નવી દિલ્હી: ભારતમાં પોલિયો ફરીથી કહેર મચાવી શકે છે. દેશનું ભવિષ્ય ખરાબ કરતો આ રોગ ફરી એકવાર લોકોને પોતાના સકંજામાં લઈ શકે છે. વાત જાણે એમ છે કે દિલ્હી નજીક ગાઝિયાબાદ સ્થિત મેડિકલ કંપની બાયોમેડ તરફથી બનાવવામાં આવેલી ઓરલ પોલીયો વેક્સિનમાં ટાઈપ-2 પોલિયો વાઈરસ મળી આવતા હડકંપ મચ્યો છે. વેક્સિનમાં આ વાઈરલ મળી આવવાની સૂચના મળતા પોલિયો નિવારણ અભિયાન સાથે જોડાયેલા લોકોની ચિંતા વધી છે. ગત દિવસોમાં વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને ભારતમાંથી લગભગ પોલિયો નાબૂદ થયાની જાહેરાત કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અંગ્રેજી અખબાર ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલ મુજબ રસીમાં પોલિયોના વાઈરસ મળવાની સૂચનાને સ્વાસ્થ્ય મંત્રાલયે ગંભીરતાથી લીધી છે અને જલદી તેનો કોઈ ઉકેલ લાવવાનું કહેવાયું છે. વરિષ્ઠ પોલીસ અધિકારીના હવાલે કહેવાયું છે કે પોલિયોની રસી ઉત્તર પ્રદેશ ઉપરાંત મહારાષ્ટ્રના બાળકોને પણ અપાઈ છે. વાઈરસ મળી આવ્યાંના અહેવાલ બાદ આ બંને રાજ્યોને એલર્ટ રહેવાનું કહેવાયું છે. 


અધિકારીઓનું કહેવું છે કે સરકાર તરફથી ચલાવવાનમાં આવતા પોલિયો વેક્સિનેશન અભિયાન માટે બાયોમેડ કંપની વેક્સિન સપ્લાય કરી રહી હતી. તેમણે જણાવ્યું કે ઉત્તર પ્રદેશના કેટલાક બાળકોના મળમાં પોલિયોના વાઈરસ મળ્યાં છે. આ નમૂનાઓને તપાસ માટે મોકલી દેવાયા છે. કહેવાય છે કે પ્રાથમિક તપાસમાં સેમ્પલમાં ટાઈપ-2 પોલિયો વાઈરસ મળી આવ્યાં છે. 



વાઈરસ મળ્યાની સૂચના બાદ વેક્સિન બનાવનારી કંપની વિરુદ્ધ કેસ દાખલ કરાયો છે. આ સાથે જ કંપનીના મેનેજિંગ ડાઈરેક્ટરની ધરપકડ કરાઈ છે. આ ઉપરાંત આ કંપનીમાં તૈયાર વેક્સિનનો સપ્લાય સંપૂર્ણ રીતે બંધ કરાયો છે. જે વેક્સિન પહેલેથી સપ્લાય થઈ ગઈ હતી તેના ઉપયોગ પર રોક લગાવવામાં આવી છે. 


સ્વાસ્થ્ય મંત્રાલયના કહેવા મુજબ 25 એપ્રિલ 2016ના રોજ તમામ વેક્સિન બનાવનારી કંપનીઓને પોલિયો ટાઈપ-2 વાઈરસ નષ્ટ કરવાના આદેશ અપાયા હતાં. આવામાં કોઈ એક કંપનીના વેક્સિનમાં આ વાઈરસ કેવી રીતે રહી ગયા તે તપાસ થવી જોઈએ.