લોકસભા ચૂંટણી 2024: ગુજરાતની 26 બેઠકો કબજે કરવાનું BJPનું સપનું રોળાશે? AAP નેતાના એક દાવાથી ખળભળાટ
આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ અને ગુજરાત પ્રભારી ડો. સંદીપ પાઠકે એક એવો દાવો કર્યો છે કે ગુજરાતના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. ત્યારે પ્રશ્ન એ થાય કે શું આ વખતે ભાજપની 26 બેઠકો કબજે કરવાનું સપનું રોળાશે કે શું?
આમ આદમી પાર્ટીમાં નંબર બેનો દબદબો ધરાવતા રાજ્યસભા સાંસદ સંદીપ પાઠકે ચોંકાવનારો દાવો કર્યો છે. પોતાની ગુજરાત મુલાકાત દરમિયાન તેમણે કહ્યું કે ભાજપ રાજ્યમાં લોકસભાની પહેલી બેઠક આમ આદમી સામે હારશે. અત્રે જણાવવાનું કે હાલ ગુજરાતની તમામ 26 બેઠકો પર ભાજપનો કબજો છે. એટલું જ નહીં છેલ્લી બે લોકસભા ચૂંટણીથી કોંગ્રેસને એક પણ સીટ મળી નથી.
અમદાવાદમાં યોજાયેલી પ્રદેશ કારોબારી બેઠકમાં કરેલા સંબોધનમાં પાઠકે એમ પણ કહ્યું કે નવા વર્ષે પહેલા અઠવાડિયામાં 7 તારીખે અરવિંદ કેજરીવાલ ગુજરાત આવશે. તેમણએ વિધાયક દળના નેતા ચૈતર વસાવાના પત્ની વર્ષાબેન સાથે મુલાકાત પણ કરી. પાર્ટી કાર્યકારિણી બેઠકમાં તેમને મંચ પર બેસાડવામાં આવ્યા. નોંધનીય છે કે ચૈતર વસાવા વનકર્મીઓને ધમકાવવા અને ફાયરિંગના મામલે પહેલી પત્ની અને પીએ સહિત કેટલાક અન્ય સાથે હજુ પણ જેલમાં છે.
પાઠકે એમ પણ કહ્યું કે 7 જાન્યુઆરીએ કેજરીવાલ ગુજરાત આવશે. તેઓ ચૈતર વસાવાની વિધાનસભામાં સભા કરશે. પાર્ટી નેતાઓ સાથે બેઠક પણ કરશે. અરવિંગ કેજરીવાલ સાથે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન પણ આવશે. તેમણે કહ્યું કે આમ આદમી પાર્ટી લોકસભા ચૂંટણી મજબૂતાઈથી લડશે અને સારું પરિણામ લાવશે. તેમણે આ સાથે એમ પણ કહ્યું કે ચૈતર વસાવાના ખોટા કેસમાં ફસાવવામાં આવ્યા છે, ભાજપને ચૈતર વસાવાથી જોખમ મહેસૂસ થઈ રહ્યું છે. આ ઉપરાંત સંદીપ પાઠકે કહ્યું કે આજે ગુજરાતમાં મોટા પાયે નશીલી દવાઓ મળી રહી છે.
આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ અને ગુજરાત પ્રદેશ પ્રભારી ડો. સંદીપ પાઠકે કહ્યું કે ગત વિધાનસભા ચૂંટણીમાં ગુજરાતના 40 લાખથી વધુ મતદારોએ આપને મત આપ્યો હતો. એ વાત ભાજપને હજુ પણ પચી રહી નથી. આથી તેઓ આપ વિરુદ્ધ ષડયંત્ર રચે છે. પાઠકે પ્રદેશ કાર્યાલયમાં વિધાયક ચૈતર વસાવાની ધર્મ પત્ની અને તેમના પરિવાર સાથે મુલાકાત કરી અને મદદ માટે આ શ્વાસન આપ્યું. પાઠકે કહ્યું કે લોકસભા ચૂંટણી કઈ સીટો પર લડાશે તેનો નિર્ણય તો INDIA ગઠબંધનની કમિટી કરશે. અમે જોયું છે કે ચૈતર વસાવા એક ખુબ લોકપ્રિય નેતા છે, આથી અમે નિશ્ચિત થઈ શકીએ છીએ કે જો ભાજપ ગુજરાતમાં કોઈ પહેલી સીટ હારશે તો તે ચૈતર વસાવા સામે હશે. અત્રે જણાવવાનું કે ચૈતર વસાવા ભરૂચ લોકસભા બેઠકથી ચૂંટણી લડશે તેવું નિવેદન પાર્ટી નેતા ગોપાલ ઈટાલિયાએ આપ્યું હતું.
તેમણે એક સવાલના જવાબમાં એમ પણ કહ્યું કે જ્યારથી ગુજરાતમાં આમ આદમી પાર્ટીએ 5 સીટ જીતી છે ત્યારથી ભાજપ પોતાની તમામ મહેનત છોડીને આપના વિધાયકોને તોડવામાં લાગ્યો છે. એ વાત ગુજરાતની જનતા પણ જાણે છે. વિસાવદરના લોકોએ આપને મત આપ્યો હતો. જ્યારે પણ ત્યાં ફરીથી ચૂંટણી થશે તો આપ ફરી જીતશે. વિધાયક તોડવાના કામને કારણે લોકો ભવિષ્યમાં પણ ભાજપને યાદ રાખશે.