Akshaya Tritiya: અક્ષયતૃતીયા પર કરો આ કામ, વર્ષો બાદ સર્જાયો છે ગ્રહોનો અનોખો સંયોગ
નવી દિલ્લીઃ આજે 3 મે એટલે અક્ષયતૃતીયાનો શુભ દિવસ. વર્ષના સૌથી સારા ચાર શુભ મુહૂર્તમાંથી એક શ્રેષ્ઠ મુહૂર્ત અક્ષય તૃતીયાનું ગણાય છે. એટલે કે, આ દિવસે કોઈ પણ મુહૂર્ત જોયા વગર શુભ કાર્ય કરી શકાય છે. જેમ કે, લગ્ન, ગૃહ પ્રવેશ અથવા અન્ય કોઈ કાર્ય. અક્ષય તૃતીયાના દિવસે ગ્રહોનો એક અદભુદ સંયોગ પણ બની રહ્યો છે.
જેના કારણે અક્ષય તૃતીયાનું મહત્વ વધારે વધી ગયું છે. કારણકે, આવો શુભ સંયોગ વર્ષો બાદ એકવાર આવતો હોય છે. અક્ષય તૃતીયાનો પર્વ ભલે દર વર્ષે આવતો હોય. પણ ગ્રહોનો આવો અદભુત સંયોગ જવલ્લે જ જોવા મળતો હોય છે. આજના દિવસે સોના-ચાંદીના દાગીના ખરીદવા શુભ માનવામાં આવે છે.
અક્ષય તૃતીયા 2022નું શુભ મુહૂર્તઃ
તૃતીયા તિથિ આજે સવારે 5:19 મિનિટથી શરૂ થઈને સવારે સવારે 7.33 વાગ્યા સુધી રહેશે. આજે રોહિણી નક્ષત્ર સવારે 12.34 મિનિટથી 4 મેની સવારે 3 વાગ્યેને 18 મિનિટ સુધી રહેશે.
અક્ષય તૃતીયાનું મહત્વઃ
અક્ષય તૃતીયાનો દિવસ તે શુભ મુહૂર્ત માનવામાં આવે છે. આ દિવસે સોના-ચાંદી સહિત કપડા, ગાડી વગેરેની ખરીદી શુભ માનવામાં આવે છે. સાથે જ આ દિવસે કરેલું ધાર્મિક કાર્ય ફળદાયી નિવડે છે. એવું પણ મનવામાં આવે છે કે, અક્ષય તૃતીયાના દિવસે દાન કરવાથી સુખ-સંપત્તિ વધે છે.
કેમ મનાવવામાં આવે છે અક્ષય તૃતીયાઃ
અક્ષય તૃતીયા મનાવવા પાછળ ઘણી પૌરાણિક કથાઓ પ્રચલિત છે.
1) એક પૌરાણિક કથા અનુસાર આ દિવસે ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર પશુરામનો જન્મ થયો હતો. આ જ કારણે આ દિવસને અક્ષય તૃતીયાના રૂપમાં મનાવવામાં આવે છે. આ દિવસે પરશુરામ જન્મત્સવ પણ મનાવવામાં આવે છે.
2) એક એવી પણ માન્યતા છે કે, આ દિવસે ભાગીરથની કઠોર તપસ્યાથી પ્રસન્ન થઈને મા ગંગા સ્વર્ગથી ધરતી પર ઉતર્યા હતા.
3) એક કથા અનુસાર, આ દિવસે મા અન્નપૂર્ણાનો જન્મ થયો હતો. એટલા માટે કહેવાય છે કે, અક્ષય તૃતીયાના દિવસે રસોઈ ઘર અને અનાજની પૂજા કરવી જોઈએ.
4) એવું પણ કહેવામાં આવે છે કે, અક્ષય તૃતીયાના દિવસે જ મહર્ષિ વેદવ્યાસે મહાભારત લખવાનું શરૂ કર્યું હતું. આ ગ્રંથમાં શ્રી ભાગવત ગીતાનો પણ સમાવેશ છે. એટલા માટે આ દિવસે શ્રીમદ ભાગવત ગીતાના 18મા પાઠ વાંચવો જોઈએ.
5) એક માન્યતા મુજબ, અક્ષય તૃતીયાના દિવસે જ નર-નારાયણે પણ અવતાર લીધો હતો. એટલા માટે આ દિવસને શુભ માનવામાં આવે છે.