અમદાવાદ, જયપુર, લખનઉ સહિતના 6 એરપોર્ટનું ખાનગીકરણ કરાશેઃ સરકાર
નાગરિક ઉડ્ડયન મંત્રી હરદીપ પૂરીએ રાજ્યસભામાં પુછવામાં આવેલા સવાલનો જવાબ આપતા જણાવ્યું કે, આ એરપોર્ટનું સંચાલન, વ્યવસ્થાપન અને વિકાસ ખાનગી-જાહેર ભાગીદારીના આધારે કરવામાં આવશે
નવી દિલ્હીઃ એનડીએ સરકારે બુધવારે જણાવ્યું કે, દેશના છ એરપોર્ટનું ખાનગીકરણ કરવામાં આશે. તાજેતરમાં જ એરપોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા(AAI)ના કર્મચારીઓએ એરપોર્ટનું ખાનગીકરણ કરવાના સરકારના નિર્ણયના વિરોધમાં ભૂખ હડતાળ પર બેસવાની ધમકી આપી હતી. નાગરિક ઉડ્ડયન મંત્રી હરદીપ પુરીએ બુધવારે રાજ્યસભામાં એક સવાલના જવાબમાં આ માહિતી આપી હતી.
તેમણે જણાવ્યું કે, "દેશના છ એરપોર્ટના સંચાલન માટે ખાનગી કંપનીઓને આમંત્રણ આપવામાં આવ્યું છે. ખાનગી ઓપરેટર પસંદ થઈ ગયા પછી દેશના અમદાવાદ, જયપુર, લખનઉ, મેંગલુરુ, થીરુવનંતપુરમ અને ગૌહાટી એરપોર્ટનું સંચાલન, વ્યવસ્થાપન અને વિકાસ ખાનગી-જાહેર ભાગીદારી (PPP) મોડેલના આધારે કરવામાં આવશે." તેને સીધો જ ફાયદો હવાઈ મુસાફરો અને AAIને થશે.
આ અંગે તેમણે ઉદાહરણ આપતા જણાવ્યું કે, દિલ્હી અને મુંબઈ એરપોર્ટનું સંચાલન ખાનગી કંપનીઓ દ્વારા જ કરવામાં આવે છે. વર્ષ 2006માં દિલ્હી અને મુંબઈ એરપોર્ટનું ખાનગીકરણ કરવામાં આવ્યું હતું.
VIDEO: રાજ્યસભામાં આ સાંસદ ભાષણ આપતી વખતે ભાવુક થઇ રડી પડ્યા...
આ જાહેરાત તાજેતરમાં જ એક સપ્તાહ પહેલા એરપોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયાની જોઈન્ટ ફોરમે નાગરિક ઉડ્ડયન મંત્રીને લખવામાં આવેલા પત્ર પછી થઈ છે. પત્રમાં AAIના કર્મચારીઓએ જણાવ્યું હતું કે દેશના આ છ એરપોર્ટ નફો રળી રહ્યા છે અને તેનું ખાનગીકરણ કરવામાં આવશે તો તેઓ તેનો વિરોધ કરશે.
પત્રમાં વધુમાં જણાવ્યું છે કે, અગાઉ દિલ્હી અને મુંબઈના જે એરપોર્ટનું ખાનગીકરણ કરાયું છે તેનો દેશને કે સમાજને કોઈ ફાયદો થયો નથી. ખાસ કરીને દેશના ઉડ્ડયન ક્ષેત્રની માળખાકીય સુવિધાઓમાં કોઈ ખાસ ફાયદો થયો હોય એવું જણાતું નથી. તેના પદલે ખાનગીકરણના કારણે સંચાલનમાં મોનોપોલી વધી છે, કર્મચારીઓનું શોષણ વધ્યું છે અને પ્રજા ઉપર વધારાનો બોજો આવ્યો છે. એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાના કર્મચારીઓ નવેમ્બર, 2018માં જ્યારે આ એરપોર્ટ્સનું ખાનગીકરણ કરવાની જાહેરા કરાઈ હતી ત્યારથી જ તેનો વિરોધ કરી રહ્યા છે.
જૂઓ LIVE TV....