AAP: ગુજરાતમાં આવું થવા પાછળ શું કારણ? જાણો અરવિંદ કેજરીવાલની રણનીતિ ક્યાં નિષ્ફળ ગઈ
આમ આદમી પાર્ટીની ગુજરાતમાં સ્થિતિ વિશે વાત કરીએ તો વર્ષ 2021માં સુરતમાં જે પ્રદર્શન જોવા મળ્યું હતું તે જોતા પાર્ટી આગળ ગુજરાતમાં ડંકો વગાડશે તેવું કહેવાતું હતું. પરંતુ હવે આમ આદમી પાર્ટી ગુજરાતમાં જાણે વિખરતી હોય તેવી જોવા મળી રહી છે. સ્થિતિ એવી છે કે તેના નેતાઓ પણ પાર્ટી છોડીને અન્ય રાજકીય પક્ષોમાં જઈ રહ્યા છે.
Gujarat AAP Politics : ગુજરાતના રાજકારણમાં એક સમયે કેજરીવાલનો દબદબો શરૂ થયો હતો. એવો માહોલ ઉભો થયો હતો કે ગુજરાતમાં ભાજપનો વિકલ્પ બની રહેશે પણ હાલમાં આપનો દીવો ધીમેધીમે ઓલવાઈ રહ્યો છે. વિધાનસભાની ચૂંટણી પહેલાં આમ આદમી પાર્ટીએ ખૂબ ઝડપથી પોતાનો વિસ્તાર કર્યો હતો. પાર્ટીએ આ રાજ્યના દમ પર જ રાષ્ટ્રીય પાર્ટીનો દરજ્જો પણ મેળવ્યો હતો. ગત વિધાનસભા ચૂંટણીમાં બધાને ચોંકાવીને પાર્ટીએ 5 બેઠકો જીતી હતી અને વોટશેર પણ 12 ટકા જેટલો હતો. પરંતુ હવે આમ આદમી પાર્ટી ગુજરાતમાં જાણે વિખરતી હોય તેવી જોવા મળી રહી છે. સ્થિતિ એવી છે કે તેના નેતાઓ પણ પાર્ટી છોડીને અન્ય રાજકીય પક્ષોમાં જઈ રહ્યા છે.
ઈશુદાન ગઢવી શોધી રહ્યાં છે અસ્તિત્વ..
આમ આદમી પાર્ટીની ગુજરાતમાં સ્થિતિ વિશે વાત કરીએ તો વર્ષ 2021માં સુરતમાં જે પ્રદર્શન જોવા મળ્યું હતું તે જોતા પાર્ટી આગળ ગુજરાતમાં ડંકો વગાડશે તેવું કહેવાતું હતું. કારણ કે તે વખતે સુરત મહાનગર પાલિકાની ચૂંટણીમાં 27 બેઠકો જીતી હતી. ત્યારે પાર્ટીએ કોંગ્રેસને પછાડીને મુખ્ય વિપક્ષી દળનું પદ પણ મેળવ્યું હતું. ત્યારબાદ વિધાનસભા ચૂંટણી આવી તો અપેક્ષા વધી અને પાર્ટીએ 5 સીટો જીતી. પરંતુ હવે જાણે સ્થિતિ જ પલટાતી જોવા મળી રહી છે. ઈશુદાન ગઢવી પોતાનું અસ્તિત્વ શોધી રહ્યાં છે. પાર્ટીએ મુખ્યમંત્રી પદના ઉમેદવાર તો બનાવી દીધા પણ હોમગ્રાઉન્ડમાં જ પ્રદર્શન ન કરી શકયા...ટાઈગર અભી જિંદા હૈની સોશિયલ મીડિયા પર વાતો કરતા ઈસુદાન ગઢવી સારી રીતે સમજી ચૂકયા છે કે પત્રકારત્વ વિના ઉદ્ધાર નથી. પાર્ટીએ વિધાનસભાની ચૂંટણી સમયે ખુલ્લી છૂટ આપી હતી. જેઓ કોંગ્રેસનો વિકલ્પ તો ના બની શક્યા પણ ભાજપની બી ટીમ બનીને કોંગ્રેસનું અસ્તિત્વ ભૂસવામાં કારણ જરૂર બન્યા હતા. ગુજરાતની એવી ઘણી સીટો હતી જેમાં આપને કારણે કોંગ્રેસ હારી હતી. આજે પાર્ટી વિખરાયેલી હોય કેમ નેતાઓ અલગ અલગ કામગીરી કરી રહ્યાં છે.
ભરૂચમાં 43 કાર્યકરોના રાજીનામા..
ભરૂચ બેઠકથી આમ આદમી પાર્ટી તરફથી ચૂંટણી લડવાનું સપનું જોતા ચૈતર વસાવા હાલ પોલીસ કેસ સામે ઝઝૂમી રહ્યા છે. અધિકારીઓ સાથે ગેરવર્તણૂંક બદલ કેસ દાખલ છે. તેમના પત્ની પણ આ કેસમાં ફસાયેલા છે. એ જ રીતે આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ અને રાજ્યસભા સાંસદ સંજય સિંહ ઉપર પણ માનહાનિનો કેસ ચાલુ છે. બંનેએ ચૂંટણી સમયે પીએમ મોદીની ડિગ્રી અંગે અનેક સવાલ ઉઠાવ્યા હતા જે બાબતે કેસ ચાલે છે. ગુજરાતના ભરૂચમાંથી થોડા દિવસો પહેલાં જ એક સાથે 43 કાર્યકરોએ રાજીનામા આપી દીધા હતા. ભલે આપ સોશિયલ મીડિયા પર ગમે તે વાતો કરે પણ સોશિયલ મીડિયાની પાર્ટી હોય તેમ ઘીરેધીરે કાર્યકરો અને નેતાઓ ગુમાવી રહી છે.
બીજા એક નેતાની વાત કરીએ તો ઈશુદાન ગઢવી જે વિધાનસભા ચૂંટણીમાં મુખ્યમંત્રીના ચહેરા હતા તેઓ પણ વળી પાછા પોતાના કામ પર પાછા ફરતા જોવા મળ્યા છે. હાલ ટીવી પર એક શો કરી રહ્યા છે. એ જ રીતે ગોપાલ ઈટાલિયા વકીલાતમાં વ્યસ્ત છે. ઈન્દ્રનિલ રાજગુરુએ પણ નેશનલ જોઈન્ટ સેક્રેટરીના પદેથી રાજીનામું આપ્યું હતું. જો કે ગોપાલ ઈટાલિયા તો હજુ પણ એવી ખાતરી ધરાવે છે કે પાર્ટી ગુજરાતમાં વાપસી કરશે. મીડિયા રિપોર્ટ મુજબ તેમનું કહેવું છે કે એ વાત સાચી છે કે અનેક લોકોએ પાર્ટી છોડી દીધી છે પરંતુ તેનો અર્થ એ નથી કે આમ આદમી પાર્ટી નબળી પડી. અમારી વિચારધારા નવી છે, બીજી પાર્ટીઓ જેવી નથી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube