Vijayakanth Demise News: અભિનેતામાંથી રાજનેતા બનેલા વિજયકાંત (71 વર્ષ)નું ચેન્નાઈની એક હોસ્પિટલમાં ગુરુવારે 28 ડિસેમ્બરના રોજ નિધન થયું. તેઓ રાજકીય પક્ષ DMDK ના સંસ્થાપક હતા. વિજયકાંતનો કોવિડ 19 ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. તેમને શ્વાસ લેવામાં મુશ્કેલી થવાના કારણે તેમને વેન્ટિલેટર સપોર્ટ પર રાખવામાં આવ્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

MIOT હોસ્પિટલમાં તેઓ દાખલ હતા તે હોસ્પિટલ દ્વારા એક નિવેદનમાં કહેવાયું છે કે ન્યૂમોનિયાના કારણે વિજયકાંત વેન્ટિલેટર સપોર્ટ પર હતા. હોસ્પિટલ સ્ટાફે તેમને બચાવવાની પૂરેપૂરી કોશિશ કરી પરંતુ 28  ડિસેમ્બરના રોજ સવારે તેમનું નિધન થયું. 


મંગળવારે સવારે ડીએમડીકેએ કહ્યું હતું કે તેમને નિયમિત સ્વાસ્થ્ય તપાસ માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પાર્ટીએ કહ્યું હતું કે વિજયકાંત સ્વસ્થ છે અને પરીક્ષણ બાદ ઘરે પાછા ફરશે. જો કે ત્યારબાદ પાર્ટીએ કહ્યું કે તેમનો કોવિડ 19 ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે અને તેઓ વેન્ટિલેટર સપોર્ટ પર છે કારણ કે તેમને શ્વાસ લેવામાં તકલીફ પડે છે. 



154 ફિલ્મોમાં કર્યું હતું કામ
વિજયકાંતનું અસલ નામ વિજયરાજ હતું. તમિલ અભિનેતા વિજયકાંતની ફિલ્મી જર્ની એકદમ શાનદાર હતી. તેમણે અનેક હીટ ફિલ્મો આપી અને 154 ફિલ્મોમાં કામ કર્યું. ફિલ્મો બાદ તેઓ રાજકારણમાં આવ્યા. તેમણે ડીએમડીકે (દેસિયા મુરપોક્કુ દ્રવિડ કડગમ)ની સ્થાપના કરી અને વિરુધાચલમ અને ઋષિવંડિયમ મતવિસ્તારોનું પ્રતિનિધિત્વ કરતા બેવાર વિધાનસભાના સદસ્ય તરીકે કામ કર્યું. 


તેમની રાજકીય કારકિર્દી ત્યારે ચરમ પર હતી જ્યારે તેઓ 2011થી 2016 સુધી તમિલનાડુ વિધાનસભામાં વિપક્ષના નેતા બન્યા. હાલના વર્ષોમાં વિજયકાંતનું સ્વાસ્થ્ય ખરાબ રહેતુ હોવાના કારણે  તેમણે વારંવાર હોસ્પિટલ જવું પડ્યું હતું. આ જ કારણે તેમણે સક્રિય રાજકારણમાંથી પાછળ પણ હટવું પડ્યું હતું. 


વિજયકાંતના અંગત જીવન વિશે વાત કરીએ તો તેમનો જન્મ 25 ઓગસ્ટ 1952ના રોજ થયો હતો. તેઓ મદુરાઈના હતા. તેમના પિતાનું નામ કેએન અલગરસ્વામી હતું. તેમના પૂર્વજોને આંધ્ર પ્રદેશ સાથે નાતો હતો. 31 જાન્યુઆરી 1990ના રોજ વિજયકાંતના લગ્ન પ્રેમલતા સાથે થયા હતા. તેમના બે પુત્રો વિજય પ્રભાકર અને શાનમુગા પાંડિયન છે.