નવી દિલ્લીઃ આખરે દિલ્લીમાં 13 દિવસ બાદ આમ આદમી પાર્ટી માટે એક ખુશીની રાત આવી છે.. જ્યારે આમઆદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ અને દિગ્ગજ નેતા સંજયસિંહ જેલની બહાર આવ્યા.. આ સાથે જ એક આશાવાદ જન્મ્યો છે કે, બહુ જલદી જ કેજરીવાલ પણ બહાર આવશે.. જોકે આ આશા પૂર્ણ થશે કે નહીં તે મોટો પ્રશ્ન છે.. દિલ્લી હાઈકોર્ટમાં આજે કેજરીવાલને રાહત મુદ્દે ધારદાર દલીલો થઈ.. પરંતુ નિર્ણય હજુ આવ્યો નથી... દિલ્લી હાઈકોર્ટે નિર્ણય સુરક્ષિત રાખ્યો છે.. જે આવતીકાલે આવી શકે છે. ત્યારે દિલ્લી માટે આજનો દિવસ કેવો રહ્યો તે જાણવા માટે જોઈએ આ સ્પેશયલ રિપોર્ટ..



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આમઆદમી પાર્ટીના રાજ્ય સભા સાંસદ સંજયસિંહ આખરે તિહાડ જેલની બહાર આવી ગયા છે.. 6 મહિના બાદ સંજયસિંહ દિલ્લીની હવામાં શ્વાસ લઈ રહ્યા છે... સુપ્રીમ કોર્ટે રાહત આપતા તેઓ આજે જેલની બહાર આવ્યા..  જોકે સીએમ કેજરીવાલને રાહત મળશે કે નહીં તે એક મોટો સવાલ છે... અરવિંદ કેજરીવાલની ધરપકડ અને રિમાન્ડના વિરુદ્ધમાં દિલ્લી હાઈકોર્ટમાં અરજી કરાઈ હતી... જેમા દિલ્લી હાઈકોર્ટે નિર્ણય સુરક્ષિત રાખ્યો છે.. હજુ આવતીકાલે પણ બંને પક્ષ પોતપોતાની દલીલો કરી શકશે... જે બાદ હાઈકોર્ટ પોતાનો નિર્ણય સંભળાવશે. જોકે કાયદાકીય આ લડાઈ વચ્ચે આમ આદમી પાર્ટીએ કેજરીવાલની ખરાબ તબિયતનો મુદ્દો ઉઠાવીને ઈડીની કાર્યવાહી સામે સવાલ કર્યા.. 


અરવિંદ કેજરીવાલને રાહત આપવાની અરજી પર હાઈકોર્ટમાં સુનાવણી દરમિયાન બંને પક્ષ વચ્ચે જોરદાર દલીલો થઈ... અરવિંદ કેજરીવાલ તરફથી રિમાન્ડ અને ધરપકડનો વિરોધ કરતા વકીલ અભિષેક મનુ સિંઘવીએ કહ્યું કે, લોકસભાની ચૂંટણી આવી છે એટલે કેજરીવાલની ધરપકડ કરાઈ..  કેજરીવાલ ચૂંટણીમાં પ્રચાર ન કરી શકે તે માટે ધરપકડ કરાઈ છે... કારણ કે ઓક્ટોબરમાં પ્રથમ સમન્સ પાઠવ્યા હતા, જ્યારે કે માર્ચમાં ધરપકડ કરાઈ.... 
અભિષેક મનુ સિંઘવીએ વધુમાં દલીલ કરી કે, PMLA અંતર્ગત ધરપકડ માટે કોઈ પુરાવા નથી.. અરવિંદ કેજરીવાલની ધરપકડનો ટાઈમિંગ ઈડીની મંશા સામે સવાલ ઉઠાવે છે... સિંઘવીએ કહ્યું કે, ઈડી હજુ સુધી મની ટ્રેલ સાબિત નથી કરી શકી, કોઈ પુરાવા એકત્ર કરી નથી શકી.. માત્ર સરકારી સાક્ષીઓના નિવેદન પર ધરપકડની કાર્યવાહી કરી છે.. 


સિંઘવીએ કોર્ટમાં કહ્યું કે, સમન્સ ગેરકાયદેસર હતા એટલે તેને પડકાર્યા હતા, હવે ધરપકડની કાર્યવાહીને અમે પડકારીએ છીએ.. જો આવું જ હતું તો પહેલા સમન્સ અને ધરપકડ વચ્ચે કેમ કેજરીવાલનું નિવેદન લેવાયું નહીં ?


ઈડી તરફથી AGS એસવી રાજૂએ ધારદાર દલીલો કરી હતી.. તેમણે કહ્યું કે,  કેજરીવાલ વિરુદ્ધ અમારી પાસે સાક્ષીઓના નિવેદન છે, વોટ્સએપ ચેટ્સ, હવાલા ઓપરેટરના પણ નિવેદન છે.. અમે કોઈ અંધારામાં તીર નથી ચલાવતા, અમારી પાસે ITના પણ ડેટા છે..


એસવી રાજૂએ વધુમાં કહ્યું કે, જ્યારે કોઈ પ્રભાવશાળી વ્યક્તિ ગુનામાં સામેલ હોય તો પુરાવા એકત્ર કરવા મુશ્કેલ બનતા હોય છે, આવા સમયે સરકારી સાક્ષીઓ પર વિશ્વાસ કરી શકાય છે. 


એસવી રાજુએ સંજયસિંહનો મુદ્દો ઉઠાવતા કહ્યું કે, સંજયસિંહની ગેરકાયદે ધરપકડ મુદ્દેની અરજી પર દિલ્લી હાઈકોર્ટનો આદેશ હજુ કાયમ છે, સુપ્રીમ કોર્ટે તેમા કોઈ હસ્તક્ષેપ નથી કર્યો.. માત્ર અમારી તરફથી અપાયેલી રાહત બાદ જામીન મળ્યા છે.


એસવી રાજુએ ગત સુનાવણીનો ઉલ્લેખ કરતા સવાલ ઉઠાવ્યો કે, અગાઉ કેજરીવાલે જ કહ્યું હતું કે રિમાન્ડનો આદેશ થાય તો કોઈ વાંધો નથી.. તો પછી હવે કેમ હાઈકોર્ટમાં અરજી કરી રહ્યા છે ? તમે એક સમયે બે ઘોડા પર સવારી ન કરી શકો, આ અરજીને રદ કરવી જોઈએ... 



એસવી રાજુએ દલીલ દરમિયાન કહ્યું કે, તેઓ કહે છે કે કેજરીવાલના ઘરથી કશું મળ્યું નથી.. પરંતુ રૂપિયા તો ગોવા ચૂંટણીમાં વાપરી નાખ્યા... જ્યારે રૂપિયા બીજાને આપી દીધા હોય તો ઘરે ક્યાંથી મળે.. 


કોર્ટમાં એસવી રાજુએ ઈડીની દૂવિધાની પણ વાત કરી.. કહ્યું કે, અમે થોડી દૂવિધામાં છીએ.. અમારે આમઆદમી પાર્ટીની કેટલીક સંપત્તિ જપ્ત કરવાની છે.. જો સંપત્તિ જપ્ત થશે તો કહેશે કે ચૂંટણી સમયે કાર્યવાહી કરી.. અને જો સંપત્તિ જપ્ત નહીં કરીએ તો કહેશે કે પુરાવા નથી.. તેમણે વધુમાં કહ્યું કે, જ્યાં સુધી કેજરીવાલનો સવાલ છે, ત્યાં સુધી તેમની તપાસ પૂર્ણ નથી થઈ, પૂછપરછ હજુ શરૂઆતી તબક્કામાં છે.. 


કેજરીવાલને ભલે હાઈકોર્ટથી રાહત ન મળી.. પરંતુ સુપ્રીમ કોર્ટની રાહત બાદ સંજયસિંહ તિહાડ જેલની બહાર આવી ગયા છે.. જેની સાથે સંકટમાં આવી ગયેલી આમઆદમી પાર્ટીમાં નવા પ્રાણ ફૂંકાયા છે.. સંજયસિંહ બહાર આવતા આમ આદમી પાર્ટીના કાર્યકરોમાં ભારે ઉત્સાહ છે. જોકે સુપ્રીમ કોર્ટે કેટલીક શરતો સાથે આ રાહત આપી છે. જેના પર નજર કરીએ તો, સંજયસિંહે દિલ્લી-NCR છોડતા પહેલા કોર્ટને જાણ કરવી પડશે.. આ ઉપરાંત કોર્ટની પરવાનગી વગર તેઓ વિદેશની યાત્રાએ નહીં જઈ શકે.. સંજયસિંહને પાસપોર્ટ પણ જમા કરાવવા માટે કહેવાયું છે. સંજયસિંહે તપાસ અધિકારીઓને પોતાની ગુગલ લોકેશન આપવાની રહેશે.. તેઓ બહાર રહેવા દરમિયાન પોતાનો ફોન નંબર બદલી નહીં શકે. આ સાથે સુપ્રીમ કોર્ટે સંજયસિંહને જાહેરમા કેસને લગતા નિવેદનો કરવાની મનાઈ ફરમાવી છે.જોકે તમામ શરતો સાથે બહાર આવેલા સંજયસિંહ આમઆદમી પાર્ટી માટે આશાનું કિરણ છે.. 


એક તરફ ભલે આમ આદમી પાર્ટીને આંશિક શાંતિ મળી હોય, પરંતુ આપ સરકારના મંત્રી આતિશીની મુશ્કેલી વધી શકે છે.. આતિશીને ભાજપે એ મુદ્દે બદનક્ષીની નોટિસ ફટકારી છે.. જેમા તેમણે ભાજપ તરફથી ઓફર મળ્યાનો દાવો કર્યો હતો. જોકે આતિશીએ આ નોટિસને પણ ધરપકડ કરવાનું ષડયંત્ર ગણાવ્યું.. 


દિલ્લીમાં દરરોજ કંઈક ને કંઈક નવો રાજકીય ઘટનાક્રમ સામે આવતો રહે છે... કેજરીવાલની મુશ્કેલી ક્યારે ઘટશે તે અંગે તો કોઈને જાણ નથી, પરંતુ સંજયસિંહને રાહત મળતા આમઆદમી પાર્ટી ગેલમાં છે. સાથે જ વિશ્વાસ છે કે, આવી જ રીતે કેજરીવાલ અને મનિષ સિસોદિયા પણ બહાર આવશે. પરંતુ આતિશી અને સૌરભ ભારદ્વાજ માથે હજુ પણ તલવાર લટકી રહી છે.. કારણ કે કોણ જાણે ક્યારે ઈડી તરફથી તેમને પણ બુલાવો આવી જાય..