કેજરીવાલના કેબિનેટ મંત્રીની હાજરીમાં હિન્દુઓનું ધર્માંતરણ! વીડિયો વાયરલ થતા AAP સામે આક્રોશ
વિજયાદશમીના દિવસે દિલ્લાના કારોલ બાગ ખાતે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં હિન્દુઓનું અન્ય ધર્મમાં ધર્માંતરણ કરવામાં આવ્યું. જેમાં હિન્દુઓને બૌદ્ધ ધર્મનો અંગિકાર કરવા માટે દિક્ષા કાર્યક્રમમાં કરવામાં આવ્યો.
હિતેન વિઠ્ઠલાણી, દિલ્લીઃ દિલ્લીના આમ આદમી પાર્ટીના એક વીડિયોએ હાલ ગુજરાત સહિત દેશભરમાં હંગામો મચાવ્યો છે. કારણકે, આ વીડિયોમાં હિન્દુઓનું અન્ય ધર્મમાં ધર્માંતરણ કરાવવામાં આવી રહ્યું છે. દિલ્લીમાં આમ આદમી પાર્ટીના સિનિયર નેતા, કેજરીવાલની કેબિનેટના મેમ્બર અને દિલ્લીની આપ સરકારના સમાજ કલ્યાણ મંત્રી રાજેન્દ્ર ગૌતમે સામૂહિક ધર્માંતરણ કરાવ્યાનો આરોપ લાગ્યો છે. બૌદ્ધ ધર્મમાં ધર્માંતરણ કરાવી હિન્દુ દેવી-દેવતાઓની પૂજા ન કરવાના શપથ લેવડાવ્યા હોવાનો વીડિયો હાલ વાયુવેગે વાયરલ થઈ રહ્યો છે.
સનાતન ધર્મ અને હિન્દુ દેવી દેવતાઓની નિંદા કરતો વીડિયો વાયરલ થતાં ભારે વિવાદ છેડાયો છે. અને લોકોમાં આ મુદ્દે કેજરીવાલ અને આમ આદમી પાર્ટી સામે આક્રોશ જોવા મળી રહ્યો છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલાં આપના મંત્રીની આવી હરકત કેજરીવાલને ભારે પડી શકે છે. દિલ્લીમાં આમ આદમી પાર્ટીના સમાજ કલ્યાણ મંત્રી રાજેન્દ્ર ગૌતમની હાજરીમાં સામૂહિક ધર્માંતરણની ઘટના સામે આવી છે. સામૂહિક ધર્માંતરણ દરમિયાન કેબિનેટ મંત્રીએ હાજરી આપતા વિવાદ થયો છે. રાજેન્દ્ર ગૌતમે સામૂહિક ધર્માંતરણ કાર્યક્રમમાં સનાતન ધર્મ અને હિન્દુ દેવી દેવતાઓની નિંદા પણ કરી હતી. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
મળતી માહિતી મુજબ બુધવારે વિજયાદશમીના દિવસે કરોલબાગમાં રાની ઝાંસી રોડ પર આવેલા આંબેડકર ભવનમાં રાજેન્દ્ર ગૌતમની હાજરીમાં એક કાર્યક્રમ યોજાયો હતો. આ દરમિયાન કેટલાક લોકોએ બૌદ્ધ ધર્મની દીક્ષા લીધી હતી.. અને તેમણે શપથ લીધા હતા કે, તેઓ હિન્દુ દેવી-દેવતાઓની પૂજા નહી કરે. આ મુદ્દે ઝી 24 કલાકે એક જવાબદાર મીડિયા તરીકે અનેક સવાલ ઉઠાવ્યાં છે તો બીજી તરફ ભાજપ-કોંગ્રેસ સહિતના વિવિધ પક્ષો પણ પોતાની પ્રક્રિયાઓ આપી રહ્યાં છે.
ZEE 24 કલાક આ મુદ્દે અનેક સવાલ ઉઠાવી રહ્યું છેઃ
શું AAPને હિંદુ ધર્મ સામે કોઈ વાંધો છે?
AAP મંત્રીને દેવી-દેવતાઓ સામે કેમ વાંધો?
શું કેજરીવાલ આ મામલે કોઈ કાર્યવાહી કરશે?
કેમ પૂજા ન કરવાના શપથ લેવડાવ્યા?
સનાતન ધર્મ સાથે આ તે કેવી દુશ્મની?
AAP નેતાને પૂજા સામે શું વાંધો છે?
શું AAP ધર્મ પરિવર્તનની એજન્સી બની ગઈ છે?
શું આમ આદમી પાર્ટી હિંદુ વિરોધી છે?
ચૂંટણીમાં મંદિરોમાં દર્શન માટે કેમ જાય છે AAP નેતાઓ?
કેમ હિંદુ ધર્મ આમ આદમી પાર્ટીને આંખોમાં ખૂંચે છે?
જર્યોતિનાથ મહારાજ, આદ્યાત્મિક ગુરુએ ઝી 24 કલાક સાથેની વાતચીતમાં જણાવ્યુંકે, આમ આદમી પાર્ટી હિન્દુ વિરોધી છે. ગુજરાતની જનતા આ ઢોંગીઓને કોઈભોગે સાંખી નહીં લે. રાજનીતિથી અમારે કોઈ લેવા દેવા નથી. પણ આવા હિન્દુ ધર્મના વિરોધી તત્ત્વોને અમે ચલાવી નહીં લઈએ. ગુજરાતમાં આવી બાબતોને કોઈ સ્થાન નથી.
ગુજરાત પ્રદેશ ભાજપના પ્રવક્તા યજ્ઞેશ દવેએ આ મુદ્દે જવાબ આપતાં જણાવ્યુંકે, કેજરીવાલના મંત્રી રાજેન્દ્ર પાલની હાજરીમાં એવા શપથ લેવડાવવામાં આવે છેકે, હું ભગવાન શંકરને માનીશ નહીં, હું ભગવાન કૃષ્ણને માનીશ નહીં. આ વસ્તુ કોઈ ભોગે ચલાવી લેવામાં આવશે નહીં. ગોપાલ ઈટાલિયાને પણ મારે કહેવું છે કે હિન્દુ હોવાના ખોટા નાટક કરે છે. ગોપાલ ઈટાલિયા અને કેજરીવાલને પણ ગુજરાતની જનતા સારી રીતે ઓળખે છે. આ અગાઉ પણ ગોપાલ ઈટાલિયાએ ભગવાન કૃષ્ણ વિશે વિવાદિત ટિપ્પણી કરીને પછી માફી માંગવાનો ઢોંગ કર્યો હતો.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા હેમાંગ રાવલે જણાવ્યુંકે, આમ આદમી પાર્ટી માટે આવી બાબતો નવી નથી. ગોપાલ ઈટાલિયા પણ ગુજરાતમાં આવી કરી ચૂક્યાં છે. ગુજરાત સનાતન ધર્મને માને છે. અને હિન્દુ ધર્મના વિરોધીઓ છે આપવાળા. દિલ્લીમાં ચાલતુ હશે પણ ગુજરાતમાં આવું ચાલશે નહીં.