 2016-17માં 225.36 કરોડ થઈ ગઈ હતી. જેમાં 36.20 કરોડનો ઘટાડો દેખાયો હતો. 


કોઈ પણ ડેમોક્રેસીમાં દરેક પોલિટીકલ પાર્ટીને સંચાલન માટે તો રૂપિયાની જરૂર પડે છે. ત્યારે દિલ્હીમાં કોંગ્રેસ અને આપની તળિયાઝાટક સ્થિતિ સ્પષ્ટ દેખાઈ રહી છે.