ભોપાલ: સમગ્ર દેશ આઝાદીના 72માં વર્ષની ઉજવણી કરી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં લાલ કિલ્લાની પ્રાચીર પર તિરંગો લહેરાવ્યો. આ દરમિાયન મધ્ય પ્રદેશના આગર માલવા જિલ્લાના એક ગામમાં આઝાદીના 72 વર્ષ બાદ પહેલીવાર વીજળી આવી છે. મધ્ય પ્રદેશનું આ ગામ 2018નો સ્વાતંત્ર્ય દિવસ લાંબા સમયથી ફેલાયેલા અંધારા બાદ મળેલા અજવાળામાં મનાવી રહ્યો છે. આગર માલવા જિલ્લાના આ ગામમાં આઝાદી બાદ પહેલીવાર વીજળી પહોંચી છે. અહીં ગામવાળા ઘરમાં બેસીને ટીવી પર સ્વતંત્રતા દિવસનો રાષ્ટ્રીય કાર્યક્રમ જોઈ શક્યાં. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આઝાદીના સાત દાયકા વીતી ગયા બાદ આગર માલવા જિલ્લાના ધામનિયા ગામમાં બે માસ પહેલા સૌભાગ્ય લક્ષ્મી યોજનાથી વીજળી પહોંચી તો ગામવાળાની ખુશીનો પાર ન રહ્યો. આટલા વર્ષ અંધારામાં પસાર કર્યા બાદ જ્યારે રોશની પહોંચી તો બાળકોનું ભવિષ્ય પણ ઉજળું થતું હોય તેવું લાગી રહ્યું છે. 


ગામ છોડીને જઈ રહ્યાં હતાં લોકો
આ ગામની વસ્તી એક વખત હજારથી ઉપર હતી પરંતુ વીજળી અને પાયાની સુવિધાઓ ન હોવાના કારણે ધીરે ધીરે લોકો ગામ છોડીને જઈ રહ્યાં હતાં. આજે આ ગામની સંખ્યા બસો પણ નથી. પરંતુ હવે લાંબી વાટ જોયા બાદ આખરે ગામમાં વીજળી આવી ગઈ છે. દેશ  તો અનેક દાયકાઓ પહેલા આઝાદ થઈ ગયો પરંતુ આ લોકો માટે આ જ સાચી આઝાદી છે. 


વીજળી આવવાથી ખુશ છે ગ્રામીણો
ચાલીસ વર્ષ પહેલા ગામમાં પરણીને આવેલી કૃષ્ણાકુવર ખુશ છે કારણ કે ગામમાં લાઈટ આવી ગઈ છે અને હવે તેમને પણ ગરમીમાં કૂલરની તથા પંખાની હવા ખાવા મળશે. બુલબુલ અને ચંદર એવા બાળકો છે જેઓ હજુ સુધી ચિમનીના અજવાળામાં અભ્યાસ કરતા હતાં. પરંતુ આ વર્ષે આ બાળકો વીજળીના અજવાળામાં ભણી શકશે. 


મળી અંધારાથી ઉજવાળા તરફની આઝાદી
અડધી રાતે મળેલી આઝાદી બાદ જ્યાં દેશ રોશનીમાં આઝાદીનું પર્વ મનાવતો રહ્યો ત્યાં વર્ષોથી અંધારામાં રહેલા ધામનિયા ગામના લોકોને હવે આખરે આ વર્ષે અંધારાથી મળી ગઈ આઝાદી. આ વર્ષે ગામમાં વીજળી આવી ગઈ જેણે ગામમાં આઝાદીના જશ્નની ખુશી બમણી કરી નાખી.