આ નેતાજી પોતાની પત્નીને સાંસદ બનાવીને જ રહેશે, લોકસભા હાર્યા તો હવે રાજ્યસભાથી દિલ્હી મોકલશે
Sunetra Pawar News: આ નેતાજી પોતાની પત્નીને દિલ્હી મોકલીને જ રહેશે. NCP એ મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારની પત્ની સુનેત્રા પવારને રાજ્યસભા પેટાચૂંટણી માટે ઉમેદવાર બનાવવાનો નિર્ણય કર્યો છે. તેઓ આજે ઉમેદવારી નોંધાવશે અને બિનહરિફ ચૂંટાય તેવી સંભાવના વધુ છે.
Ajit Pawar Wife Sunetra Pawar:રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી) એ બુધવારે (12 જૂન) પાર્ટીના વડા અને મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારની પત્ની સુનેત્રા પવારને જૂનમાં યોજાનારી રાજ્યસભાની પેટાચૂંટણી માટે નામાંકિત કરવાનો નિર્ણય લીધો છે. અજિત પવાર દ્વારા મુંબઈમાં તેમના સત્તાવાર નિવાસસ્થાને પાર્ટીના મંત્રીઓ સાથે બોલાવવામાં આવેલી બેઠકમાં સુનેત્રા પવારનું નામ ફાયનલ કરવામાં આવ્યું હતું.
સુનેત્રા પવાર બારામતીથી તેમની નણંદ અને NCP (SP)ના વડા શરદ પવારની પુત્રી સુપ્રિયા સુલે સામે લોકસભાની ચૂંટણીમાં હારી ગયા હતા. સુનેત્રા પવાર ગુરૂવારે એટલે કે આજે ઉમેદવારી પત્ર ભરવાના છેલ્લા દિવસે ઉમેદવારી નોંધાવશે. તેમના નામાંકન સાથે, પાર્ટીએ આ વર્ષે ઓક્ટોબરમાં યોજાનારી આગામી વિધાનસભાની ચૂંટણી પહેલા મોટો નિર્ણય લીધો છે.
પાર્ટીનું આ પગલું NCP પ્રમુખ શરદ પવાર અને તેમની પાર્ટીના સાંસદ સુપ્રિયા સુલેને હરાવવાના ઉદ્દેશ્યથી લેવામાં આવ્યું છે. વિધાનસભા ચૂંટણીમાં અજિત પવાર બારામતીથી ચૂંટણી લડી શકે છે. જ્યારે NCP (SP) NCPના વડા અજિત પવાર સામે તેમના ભત્રીજા યોગેન્દ્ર પવારને આગળ કરી રહી છે.
મંત્રી છગન ભુજબળે શું કહ્યું?
બુધવારની બેઠકમાં એનસીપીના કાર્યકારી પ્રમુખ પ્રફુલ્લ પટેલે સુનેત્રા પવારના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો અને મંત્રીઓને તેમના વિચારો વ્યક્ત કરવા કહ્યું હતું. કૃષિ મંત્રી ધનંજય મુંડેએ પ્રફુલ્લ પટેલના પ્રસ્તાવનું સમર્થન કર્યું અને કહ્યું કે બારામતીમાં સામાન્ય ચૂંટણીમાં સુનેત્રા પવારની હાર બાદ આનાથી પાર્ટીના કાર્યકરોનું મનોબળ વધશે.
જો કે એનસીપીના વરિષ્ઠ મંત્રી છગન ભુજબળ જેઓ રાજ્યસભા માટે નોમિનેશન માટે તૈયાર હતા. તેમણે કહ્યું કે સુનેત્રા પવારના નામાંકન સામે તેમને કોઈ વાંધો નથી, પરંતુ તેમના નામની ભલામણ કરવા માટે સંસદીય બોર્ડની બેઠક કેમ બોલાવવામાં ન આવી?