53 સાંસદ અબજપતિ, કયા રાજ્યના સાંસદો પર સૌથી વધુ અપરાધિક કેસ? વિગતો ખાસ જાણો
ADR Report: દેશના લગભગ 40 ટકા વર્તમાન સાંસદો વિરુદ્ધ અપરાધિક કેસ નોંધાયેલા છે. જેમાંથી 25 ટકા પર તો ગંભીર કલમો હેઠળ કેસ ચાલી રહ્યા છે. આ સાંસદ હત્યા, હત્યાના પ્રયત્નો, અપહરણ અને મહિલાઓ વિરુદ્ધ ગુનામાં આરોપી છે. જ્યારે બે સદનોના સભ્યોમાં કેરળના 29 સાંસદોમાંથી 23 એટલે કે (79 ટકા) સાંસદોની છબી ખરડાયલી છે
દેશના લગભગ 40 ટકા વર્તમાન સાંસદો વિરુદ્ધ અપરાધિક કેસ નોંધાયેલા છે. જેમાંથી 25 ટકા પર તો ગંભીર કલમો હેઠળ કેસ ચાલી રહ્યા છે. આ સાંસદ હત્યા, હત્યાના પ્રયત્નો, અપહરણ અને મહિલાઓ વિરુદ્ધ ગુનામાં આરોપી છે. જ્યારે બે સદનોના સભ્યોમાં કેરળના 29 સાંસદોમાંથી 23 એટલે કે (79 ટકા) સાંસદોની છબી ખરડાયલી છે. આ દાવો ચૂંટણી સંબંધિત ડેટા એનાલિસિસ કરતા એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR) અને એસોસિએશન નેશનલ ઈલેક્શન વોચ (NEW)ના તાજા રિપોર્ટમાં કરવામાં આવ્યો છે.
ADR નું કહેવું છે કે દેશભરમાં લોકસભા અને રાજ્યસભાની 776 બેઠકોમાંથી 763 હાલના સાંસદની એફિડેવિટનું એનાલિસિસ કરીને આ જાણકારી તૈયાર કરાઈ છે. રિપોર્ટમાં જણાવાયું છે કે આ ડેટા સાંસદો તરફથી તેમના ગત ચૂંટણી અને ત્યારબાદ પેટાચૂંટણી લડતા પહેલા દાખલ કરાયેલા સોગંદનામામાંથી લેવામાં આવ્યો છે. લોકસભાની ચાર બેઠકો અને રાજ્યસભાની એક બેઠક ખાલી છે. જ્યારે જમ્મુ કાશ્મીરમાં રાજ્યસભાની ચાર સીટો ખાલી છે. ત્યાં વિધાનસભાની રચના ન થઈ હોવાના કારણે તે ખાલી છે.
બીજી બાજુ દસ્તાવેજ ઉપલબ્ધ ન હોવાના કારણે એક લોકસભા સાંસદ અને 3 રાજ્યસભા સાંસદોના સોગંદનામાનું પણ એનાલિસિસ થઈ શક્યું નથી. એનાલિસિસ કરાયેલા 763 હાલના સાંસદોમાંથી 306 (40 ટકા)એ પોતાના વિરુદ્ધ અપરાધિક કેસ દાખલ હોવાની જાણકારી આપી છે. જ્યારે 194 (25 ટકા) હાલના સાંસદોએ ગંભીર અપરાધિક કેસ થયા હોવાનું જાહેર કર્યું છે. જેમાં હત્યા, હત્યાનો પ્રયત્ન, અપહરણ અને મહિલાઓ સંબંધિત ગુના સામેલ છે.
સૌથી વધુ કેરળમાં
કેરળમાં સૌથી વધુ સાંસદો અપરાધિક કેસમાં સંડોવાયેલા જોવા મળ્યા છે. બંને સદનોના સભ્યોમાં કેળના 29 સાંસદોમાંથી 23 (79 ટકા) પર કેસ દાખલ છે. બિહારના 56 સાંસદોમાંથી 41 (73 ટકા), મહારાષ્ટ્રના 65 સાંસદોમાંથી 37 (57 ટકા), દિલ્હીના 10 સાંસદોમાંથી 5 (50 ટકા) સાંસદોએ શપથપત્રમાં પોતાના વિરુદ્ધ અપરાધિક કેસ થયા હોવાનું જાહેર કર્યું છે.
એ જ રીતે ગંભીર અપરાધ મામલે બિહારના સાંસદ સૌથી આગળ છે. બિહારના 56માંથી 28 (50 ટકા), તેલંગણાન 24માંથી 9 (38 ટકા), કેરળના 29માથી 10 (34 ટકા), મહારાષ્ટ્રના 65માંથી 22 (34 ટકા), અને યુપીના 108માંથી 37 (34 ટકા) સાંસદોએ પોતાના શપથ પત્રોમાં ગંભીર કલમો હેઠળ કેસ થયાની વિગતો જાહેર કરેલી છે.
કોંગ્રેસના 53 ટકા સાંસદો પર કેસ
ભાજપના 385 સાંસદોમાંથી લગભગ 139 (36 ટકા), કોંગ્રેસના 81 સાંસદોમાંથી (43 ટકા), ટીએમસીના 36 સાંસદોમાંથી 14 (39 ટકા), આરજેડીના 6 સાંસદોમાંથી 5 (83 ટકા), સીપીઆઈના 8 સાંસદોમાંથી 6 (75 ટકા), આમ આદમી પાર્ટીના 11 સાંસદોમાંથી 3 (27 ટકા), વાયએસઆરસીપીના 31 સાંસદોમાંથી 13 (42 ટકા), અને એનસીપીના 8માંથી 3 (38 ટકા) સાંસદોએ સોગંદનામામાં પોતાના વિરુદ્ધ કેસ થયા હોવાની વિગતો રજૂ કરી છે.
ગંભીર કલમો હેઠળ કેસ
ભાજપના 385માંથી લગભગ 98 (25 ટકા), કોંગ્રેસના 81માંથી 26 (32 ટકા), ટીએમસીના 36માંથી 7 (19 ટકા), આરજેડીના 6માંથી 3 (50 ટકા), સીપીઆઈ (એમ)ના 8 સાંસદોમાંથી 2 (25 ટકા), આમ આદમી પાર્ટીના 11 સાંસદોમાંથી 1 (9 ટકા), વાએસઆરસીપીના 31 સાંસદોમાંથી 11 (35 ટકા) અને એનસીપીના 6માંથી 2 (25 ટકા) સાંસદોએ સોગંદનામામાં ગંભીર કેસ થયાની વિગતો આપી છે.
21 સાંસદો પર મહિલાઓ વિરુદ્ધ અત્યાચારનો આરોપ
11 હાલના સાંસદોએ હત્યા (કલમ 302) સંબંધિત કેસની વિગતો આપી છે. જ્યારે 32 વર્તમાન સાંસદોએ હત્યાનો પ્રયત્ન (કલમ 307) હેઠળ કેસ વિગતો રજૂ કરી છે. જ્યારે 21 વર્તમાન સાંસદોએ મહિલાઓ વિરુદ્ધ અપરાધ સંબંધિત કેસની વિગતો રજૂ કરી છે. આ 21 સાંસદોમાંથી ચાર સાંસદોએ રેપ (આઈપીસીની કલમ 376) સંબંધિત કેસ થયો હોવાની રજૂઆત કરેલી છે.
સૌથી વધુ ધનિક સાંસદો આ રાજ્યમાં
એનડીઆરના રિપોર્ટ મુજબ લોકસભા અને રાજ્યસભાના સાંસદો પાસે સરેરાશ 38.33 કરોડ રૂપિયાની સંપત્તિ છે. જ્યારે 52 (સાત ટકા) સાંસદો અબજપતિ છે. જેમાં તેલંગણાના સૌથી વધુ સાંસદો છે. તેલંગણાના 24 સાંસદોની સરેરાશ સંપત્તિ 262.26 કરોડ છે. ત્યારબાદ આંધ્ર પ્રદેશના 36 સાંસદોની સરેરાશ સંપત્તિ 150.76 કરોડ રૂપિયા છે. પંજાબના 20 સાંસદોની સરેરાશ સંપત્તિ 88.94 કરોડ રૂપિયા છે.
સૌથી ઓછી સરેરાશ સંપત્તિ આ સાંસદની
સાંસદોની સૌથી ઓછી સરેરાશ સંપત્તિવાળું રાજ્ય લક્ષદ્વિપ (1 સાંસદ) છે. ત્યાં સરેરાશ સંપત્તિ 9.38 લાખ રૂપિયા છે. ત્યારબાદ ત્રિપુરાના 3 સાંસદોની સરેરાશ સંપત્તિ 1.09 કરોડ રૂપિયા છે. મણિપુરના 3 સાંસદોની સરેરાશ સંપત્તિ 1.12 કરોડ રૂપિયા છે.
ભાજપના સાંસદોની સરેરાશ સંપત્તિ
સંપત્તિ અંગે પ્રમુખ પક્ષોના સાંસદોનું પણ એનાલિસિસ કરાયું. ભાજપના 385 સાંસદોની સરેરાશ સંપત્તિ 18.31 કરોડ રૂપિયા છે. કોંગ્રેસના 81 સાંસદોની સરેરાશ સંપત્તિ 39.12 કરોડ રૂપિયા છે. ટીએમસીના 36 સાંસદોની સરેરાશ સંપત્તિ 8.72 કરોડ રૂપિયા છે. વાયએસઆરસીપીના 31 સાંસદોની સરેરાશ સંપત્તિ 153.76 કરોડ રૂપિયા છે. ટીઆસએસના 16 સાંસદોની સરેરાશ સંપત્તિ 383.51 કરોડ રૂપિયા છે. એનસીપીના 8 સાંસદોની સરેરાશ સંપત્તિ 30.11 કરોડ રૂપિયા છે. આપના 11 સાંસદોની સરેરાશ સંપત્તિ 119.84 કરોડ છે.
આ રાજ્યોમાં અબજપતિ સાંસદ
53 સાંસદો અબજપતિ છે. જેમાં તેલંગણાના 24માંથી 7 સાંસદ (29 ટકા), આંધ્ર પ્રદેશના 36માંથી 9 (25 ટકા), દિલ્હીના 10માંથી 2 (20 ટકા), પંજાબના 20માંથી 4 (20 ટકા), ઉત્તરાખંડના 8 સાંસદોમાંથી 1 (13 ટકા), મહારાષ્ટ્રના 65 સાંસદોમાંથી 6 (9 ટકા), કર્ણાટકના 39 સાંસદોમાંથી 3 (8 ટકા)એ 100 કરોડથી વધુ સંપત્તિની જાહેરાત કરી છે.
ભાજપના સાંસદો પાસે 7051 કરોડની સંપત્તિ
એનાલિસિસ કરાયેલા 385 ભાજપના સાંસદોની કુલ સંપત્તિ 7051 કરોડ રૂપિયા છે. ટીઆરએસના 16 સાંસદોની 6136 કરોડ રૂપિયા, વાયએસઆરસીપીના 31 સાંસદોની 4766 કરોડ રૂપિયા, કોંગ્રેસના 81 સાંસદોની 3169 કરોડ રૂપિયા, આપના 11 સાંસદો પાસે 1318 કરોડ રૂપિયાની કુલ સંપત્તિ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube