1984ના તોફાનોમાં જગદીશ ટાઇટલરનો હાથ હોવાનો પાકો પુરાવો : અકાલી દળ
અકાલી દળે તેના પાસે જગદીશ ટાઇટલર ગુનેગાર હોવાનો પુરાવો હોવાની વાત કરી
નવી દિલ્હી : 1984માં સિખો વિરૂદ્ધ થયેલા તોફાન હવે ફરી વિવાદમાં છે. તાજેતરમાં આ તોફાનના આરોપી એવા પૂર્વ કેન્દ્રિય મંત્રી જગદીશ ટાઇટલર દ્વારા આપવામાં આવેલા એક ઇન્ટરવ્યૂ પછી ફરી 84ના તોફાનની ચર્ચા ચાલી છે. અકાલી દળે દાવો કર્યો છે કે 1984માં થયેલા તોફાનમાં કેન્દ્રિય મંત્રી જગદીશ ટાઇટલરનો હાથ હતો અને આ વાતનો તેમની પાસે પાકો પુરાવો છે.
અકાલી દળ પાસે પુરાવો
અકાલી દળના નેતા મનજીત સિંહ જીકેએ મીડિયા સામે આવીને દાવો કર્યો છે કે તેમની પાસે જગદીશ ટાઇટલરનું એક સ્ટિંગ છે. આ સ્ટિંગમાં તેઓ 1984ના તોફાનોમાં શામેલ થવાની વાત કકરી રહ્યા છે. મનજીત સિંહે કહ્યું છે કે અમે આ તમામ પુરાવા સીબીઆઇને સોંપી રહ્યા છીએ અને જો સીબીઆઇ આ મામલામાં કોઈ પગલું નહીં ઉઠાવે તો અમે આ મુદ્દાને લઈને સડક પર પ્રદર્શન કરીશું અને સંસદમાં આ મુદ્દાને ઉઠાવીશું.
રોજ સુનાવણીની માગણી
84ના તોફાનના એક પીડિતે આ મામલાની રોજિંદી સુનાવણીની માગણી કરીને કહ્યું છે કે નિર્ભયા અને ગોધરા મામલામાં રોજ સુનાવણી થઈ અને પીડિતોને ન્યાય મળ્યો. અમને એ નથી સમજાતું કે 1984ના પીડિતોના મામલામાં આવી રીતે સુનાવણી કેમ નથી થતી. સુનાવણી થવામાં 2-2 વર્ષો સમય લાગી જાય છે. અમારા સાક્ષીઓ હંમેશા કહે છે કે સિખોના સંહાર પાછળ સજ્જનકુમાર અને જગદીશ ટાઇટલરનો હાથ હતો. આ સાંસદોએ પોતાના વિસ્તારમાં સિ્ખોની હત્યા કરાવડાવી હતી.
સુખબીર સિંહ બાદલે લગાવ્યા આરોપ
પંજાબના પૂર્વ ઉપમુખ્યમંત્રી સુખબીર સિંહ બાદલે તોફાનોમાં રાજીવ ગાંધીની ભૂમિકા પર સવાલ કર્યા છે. તેમણે કહ્યું છેકે ટાઇટલરની વાતથી સ્પષ્ટ માહિતી મળે છે કે જ્યારે 1984ના તોફાનોમાં દિલ્હીમાં સિખોની હત્યા થઈ રહી હતી ત્યારે તત્કાલીન વડાપ્રધાન રાજીવ ગાંધી આની પર નજર રાખી રહ્યા હતા. બાદલે કહ્યું હતું કે સીબીઆઇએ ટાઇટલર દ્વારા આપવામાં આવેલી જાણકારીની તપાસ કરવી જોઈએ કારણ કે આ મામલો ગંભીર છે. જોકે, પંજાબના મુખ્યમંત્રી અમરિંદર સિંહે જણાવ્યું છે કે ટાઇટલરના દાવામાં કોઈ સચ્ચાઈ નથી.