કોલકત્તાઃ કેન્દ્ર સરકાર અને મુખ્યમંત્રી મમતા બેનર્જી વચ્ચે ચાલી રહેલી રસાકસી બાદ પશ્ચિમ બંગાળના મુખ્ય સચિવ અલપન બંદોપાધ્યાયે સોમવારે નિવૃતિ લઈ લીધી છે. 31 મેએ તેમનો કાર્યકાળ સમાપ્ત થઈ રહ્યો હતો, જે ત્રણ મહિના માટે વધારવામાં આવ્યો હતો. તેમને કેન્દ્રએ પરત બોલાવ્યા હતા પરંતુ તેઓ ગયા નહીં. હવે મમતા બેનર્જીએ તેમની પોતાના વિશેષ સલાહકાર તરીકે નિમણૂક કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઉલ્લેખનીય છે કે પશ્ચિમ બંગાળ કેડરના 1987 બેચના આઈએએસ અધિકારી બંદોપાધ્યાય 60 વર્ષની ઉંમર પૂરી કર્યા બાદ 31 મેએ નિવૃત થવાના હતા. પરંતુ કેન્દ્ર પાસેથી મળેલી મંજૂરી બાદ તેમને ત્રણ મહિનાનું એક્સટેન્શન આપવામાં આવ્યું હતું. એક્સટેન્શન આપ્યાના ચાર દિવસ બાદ કેન્દ્ર સરકારે તેમની સેવાઓ માંગી. મમતા સરકારને કહેવામાં આવ્યું કે, તે પોતાના મુખ્ય સચિવને તત્કાલ કાર્યમુક્ત કરે. તૃણમૂલ કોંગ્રેસ સરકારે આ પગલાને બળજબરીપૂર્વક પ્રતિનિયુક્તિ ગણાવી હતી. 


31 મેએ દિલ્હીમાં થવાનું હતું હાજર
અલપન બંદોપાધ્યાયને 31 મેની સવારે 10 કલાક પહેલા કેન્દ્ર સરકારને રિપોર્ટ કરવાનું કહેવામાં આવ્યું હતું. પરંતુ બંદોપાધ્યાયની જગ્યાએ મુખ્યમંત્રીનો પત્ર કેન્દ્રને મળ્યો. મમતાએ કહ્યું કે, આવા મુશ્કેલ સમયમાં બંગાળ સરકાર પોતાના મુખ્ય સચિવને કાર્યમુક્ત ન કરી શકે. વિવિધ મીડિયા રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે, મમતાના આ વલણ બાદ કર્મચારી અને તાલીમ વિભાગ (DoPT) બંદોપાધ્યાય વિરુદ્ધ કાર્યવાહી કરી શકે છે. 


જાણો શું છે સમગ્ર વિવાદ?
હકીકતમાં ચક્રવાતી તોફાન યાસથી થયેલા નુકસાન બાદ એક સમીક્ષા બેઠક રાખવામાં આવી હતી. આ બેઠકમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સાથે મુખ્યમંત્રી મમતા બેનર્જીને સામેલ થવાનું હતું. પરંતુ બેઠકમાં રાજ્યના મુખ્ય સચિવ અલપન બંદોપાધ્યાય મોડા પહોંચ્યા હતા. 


પ્રધાનમંત્રી મોદી સાથે બેઠકમાં મોડા પડવાનું અપલન બંદોપાધ્યાયને ભારે પડ્યું કારણ કે તેમને બંગાળના ચીફ સેક્રેટરી પદેથી હટાવી દિલ્હી બદલી કરી દેવામાં આવી. ત્યારબાદ આ વિવાદ શરૂ થયો હતો. સોમવારે કેન્દ્ર સરકારે અલપન બંદોપાધ્યાયને દિલ્હીમાં રિપોર્ટ કરવાનો નિર્દેશ આપ્યો હતો. પરંતુ બંગાળ સરકારે તેમને કાર્ય મુક્ત કર્યા નહીં. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube