અગસ્તા વેસ્ટલેન્ડ સોદાના `વચેટિયા` મિશેલને 5 દિવસની CBI કસ્ટડીમાં મોકલાયો
અગસ્તા વેસ્ટલેન્ડ પાસેથી વીવીઆઈપી હેલિકોપ્ટર ખરીદીના કૌભાંડમાં આ બ્રિટિશ નાગરિકે વચેટિયાની ભૂમિકા ભજવી હતી અને ભ્રષ્ટાચારના આરોપો હેઠળ તે વોન્ટેડ હતો, જેને મંગળવારે પ્રત્યાર્પણ કરીને દુબઈથી ભારત લાવવામાં આવ્યો છે
નવી દિલ્હીઃ સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઈન્વેસ્ટિગેશનની વિસેષ કોર્ટ દ્વારા બુધવારે બ્રિટિશ નાગરિક અને અગસ્તા વેસ્ટલેન્ડના સોદામાં કથીત વચેટિયા એવા ક્રિશ્ચન મિશેલને 5 દિવસની CBI કસ્ટડીમાં મોકલી અપાયો છે. વિશેષ કોર્ટમાં સુનાવણી દરમિયાન CBIના વકીલે દલીલ કરી હતી કે, "આ કેસમાં હજુ તપાસ ચાલુ છે. અમે આ કેસમાં તેમની કસ્ટડી માગીએ છીએ, કેમ કે દુબઈ આધારિત બે એકાઉન્ટમાં નાણા ટ્રાન્સફર કરાયા હતા."
સામે પક્ષે મિશેલ દ્વારા પણ જામીન અરજી દાખલ કરવામાં આવી હતી. CBIની વિશેષ અદાલતે તેની અરજીને આગામી સુનાવણી પર પડતી રાખીને 5 દિવસી CBI કસ્ટડીમાં મોકલી આપ્યો છે. જોકે, સીબીઆઈની અદાલતે તેના વકીલને સવારે એક કલાક અને સાંજે એક કલાક મુલાકાત કરવા માટે મંજૂરી આપી છે.
અગસ્તા કૌભાંડનું અથ:થી ઇતી: કોણ, ક્યાં અને ક્યારે તમામ સવાલનાં મળશે જવાબ
CBIના જણાવ્યા અનુસાર, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત દોવલ અને સીબીઆઈના વર્તમાન વડા એમ. નાગેશ્વર રાવના નિર્ગદર્શનમાં વચેટિયા મિશેલના પ્રત્યાર્પણની સંપૂર્ણ પ્રક્રિયા પૂરી કરવામાં આવી હતી. સમાચાર એજન્સી ANIના અનુસાર, ક્રિશ્ચન મિશેલના પ્રત્યાર્પણની કામગીરી પૂરી પાડવા માટે સીબીઆઈના જોઈન્ટ ડિરેક્ટર એ.સાઈ મનોહરના નેતૃત્વમાં એક ટીમને દુબઈ મોકલવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે, સ્થાનિક કોર્ટ ઓફ કેસેશને તાજેતરમાં જ ત્યાંની નીચલી અદાલતના એ આદેશને માન્ય રાખ્યો હતો, જેમાં જણાવાયું હતું કે મિશેલનું ભારત પ્રત્યાર્પણ કરવું જોઈએ. ભારતે વર્ષ 2017માં આધિકારીક રીતે ગલ્ફના આ દેશને મિશેલના પ્રત્યાર્પણ માટે વિનંતી કરી હતી. ભારતની સીબીઆઈ અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા આ કેસમાં તપાસ કરવામાં આવી હતી. ED દ્વારા જુન, 2016માં મિશેલ સામે ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી, જેમાં તેણે અગસ્તા વેસ્ટલેન્ડ સોદામાં વચેટિયા તરીકે 30 મિલિયન યુરો (રૂ.225 કરોડ) મેળવ્યા હોવાનો તેના ઉપર આરોપ લગાવાયો હતો.
અગસ્તા વેસ્ટલેંડ ગોટાળાનાં વચેટિયાને પરત લાવવા દેશનાં શક્તિશાળી અધિકારીની મહત્વની ભુમિકા
ચાર્જશીટમાં લગાવાયેલા આરોપો મુજબ, મહત્વ નાણાનું નથી, પરંતુ 12 હેલિકોપ્ટની ખરીદીનો સોદો પોતાની તરફેણમાં કરાવા માટે કંપની દ્વારા જે ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હતો તેનાથી દેશને મોટું નુકસાન થયું હતું. સીબીઆઈ અને ઈડી દ્વારા જે તપાસ કરાઈ છે તેમાં ત્રણ વચેટિયા હતા. ગીડો હેશકે અને કાર્લો ગિરોસા ઉપરાંત મિશેલની વચેટિયા તરીકે ભૂમિકા હતી.
હવે હું જોઉ છું જામીન પર જેલની બહાર રહેલ માં-પુત્રને કોણ બચાવે છે: PM મોદી
કોર્ટ દ્વારા બિનજામીનપાત્ર વોરન્ટ કાઢી અપાયા બાદ બંને એજન્સીઓએ રેડ કોર્નર નોટિસ દ્વારા ઈન્ટરપોલને મિશેલ અંગે જાણ કરી હતી. ઈડીની તપાસમાં જાણવા મળ્યું છે કે મિશેલે દુબઈની ગ્લોબલ સર્વિસિસ મારફતે ભારતની એક મીડિયા ફર્મને નાણા પહોંચાડ્યા હતા, જે દિલ્હીમાં કાર્યરત છે. અગસ્તા વેસ્ટલેન્ડ હેલિકોપ્ટરના સોદામાં વચેટિયાની ભૂમિકા માટે આ નાણા ચૂકવાયા હતા. આમ, સોદાને તરફેણમાં કરવા માટે ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હતો. જોકે, મિશેલે આ તમામ આરોપો ફગાવી દીધા હતા.
ભારત સરકારે 1 જાન્યુઆરી, 2014ના રોજ ઈટાલીમાં કાર્યરત અગસ્તા વેસ્ટલેન્ડ કંપની સાથે 12 AW-101 VVIP હેલિકોપ્ટર પૂરા પાડવાનો કરાર કર્યો હતો. આ હેલિકોપ્ટર ભારતીય હવાઈ દળને આપવાના હતા. જોકે, આ સોદો પાર પાડવા માટે પાછળા દરવાજે રૂ.423 કરોડની લાંચ આપવામાં આવી હોવાનું પાછળથી બહાર આવ્યું હતું.