જયપુર: પંજાબ વિધાનસભાની ચૂંટણીમાં મળેલી સફળતાથી ઉત્સાહિત થઈને આમ આદમી પાર્ટી હવે રાજસ્થાનમાં પોતાનો આધાર મજબૂત કરવાની યોજના બનાવી રહી છે. પાર્ટી નેતાઓ અનુસાર આપ રાજસ્થાનમાં સંગઠનને મજબૂત કરવા માટે અહીં 26-27 માર્ચે બે દિવસીય રાજ્ય સ્તરીય 'વિજય ઉત્સવ' સંમેલન કરશે. તેમાં પાર્ટીના પ્રદેશ પ્રભારી અને રાજ્ય સભા સાંસદ સંજય સિંહ પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ સાથે ચર્ચા કરીને આગળની રણનીતિ બનાવશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજસ્થાનમાં આધાર મજબૂત કરશે આપ
આપના રાજ્ય સહ પ્રભારી ખેમચંદ જાગીરદારે જણાવ્યું છે કે, પાર્ટીએ હિમાચલ પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીની તૈયારી શરૂ કરી દીધી છે. રાજસ્થાન પંજાબનું પાડોશી રાજ્ય છે અને નવી દિલ્હીથી નજીક છે, એટલા માટે રાજ્યમાં સંગઠનને મજબૂત કરવા માટે પાર્ટી 26 અને 27 માર્ચે બે દિવસીય રાજ્ય સંમેલન આયોજિત કરી રહી છે. તેમણે જણાવ્યું છે કે, પાર્ટીની નીતિઓને જમીની સ્તર પર આગળ ધપાવવા અને આગામી વિધાનસભાની ચૂંટણીની તૈયારીની રણનીતિ પર ચર્ચા કરવા માટે પાર્ટીના પ્રદેશ પ્રભારી સંજય સિંહ પણ સંમેલનમાં ભાગ લેશે. રાજસ્થાનમાં 2023ના અંતમાં વિધાનસભાની ચૂંટણી યોજાનાર છે.


ટૂંક સમયમાં જાહેર થશે પ્રદેશ અધ્યક્ષનું નામ
જાગીરદદારે જણાવ્યું છે કે રાજસ્થાનમાં પાર્ટી પ્રદેશ અધ્યક્ષનું નામ ટૂંક સમયમાં જાહેરાત કરવામાં આવશે. પાર્ટી નેતાઓએ જણાવ્યું છે કે બે દિવસીય સંમેલન દરમિયાન દ્વારકા (દિલ્હી)થી આપના ધારાસભ્ય અને પૂર્વ સાંસદ મહાબલ મિશ્રાના પુત્ર વિનય મિશ્રાને રાજસ્થાનની જવાબદારી સોંપવામાં આવી શકે છે. સાંસદ સંજય સિંહ નવા ચહેરાને સ્થાન આપી શકે છે.


આગામી મહીને શરૂ થશે પાર્ટીનો સર્વે
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, પાર્ટી આગામી મહીને સર્વે શરૂ કરવા જઈ રહી છે અને રાજ્યમાં પ્રમુખ રાજનૈતિક પક્ષોને વિકલ્પ આપવા માટે સભ્યતા અભિયાન ચલાવી રહી છે. તમને જણાવી દઈએ કે આપે 2018ની રાજસ્થાન વિધાનસભા ચૂંટણીમાં રાજ્યની 200 સીટોમાંથી 142 સીટો પર પોતાના ઉમેદવાર ઉભા રાખ્યા હતા. જોકે, રાજસ્થાનમાં તેમના એક પણ ઉમેદવારને સફળતા મળી નહોતી અને તેમને કુલ મળીને 0.4 ટકા વોટ મળ્યા.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube