સી વોટર સર્વે: લોકસભાની ચૂંટણી પહેલા જ આ ત્રણ રાજ્યોમાંથી ભાજપને મળશે મોટો આંચકો!
વર્ષ 2019માં થનારી લોકસભા ચૂંટણી પહેલા ત્રણ રાજ્યો મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, અને રાજસ્થાનમાં વિધાનસભા ચૂંટણી થવાની છે.
નવી દિલ્હી: વર્ષ 2019માં થનારી લોકસભા ચૂંટણી પહેલા ત્રણ રાજ્યો મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, અને રાજસ્થાનમાં વિધાનસભા ચૂંટણી થવાની છે. થોડા દિવસોમાં આ ત્રણ રાજ્યોમાં ચૂંટણીની તારીખોની જાહેરાત થઈ શકે છે. આ અગાઉ સર્વે એજન્સી સી વોટરે એબીપી ન્યૂઝ સાથે મળીને આ ત્રણ રાજ્યોના ઓપિનિયન પોલ જારી કર્યા છે. જેમાં સ્પષ્ટપણે કોંગ્રેસની સરકાર બનવાની સંભાવના વ્યક્ત કરાઈ રહી છે. ઓપિનિયન પોલમાં અનુમાન લગાવવામાં આવ્યું છે કે મધ્ય પ્રદેશ, છત્તીગઢ અને રાજસ્થાનમાં કોંગ્રેસ વાપસી કરશે અને બહુમત સાથે સરકાર બનાવી શકે છે. અહીં ત્રણ રાજ્યોના ઓપિનિયન પોલ રિપોર્ટ સમજવાની કોશિશ કરીએ.
મધ્ય પ્રદેશ: વિધાનસભા બેઠકોને જોતા આ ત્રણ રાજ્યોમાં એમપી સૌથી મોટું રાજ્ય છે. અહીં વિધાનસભાની 230 બેઠકો છે. અહીં લગભગ 15 વર્ષથી ભાજપની સત્તા છે. શિવરાજ સિંહ ચૌહાણ લાંબા સમયથી અહીં મુખ્યમંત્રી છે. ઓપિનિયન પોલ મુજબ અહીં કોંગ્રેસ અને ભાજપમાં જોરદાર ટક્કર જોવા મળશે. જો કે આખરે કોંગ્રેસને બહુમત મળવાની સંભાવના છે. ઓપિનિયન પોલના રિપોર્ટ મુજબ અહીં કોંગ્રેસને 117 અને ભાજપને 106 તથા અન્યના ખાતામાં 7 બેઠકો જવાની સંભાવના છે. બહુમતનો આંકડો 116 છે.
મધ્ય પ્રદેશમાં મુખ્યમંત્રી તરીકે કોની પસંદગી?
શિવરાજ સિંહ ચૌહાણ 42%
જ્યોતિરાદિત્ય સિંધિયા 30 %
કમલનાથ 7%
રાજસ્થાન: રાજસ્થાનની રાજકીય પેટર્ન પર નજર નાખીએ તો અહીં દરેક ચૂંટણી બાદ સરકાર બદલાઈ જાય છે. 200 વિધાનસભા બેઠકોવાળા આ રાજ્યમાં વસુંધરા રાજે સિંધિયાના નેતૃત્વમાં ભાજપની સરકાર ચાલી રહી છે. ઓપિનિયન પોલમાં સંભાવના વ્યક્ત કરાઈ રહી છે કે આ વખતે સચિન પાઈલટ અને અશોક ગેહલોતના નેતૃત્વમાં કોંગ્રેસ અહીં ભાજપ પાસેથી સત્તા પડાવશે. એવું અનુમાન છે કે કોંગ્રેસના ખાતામાં 130 બેઠકો, ભાજપને 57 અને અન્યને 13 બેઠકો મળી શકે છે. સર્વેનું માનીએ તો અહીં કોંગ્રેસ સ્પષ્ટ બહુમતની સાથે સત્તામાં પાછી ફરી શકે છે.
મુખ્યમંત્રી તરીકે કોણ પસંદ
વસુંધરા રાજે - 24%
અશોક ગેહલોત 41%
સચિન પાઈલટ 18%
છત્તીસગઢ: આમ તો બેઠકોના હિસાબથી આ રાજ્ય નાનું છે, પરંતુ લોકસભા ચૂંટણી પહેલા અહીંના રિઝલ્ટ પણ ખુબ મહત્વ ધરાવે છે. હકીકતમાં રાજકારણમાં પરસેપ્શનની મોટી અસર થાય છે. જો આ રાજ્યમાં પણ કોંગ્રેસ જીતી જાય તો પાર્ટીના કાર્યકર્તાઓમાં ઉત્સાહ આવી જશે. જેની અસર લોકસભા ચૂંટણીમાં પણ જોવા મળી શકે છે. છત્તીસગઢમાં વિધાનસભાની 90 બેઠકો છે. સી વોટરના ઓપિનિયન પોલ મુજબ અહીં કોંગ્રેસ 54, ભાજપ 33 અને અન્ય 3 બેઠકો પર જીત નોંધાવી શકે છે.
છત્તીસગઢમાં મુખ્યમંત્રી તરીકે કોણ પસંદ?
રમન સિંહ 34%
અજીત જોગી 17%
ભૂપેશ બધેલ 9%
લોકસભા ચૂંટણીમાં ભાજપનો ડંકો વાગશે
એબીસી-સી વોટરના સર્વે મુજબ મધ્ય પ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાન વિધાનસભા ચૂંટણીમાં ભલે કોંગ્રેસ જીતતી જણાય પરંતુ લોકસભા ચૂંટણીમાં અહીં ભાજપનો જ ડંકો વાગતો જોવા મળી રહ્યો છે. લોકસભા ચૂંટણીના હિસાબે ઓપિનિયન પોલના આંકડા પર નજર નાખીએ.
મધ્ય પ્રદેશ
લોકસભા ચૂંટણીમાં કોને કેટલા મત?
ભાજપ-46%
કોંગ્રેસ- 39%
અન્ય- 15%
મધ્ય પ્રદેશમાં પીએમની પસંદ કોણ?
મોદી- 54 %
રાહુલ- 25 %
છત્તીસગઢ
લોકસભા ચૂંટણીમાં કોને કેટલા મત?
ભાજપ- 46%
કોંગ્રેસ- 36%
અન્ય- 18%
છત્તીસગઢમાં પીએમની પસંદગી કોણ?
મોદી 56 %
રાહુલ 21 %
રાજસ્થાન
લોકસભા ચૂંટણીમાં કોને કેટલા મત?
ભાજપ- 47 %
કોંગ્રેસ- 43%
અન્ય- 10%
રાજસ્થાનમાં પીએમની પસંદ કોણ?
મોદી- 55 %
રાહુલ 22%
આ રીતે કરાયો ઓપિનિયન પોલ
સી વોટર અને એબીપીએ દાવો કર્યો છે કે ત્રણ રાજ્યોમાં 27968 લોકોના મત લેવામાં આવ્યાં હતાં. ત્રણ રાજ્યોની તમામ 65 લોકસભા બેઠકો પર સર્વે થયો છે. એક જૂનથી 10 ઓગસ્ટ વચ્ચે આ ત્રણ રાજ્યોમાં સર્વે થયો છે.