શ્રીનગર: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) ને એક છ વર્ષની કાશ્મીરી બાળકીએ વધુ હોમવર્ક મળતું હોવાની મીઠી ફરિયાદ કરી હતી. બાળકીએ ભાવુક અપીલ કરતા કહ્યું હતું કે નાના બાળકોને વધુ કામ આપવું જોઈએ નહીં. તેની આ અપીલ પર રાજ્ય શિક્ષણ વિભાગે તાબડતોબ કાર્યવાહી કરી છે. જમ્મુ અને કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિન્હાના નિર્દેશ પર શિક્ષણ વિભાગે તમામ શાળાઓ માટે દિશા નિર્દેશ બહાર પાડ્યા છે. જેમાં ઓનલાઈન ક્લાસિસના ટાઈમિંગ અને હોમવર્કનો ઉલ્લેખ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એલજી મનોજ સિન્હાએ આપ્યા હતા નિર્દેશ
છ વર્ષની બાળકી કોરોનાકાળમાં લાંબા ચાલતા ઓનલાઈન ક્લાસિસ અને શિક્ષકો દ્વારા અપાતા હોમવર્કથી કંટાળી ગઈ હતી. આથી તેણે પીએમ નરેન્દ્ર મોદીને અપીલ કરી હતી. બાળકીનો વીડિયો વાયરલ થતા ઉપરાજ્યપાલ મનોજ સિન્હાએ ટ્વીટ કરીને કહ્યું હતું કે શાળાના બાળકો પર હોમવર્કનો બોજો ઓછો કરવા માટે શિક્ષણ વિભાગને 48 કલાકની અંદર નીતિ બનાવવાના નિર્દેશ આપ્યા છે. 


શિક્ષણ વિભાગે કર્યા આ ફેરફાર
મનોજ સિન્હાએ શિક્ષણ વિભાગ દ્વારા લેવાયેલા પગલાંની જાણકારી ટ્વિટરના માધ્યમથી આપી છે. તેમણે જણાવ્યું કે બાળકીની ક્યૂટ અપીલને ધ્યાનમાં રાખતા કેટલાક ફેરફાર કરાયા છે. જેમ કે પ્રી પ્રાઈમરીના બાળકોના ક્લાસ આખા દિવસમાં 30 મિનિટથી વધુ નહીં હોય. એ જ રીતે પહેલાથી આઠમા ધોરણ માટે દોઢ કલાકના વધુમાં વધુ બે સત્રમાં ક્લાસ રહેશે. આ ઉપરાંત 9થી 12 ધોરણ માટે સળંગ ઓનલાઈન ક્લાસ 3 કલાકથી વધુ નહીં રહે. તથા ક્લાસ 5 સુધીના બાળકોને હોમવર્ક ન આપવાની પણ વાત કરવામાં આવી છે. 



એલજીએ ગણાવી હતી 'નિર્દોષતાભરી ફરિયાદ'
ઉપરાજ્યપાલ મનોજ સિન્હાએ પોતાની ટ્વીટમાં લખ્યું કે આપણા બાળકો માટે રમવા, માતા પિતા સાથે વાતચીત કરવા માટે વધુમાં વધુ સમય જોઈએ, જે એક બાળક માટે સૌથી મોટી શીખનો અનુભવ હોઈ શકે છે. આ અગાઉ બાળકીની ફરિયાદ પર તેમણે કહ્યું હતું કે ખુબ જ નિર્દોષતાભરી ફરિયાદ છે. શાળાના બાળકો પર હોમવર્કનો બોજો ઓછો કરવા માટે શાળા શિક્ષણ વિભાગને 48 કલાકની આંદર નીતિ બનાવવાના નિર્દેશ આપ્યા છે. બાળપણની નિર્દોષતા ભગવાનની ભેટ છે અને તેમના દિવસ જીવંત, આનંદ અને આનંદથી ભરેલા હોવા જોઈએ. 



બાળકીએ પીએમ મોદીને કરી હતી આ ફરિયાદો
કોરોના (Corona Virus) સંકટમાં શાળાઓ બંધ છે. લાંબા સમયથી ઘરોમાં કેદ શાળાઓથી દૂર છે આવામાં તેમના અભ્યાસ પર બ્રેક ન લાગે તે માટે ઓનલાઈન ક્લાસ શરૂ થયા. પરંતુ બાળકો માટે આ ઓનલાઈન ક્લાસ પરેશાનીનું કારણ બનતા જોવા મળે છે. સોશિયલ મીડિયા પર આવી જ એક 6 વર્ષની બાળકીનો મીઠી ફરિયાદ કરતો વીડિયો ખુબ ચર્ચામાં છે. બાળકી વીડિયોમાં પીએમ મોદીને ગુહાર લગાવે છે કે મોદી સાહેબ બાળકોએ આખરે આટલું કામ કેમ કરવું પડે છે. પહેલા અંગ્રેજી, ગણિત, ઉર્દૂ, ઈવીએસ અને ત્યારબાદ કોમ્પ્યુટરના ક્લાસ. મારા 10 વાગ્યાથી લઈને 2 વાગ્યા સુધી ક્લાસ ચાલે છે. આટલું કામ તો મોટા બાળકો પાસે હોય છે.