નવી દિલ્હી : ડોનાલ્ડ ટ્રમ્પના કાશ્મીર અંગેના નિવેદન મામલે બુધવારે સંસદમાં વિપક્ષનો હંગામો ચાલ્યો પરંતુ આ દરમિયાન રાજ્યસભામાં ભાવુક દ્રશ્યો સર્જાયા. અન્નાડીએમકેના સાંસદ વી મૈત્રેયન પોતાની વિદાય વેળાના ભાષણ દરમિયાન ભાવુક થયા અને રડી પડ્યા. પૂર્વ મુખ્યમંત્રી એવા દિવંગત નેતા જયલલિતાને યાદ કરતાં તેઓ ભાવુક થયા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અન્નાડીએમકે તરફથી ત્રણ વખત રાજ્યસભામાં સાંસદ રહેલા વી મૈત્રેયનનો કાર્યકાળ પુરો થઇ રહ્યો છે. આ અવસર પર વિદાય ભાષણ આપતી વેળાએ દિવંગત નેતા જયલલિતાને યાદ કરતાં તેઓ રડી પડ્યા. તેમણે કહ્યું કે, આ અવસરે હું ઘણી શ્રધ્ધા અને સન્માન સાથે મારા નેતા જયલલિતાને યાદ કરવા ઇચ્છીશ કે જેમણે મારી પર સંપૂર્ણ ભરોસો વ્યક્ત કર્યો અને મને ત્રણ વખત રાજ્યસભામાં મોકલ્યો. 



રાજ્યસભામાં બુધવારે તમિલનાડુ ના પાંચ સદસ્યોને વિદાય આપવામાં આવી. જેમનો છ વર્ષનો કાર્યકાળ પૂર્ણ થયો હતો. 24 જુલાઇએ સેવા નિવૃત્ત થઇ રહેલા પાંચ સાંસદોમાં મૈત્રેયન, ડી. રાજા, કે.આર.અર્જુનન, આર. લક્ષ્મણન અને ટી રતિનવેલ છે. રાજા ભાકપાના સભ્ય છે જ્યારે અન્ય અન્નાડીએમકેના સાંસદ છે. રાજ્યસભા અધ્યક્ષ એમ વેંકૈયા નાયડુએ સેવાનિવૃત્ત થઇ રહેલા સાંસદોના યોગદાનની સરાહના કરી.